ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી સ્વરાજ આશ્રમશાળામાં બનેલી એક અત્યંત ગંભીર ઘટનાએ સમગ્ર જિલ્લામાં નહીં પરંતુ ગુજરાતભરમાં ચકચાર જગાવી છે. આશ્રમમાં અભ્યાસ કરતી 15 વર્ષીય સગીર વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાતા પોલીસે આશ્રમના મહિલા પ્રમુખના પતિ પ્રફુલ નાયકની ધરપકડ કરી છે.
શું છે સમગ્ર મામલો?
પીડિતાની માતાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, આશ્રમમાં રસોઈ કામ કરતી સોનલબેન નામની મહિલાએ સગીર વિદ્યાર્થીનીને “રસોડામાં કામ છે” એવું કહીને વિશ્વાસમાં લઈ બોલાવી હતી. ત્યારબાદ બાળકીને પીણામાં નશીલો પદાર્થ ભેળવી પીવડાવવામાં આવ્યો હોવાનો આરોપ છે. આ સ્થિતિનો લાભ લઈ આરોપી પ્રફુલ નાયકએ બાળકી સાથે ગંભીર ગુનાહિત કૃત્ય આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. ઘટનાની જાણ થયા બાદ પીડિતાની માતા આશ્રમમાં આવી અને દીકરી સાથે વાત કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો. ત્યારબાદ તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે દુષ્કર્મ તથા પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધી મુખ્ય આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય સંડોવાયેલા આરોપીને પકડવા કાર્યવાહી તેજ બનાવવામાં આવી છે.
આરોપી પ્રફુલ નાયકની ધરપકડ
સાંસદ ધવલ પટેલનો આક્રોશ
આ ઘટનાને લઈ વલસાડ–ડાંગના સાંસદે ભારે રોષ વ્યક્ત કર્યો છે. સાંસદે સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું કે, દીકરીઓની સુરક્ષા સાથે ચેડાં કરનાર કોઈપણ વ્યક્તિ—ભલે તે કેટલુંય પ્રભાવશાળી કેમ ન હોય—કાયદાથી બચી શકશે નહીં. તેમણે સ્થાનિક પોલીસ અને પ્રશાસનને નિષ્પક્ષ, ઝડપી અને કડક તપાસ કરવા સૂચના આપી છે.
પીડિતાને ન્યાયની ખાતરી
સાંસદે આદિવાસી સમાજને ખાતરી આપતા જણાવ્યું કે, પીડિત બાળકીને ન્યાય અપાવવા માટે તેઓ વ્યક્તિગત રીતે આ કેસનું મોનિટરિંગ કરશે અને દોષિતોને કાયદા મુજબ કડકમાં કડક સજા અપાવાશે. આ ઘટનાએ આશ્રમશાળાઓમાં બાળકોની સુરક્ષા, દેખરેખ અને જવાબદારી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. હવે સમગ્ર રાજ્યની નજર આ કેસની તપાસ અને ન્યાયિક પ્રક્રિયા પર મંડાયેલી છે.






.jpg)








