આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. આ ચૂંટણીઓ ૧૦મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ માટે આણંદ અમુલ ડેરીએ આખરી મતદાર યાદી પણ પ્રસ્સિદ્ધ કરી નાખી છે. હવે ચૂંટણીનો ધમધમાટ તેજ થવા સાથે ઉમેદવારની દાવેદારી કરવા ઇચ્છતા નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદ નિયામક મંડળની ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મહિલાઓ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.
ગુજરાતમાં સહકારી ક્ષેત્રમાં હવે આવતા મહિને ૧૦મી સપ્ટેમ્બરના રોજ અમુલ નિયામક મંડળની ૧૩ બેઠકો પર ચૂંટણીઓ યોજવા જઈ રહી છે. જેમાં બાર બ્લોક વાઇસ અને એક વ્યક્તિ વિશેષ મળી કુલ ૧૩ બેઠકો પર ચૂંટણીઓ યોજાશે. આ ચૂંટણીઓમાં ઉભા રહેવા માટે ૨૦ ઓગસ્ટથી ૨૮ ઓગસ્ટ દરમ્યાન ફોર્મ ભરાશે.જાહેર રજાના દિવસો સિવાય ફોર્મ ભરી શકાશે. ઉમેદવારી પત્રો ચૂંટણી અધિકારી, ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ., આણંદ અમૂલ ડેરી અને નાયબ કલેક્ટર, પ્રાંત કચેરી, નવું સેવાસદન, આણંદ ખાતે સ્વીકારવામાં આવશે. ૨૯મી ઓગસ્ટના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. ૩૦મી ઓગસ્ટના રોજ ઉમેદવારી પત્ર ખેંચવાની અંતિમ તારીખ છે . આ ચૂંટણી જાહેર થતા જ રાજકીય પક્ષો પણ અમુલની ચૂંટણીને લઇને સક્રિય દેખાઈ રહ્યા છે. આ કારણે કોંગ્રેસ અને ભાજપના નેતાઓની અમુલ ડેરીમાં વિઝીટ વધી રહી છે.
તો હવે અમુલ નિયામક મંડળની ચૂંટણીઓને લઇને પ્રાથમિક મતદાર યાદીમાં ૧૧૯૫ મતો નોંધાયા હતા. જેમાં ૬૧ વાંધા અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત , ૧૫ નવા મતદારો નોંધાયા છે. આમ કુલ ૧૨૧૦ મતદારો નોંધાયા છે . પ્રસ્સિદ્ધ કરવામાં આવેલી મતદારયાદી અંતર્ગત, આણંદ ૧૧૦ , ખંભાત ૧૦૫ , બોરસદ ૯૩ , પેટલાદ ૮૯ , ઠાસરા ૧૦૭ , બાલાસિનોર ૯૪ , કઠલાલ ૧૦૪ , કપડવંજ ૧૧૨ , મહેમદાવાદ ૧૦૪ , માતર ૯૦ , નડિયાદ ૧૦૭ , વીરપુર ૯૫ મળી કુલ ૧૨૧૦ મતદારો સાથેની યાદી પ્રાંત અધિકારી દ્વારા જાહેર કરવામાં આવી હતી. આ પછી અમુલ ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું . મહિલાઓ માટે 2 બેઠકો અનામત રખાઈ હોવાથી અમૂલમાં નિયામક મંડળમાં પહેલી વખત મહિલાઓને સ્થાન મળશે. પેટલાદ અને ઠાસરા બેઠક મહિલા ઉમેદવાર માટે અનામત રખાઈ છે. બીજી તરફ ચૂંટણી પહેલા જ આણંદનાં BJP જિલ્લા પ્રમુખ સંજય પટેલે તમામ બેઠક જીતવાનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, ચૂંટણીમાં અમે તમામ 13 બેઠકો જીતીશું. કોંગ્રેસને ચૂંટણીમાં એકપણ બેઠક નહીં મળે. હવે જોવાનું એ છે કે , સફેદ દૂધનો કારોબાર કોના હાથમાં જાય છે તે જોવાનું રહેશે?