સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વાલેવડા ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું છે. આ મામલે , દસાડા પોલીસ મથકે એક વ્યક્તિ સામે ફરજમાં રુકાવટ અંગેની ફરિયાદ પોતે પોલીસ કર્મચારી દ્વારા નોંધાવવામાં આવી છે. બીજી બાજુ કોંગ્રેસના પૂર્વ MLA અને ગ્રામજનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે , સ્થાનિક PI દ્વારા રિવોલ્વર મૂકીને ધમકી આપીને માર મારવામાં આવ્યો છે. વાલેવડા ગામમાં લાંબા સમયથી બુટલેગરો દ્વારા બેફામ રીતે દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ હતો. આ અંગે ગામના યુવાનો અને મહિલાઓ એકત્ર થઈને પોલીસને રજૂઆત કરવા પહોંચ્યા હતા. ગ્રામજનોનો આક્ષેપ છે કે, દસાડા પોલીસ જ્યારે તપાસ માટે પહોંચી ત્યારે બુટલેગરોને પકડવાને બદલે રજૂઆત કરનારાઓ પર જ ઉશ્કેરાઈ ગઈ હતી.
ઘર્ષણ દરમિયાન પરિસ્થિતિ એટલી વણસી હતી કે, દસાડા PI ઉપાધ્યાયે પોતાની સર્વિસ રિવોલ્વર કાઢી હવામાં અધ્ધર કરી ગ્રામજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું સ્થાનિક લોકો કહી રહ્યા છે. મોડી રાત્રે થયેલી આ ઝપાઝપીમાં પોલીસ અને ગ્રામજનો સામસામે આવી ગયા હતા, જેના કારણે ભારે નાસભાગ મચી ગઈ હતી. જ્યારે સામા પક્ષે ગામના યુવકો દ્વારા દસાડા પોલીસને બૂટલેગરો અંગે માહિતી આપતા પોલીસે સ્થળ પર પહોંચી માહિતી આપનાર યુવકો અને વૃદ્ધ મહિલાઓને મારમાર્યાનો પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી અને ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો અને દોષિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહીની ગ્રામજનો સહિત પૂર્વ ધારાસભ્યએ માંગ કરી હતી. ઘર્ષણ દરમિયાન બે મહિલાઓને ઇજાઓ પહોંચતા તેને બહુચરાજી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. પોલીસ કર્મચારીએ દસાડા પોલીસ મથકે ગણપતભાઈ ચંદુભાઈ ઠાકોર સામે ફરજમાં રૂકાવટ અંગે ફરિયાદ નોંધાવી છે. ઘટનાને લઇ કોંગ્રેસે પોલીસ સ્ટેશનમાં વિરોધ નોંધાવી ભોગ બનનાર લોકોને પોલીસ ન્યાય આપે તેવી માંગ કરવામાં આવી છે.
તો હવે આ સમગ્ર મામલે , દસાડાના પૂર્વ MLA નૌશાદ સોલંકીએ કહ્યું છે કે , "વાલેવડા ગામની અંદર પોલીસે આતંક મચાવ્યો છે. જાગૃત યુવાનો દ્વારા બુટલેગરોની માહિતી આપતા પોલીસે બુટલેગરોને છાવર્યા હતા , જે યુવાનોને માહિતી આપી હતી તેને જ ઢોર માર મારવામાં આવ્યો હતો. ગામની વૃદ્ધ મહિલાઓને પણ ઢોર મારવામાં આવ્યો હતો. PI ઉપાધ્યાય દ્વારા જાહેરમાં રિવોલ્વર કાઢવામાં આવી હતી. દોષિતો સામે સખત કાર્યવાહી કરવામાં આવે." વાલેવડાના રહીશોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે, ૧) જ્યાં સુધી બુટલેગરોની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે. ૨) નિર્દોષ મહિલાઓ અને યુવાનો પર લાઠીચાર્જ કરનાર પોલીસ અધિકારીઓ સામે તાત્કાલિક FIR નોંધવામાં આવે. ૩) જો તંત્ર ન્યાય નહીં આપે, તો ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન છેડશે. હાલમાં ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, પરંતુ ગ્રામજનોનો આક્રોશ જોતા સ્થિતિ હજુ પણ તંગ જણાઈ રહી છે.






.jpg)








