જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીકર ગામ નજીકથી પસાર થતી ઓઝત નદીમાં ત્રણ યુવકોનો જીવ બચાવવા જતા એક આર્મી જવાને પોતાનો જીવ ગુમાવ્યો હોવાની કરુણ ઘટના સામે આવી છે. ટીકર ગામના વતની આર્મી જવાન ભરતભાઈ ભેટારીયા હાલ રજા પર પોતાના વતન આવ્યા હતા, ત્યારે આ દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું છે, જયારે સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી ત્યારે આખું ગામ હિબકે ચડ્યું હતું. આર્મી જવાન ભરતભાઈ ભેટારીયા છેલ્લા 15 વર્ષથી ભારતીય સેનામાં 20 મહાર બટાલિયનમાં ફરજ બજાવતા હતા અને હાલ તેઓ હવાલદાર તરીકે લેહ લદાખમાં તૈનાત હતા. જોકે હાલ દિવાળીના તહેવારમાં તેઓ પણ પોતાના પરિવારજનો સાથે તહેવાર ઉજવવા વતન આવ્યા હતા , ત્યારે આ દુર્ઘટનામાં તેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આર્મી જવાન ભરતભાઈ ભેટારીયા બે દિવસ પહેલા ઓઝત નદી પાસે મિત્રો સાથે ફરવા ગયા હતા, જ્યાં ત્રણ યુવકોને ડૂબતા જોઈને ભરતભાઈ તેઓને બચાવવા પાણીમાં કૂદી પડ્યા હતા. જ્યાં આર્મી જવાન ભરતભાઈએ ત્રણ યુવકોનો જીવ તો બચાવી લીધો, પરંતુ પોતે જ જીવ ગુમાવી અને દુનિયા છોડીને ચાલ્યા ગયા છે, ત્યારે લશ્કરી સન્માન સાથે તેમની અંતિમ વિદાય નીકળતા આખું ગામ હિબકે ચડ્યું છે. આર્મી જવાન ભરતભાઈને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે
જવાન ભરતભાઈની અંતિમ યાત્રામાં આખું ગામ ઉમટી પડ્યું હતું. આર્મી બટાલિયનના જવાનો, નિવૃત્ત સૈનિકો અને સ્થાનિક લોકોની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા. ભારતીય સેનાના જવાનો ફરજ ઉપર હોય કે રજા ઉપર, પોતાના જીવની પરવા કર્યા વગર ફરજ બજાવતા હોય છે.






.jpg)








