આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.
અરવલ્લીના માલપુરથી પોલીસની ખુબ મોટી કાર્યવાહી સામે આવી છે. પોલીસે ફોર્ચ્યુનર કારમાંથી ૮.૨૮ લાખનો પોશડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. ગુનેગારોએ પોલીસને ચકમો આપવા માટે , ફોર્ચ્યુનરમાં આગળ કમળનો ખેસ લગાવ્યો હતો. અરવલ્લી જિલ્લામાં થોડાક સમય અગાઉ નવા SP તરીકે મનોહરસિંહ જાડેજાની નિમણુંક થઇ છે ત્યારે , હવે પોલીસે ડ્રગ્સની સપ્લાય ચેન પર સકંજો કરવાનું નક્કી કરી લીધું છે. આખી ઘટના એવી છે કે , અરવલ્લીના માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જયારે , PI કે. આર. દરજી અને પોલીસ સ્ટાફના માણસો જયારે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને બાતમી મળી હતી કે , સફેદ કલરની ફોર્ચ્યુનર જેનો નંબર GJ 18 BK ૧૨૨૪ હતો જે ગેરકાયદેસર નશા કારક પદાર્થ ભરીને ગામડાઓના અવાવરું રસ્તે નીકળવાની છે. બાતમીના આધારે પોલીસે મસાદરા ગામના માર્ગો પર વોચ ગોઠવી હતી. પોલીસ જીપને દૂરથી જોતા જ ફોર્ચ્યુનર ચાલકના હોશકોશ ઉડી ગયા હતા. તેણે ગાડી કાચા રસ્તા પર ઉતારી દીધી અને થોડે દૂર જઈને ગાડીને બિનવારસી હાલતમાં મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો.
માલપુર પોલીસે ફોર્ચ્યુનરની તલાશી લેતા, અંદર કાળા કોથળાઓમાં છુપાવેલો ૨૭૬ કિલોગ્રામ પોશડોડાનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત ₹૮.૨૮ લાખ થવા જાય છે. પોલીસે પોશડોડા અને ફોર્ચ્યુનર કાર મળીને કુલ ₹૨૮.૨૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી, ફરાર અજાણ્યા ચાલક વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આમ હવે ડ્રગ્સની હેરાફેરી કરનાર ઈસમોએ એક નવી મોડસ ઓપરેન્ડીનો સહારો લીધો છે. જેમાં તેમણે ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાડી દીધો હતો. આ સમગ્ર કાર્યવાહીમાં જે પણ પોલીસ કર્મીઓએ ભાગ લીધો હતો તેમના નામ છે. PI કે. આર. દરજી , ASI રણજિતભાઈ સુકાભાઈ , હેડ કોન્સ્ટેબલ નવનીતકુમાર સવજીભાઈ , અવિનાશકુમાર અમૃતભાઈ આ પછી , વિજયકુમાર ગોબરભાઇ , રાજેશકુમાર રામભાઈ , અમૃતભાઈ જીવાભાઈ છે.