ગુજરાતમાં બહુ ચર્ચિત બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીને લઈને આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. આજે બનાસ ડેરી ચૂંટણીનું આખું ચિત્ર સ્પષ્ટ થશે.અત્યાર સુધી કુલ 16માંથી ૧૫ બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. આમ માત્ર દાંતા બેઠક પર ચૂંટણીઓ થવા જઈ રહી છે.
એશિયાની સૌથી મોટી ડેરી બનાસડેરીમાં આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે ત્યારે , 16માંથી 15 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. હવે માત્ર દાંતા બેઠક પર જ ચૂંટણી યોજાશે તેવું પિક્ચર આજે ક્લિયર થઇ ગયું છે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીને વિશ્વાસ હતો કે , આખા નિયામક મંડળની ચૂંટણીઓ બિનહરીફ થશે પરંતુ , હવે માત્ર દાંતા બેઠક પર ચૂંટણી લડાશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપે પાલનપૂર , દાંતા , વડગામ , દાંતીવાડા , ધાનેરા અને કાંકરેજ માટે મેન્ડેટ આપ્યા છે. પાલનપુર બેઠક પરથી ભરત પટેલ , કાંકરેજ બેઠક પરથી બાબુ ચૌધરી , દાંતીવાડા પરથી પરથીભાઈ ચૌધરી , ધાનેરા બેઠક પરથી જે કે પટેલ , વડગામ બેઠક પરથી ફલજી ભાઈ પટેલ , દાંતા બેઠક પરથી અમૃતજી ઠાકોરને BJP દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું છે. આમ હવે પાલનપુર બેઠક પરથી હરિ ચૌધરીએ ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ફોર્મ પરત ખેંચી લીધું છે. તેમની જગ્યાએ ભરત પટેલને મેન્ડેટ આપવામાં આવ્યું છે. મેન્ડેટ બાદ ભાજપના હરીફ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. હવે વાત કરીએ આ પહેલા કઈ બેઠકો બિનહરીફ જાહેર થઇ છે , રાધનપૂરથી શંકર ચૌધરી , અમીરગઢ પરથી ભાવાભાઇ રબારી , થરાદ પરથી પરબત પટેલ , ડીસા પરથી કમળાબેન દેસાઈ , સુઈગામથી મુળજીભાઈ પટેલ , ભાભરથી અંજુબેન ચૌધરી , લાખણીથી તેજ પટેલ , વાવ પરથી માંનીબેન ચૌધરી , દિયોદરથી રમીલાબેન ચૌધરી , સાંતલપુરથી રાઘાભાઈ આયર બિનહરીફ જાહેર થઇ ચુક્યા છે. તો હવે માત્ર દાંતા બેઠક માટે ચૂંટણી થવા જઈ રહી છે જેમાં , અમૃતજી ઠાકોરની સામે દિલીપસિંહ બારડ વચ્ચે આ જંગ થવા જઈ રહ્યો છે. આ જોતા એ લાગી રહયું છે કે , બનાસ ડેરીમાં શંકર ચૌધરીનો દબદબો યથાવત છે.
હાલમાં જ બનાસ ડેરીએ તેની 57મી વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકો માટે 2,909.08 કરોડના ઐતિહાસિક ભાવફેરની જાહેરાત કરી હતી, જેમાંથી 2,131.68 કરોડ ડેરી દ્વારા સીધા ચૂકવાશે અને બાકીના 778.12 કરોડ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ દ્વારા ચૂકવવામાં આવશે. આ ભાવફેર ગત વર્ષના 1,973.79 કરોડની સરખામણીએ નોંધપાત્ર વધારો દર્શાવે છે.