સોમનાથ મંદિર આસપાસ દબાણો દૂર કરાયા, પોલીસ બંદોબસ્ત સાથે 3 હેક્ટર જમીન ખુલ્લી કરાઈ


  • Published By :
  • Published Date : 2024-01-28 14:57:51

રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિર આસપાસ સરકારી જમીનો પરના અનઅધિકૃત દબાણો દૂર કરવા માટે બીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સોમનાથ તંત્રએ મંદિર નજીકના મુખ્ય માર્ગ પર 144થી વધુ પાથરણાવાળાઓ અને લારી-ગલ્લાઓને પોલીસ બંદોબસ્ત સાથે દૂર કર્યાં હતાં. ગઈકાલે દરિયાકિનારે યાત્રાધામ સોમનાથ મંદિર ટ્રસ્ટની તથા સરકારી જમીન ઉપર વર્ષોથી ખડકાયેલાં કાચાં-પાકાં 175 જેટલાં ગેરકાયદે મકાનો દૂર કરાયાં હતાં.


જડબેસલાક પોલીસ બંદોબસ્ત


સોમનાથ મંદિરના જે મુખ્ય પ્રેવેશ માર્ગ એવા શંખ સર્કલથી હમીરજી સર્કલ સુધીના મુખ્યમાર્ગ પર લારી-ગલ્લાવાળા અને પાથરણા વાળાઓને આજે વહેલી સવારથી દૂર કરવામાં આવ્યા છે. આ અંગે વિભાગીય પોલીસ અધિકારી વી.આર.ખેંગારે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા ગઈકાલે 144 જેટલા દબાણ ધારકોને નોટિસો આપવામાં આવી હતી. આ દબાણો હટાવવા માટે માર્ગ-મકાન વિભાગની ટીમ દ્વારા જેસીબી, ટ્રેક્ટરો કામે લગાડાયાં હતાં. આ મેગા ડિમોલિશન કામગીરીની સમીક્ષા કરવા જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયા અને પોલીસ અધીક્ષક મનોહરસિંહ જાડેજા પણ સ્થળ પર હાજર રહ્યા હતા. કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એ માટે જિલ્લા પોલીસ અધીક્ષક મનોહરસિંહ જાડેજા દ્વારા જડબેસલાક પોલીસ- બંદોબસ્ત તહેનાત કરી દેવાયો હતો. એમાં ડિમોલિશનના સ્થળે 2 ડીવાયએસપી, 7 પીઆઈ, 20 પીએસઆઈ, એલસીબી, એસઓજી તથા જીઆઇડી મળી 500 જેટલા પોલીસકર્મીઓનો કાફલો બંદોબસ્તમાં તહેનાત કરવામાં આવ્યો હતો. આજે વહેલી સવારે પોલીસના જડબેસલાક બંદોબસ્ત સાથે આ તમામ દબાણોને દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આમ આજે બીજા દિવસે પણ યાત્રાધામ સોમનાથમાં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે અને સરકારી જમીન પરના વર્ષો જુના દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે. સોમનાથ તંત્રએ મેગા ડિમોલિશન દ્વારા 21 પાકાં મકાનો તથા 153 જેટલાં ઝૂંપડાં હટાવીને 3 હેક્ટર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી હતી, હવે આ ખુલ્લી જમીનને ફરતે ફેન્સિંગ કરવામાં આવશે.​​​​​



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.