રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.
મેં ૨૦૨૪માં રાજકોટ TRP ગેમઝોનમાં થયેલું અગ્નિ કાંડ કે જેના કારણે , ખુબ મોટી સંખ્યામાં લોકો મૃત્યુને ભેટ્યા હતા. હવે આ કેસમાં આરોપી RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. પરંતુ , મનસુખ સાગઠીયાને હાલ જેલમાંથી મુક્તિ નહીં મળે. તેઓ હજુ પણ બે અન્ય કેસમાં જેલમાં રહેશે. જેમાં બોગસ મિનિટ્સ બુક અને અપ્રમાણસર મિલકતના કેસનો સમાવેશ થાય છે, જેમાં તેમને જામીન મળવાના બાકી છે. આ ઉપરાંત , EDએ મનસુખ સાગઠિયા સામે બીજી ફરિયાદની મંજૂરી માંગી હતી, જેને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના જનરલ બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેમાં જો ED આગામી દિવસોમાં પુરાવા એકત્રિત કરીને ફરિયાદ દાખલ કરે છે, તો તેમની મુશ્કેલીઓ વધી શકે છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાના વકીલે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી પર સુનાવણી વખતે એવી દલીલ કરી હતી કે , આ કેસમાં કુલ 365 સાક્ષીઓ છે, જેમની તપાસમાં ઘણો સમય લાગી શકે છે. આરોપી છેલ્લા 15 મહિનાથી જેલમાં છે અને આ કેસમાં ટ્રાયલ માત્ર એક મહિના પહેલા જ શરૂ થઈ છે. આ ઉપરાંત, એવી પણ દલીલ કરવામાં આવી હતી કે જો આ કેસમાં સંડોવાયેલા એટીપીને જામીન આપવામાં આવે છે, તો ટીપીઓને પણ જામીન પર મુક્ત કરવા જોઈએ અને આ સાથે, તાજેતરમાં સુપ્રીમ કોર્ટે પોતે દોઢ મહિના પહેલા ઇલેશ ખેરને જામીન પર મુક્ત કર્યા છે, જે મ્યુનિસિપલ અધિકારી પણ હતા, તો મનસુખ સાગઠિયાને પણ જામીન પર મુક્ત કરવા જોઈએ, જેને સુપ્રીમ કોર્ટે આ દલીલ સ્વીકારી છે અને મનસુખ સાગઠીયાને જામીન પર મુક્ત કરવાનો આદેશ સુપ્રીમે કોર્ટે આપ્યો છે.
રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનાના 5 દિવસ બાદ રાજકોટ શહેર પોલીસે 30 મે ના રોજ RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાની ધરપકડ કરી હતી. આ દરમિયાન ACB મનસુખ સાગઠિયા સામે અપ્રમાણસર મિલકતનો કેસ પણ નોંધ્યો હતો અને તપાસ દરમિયાન સાગઠિયાના ઘર તેમજ ઓફિસ સહિતના ઠેકાણાઓથી 16 કરોડ રૂપિયાની કિંમતનું 22 કિલો સોનુ અને 3 કરોડ કેશ જપ્ત કર્યા હતા. ઉપરાંત કેટલીક રોકડ અને ગોલ્ડ તેના ભાઈની ઓફિસમાંથી જપ્ત કરવામાં આવ્યુ હતુ. સાગઠિયાએ અને તેના પરિવારજનોના નામે એકત્ર કરેલી 23.15 કરોડની મિલકત ટાંચમાં લેવાનો સરકારે આદેશ કર્યો હતો. જે બાદ ACB ની તપાસમાં સાગઠિયાની કાયદેસરની આવક કરતા 628.42 ટકા વધુ અપ્રમાણસર મિલક્ત મળી આવી હતી. જે બાદ ભ્રષ્ટાચારની કલમ હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી. TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવને ગંભીરતાથી લઈ TRP ગેમઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા જવાબદાર અધિકારીઓ સહિતના કુલ 16 આરોપી સામે ગુનો નોંધી 15 આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા. ચાર્જશીટ થયા બાદ અદાલતમાં આરોપીઓ દ્વારા જામીન પર છૂટવા માટે અરજી કરવામાં આવતા અત્યારસુધી કુલ 6 આરોપીને જામીન આપવામાં આવ્યા છે. 16 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા મનપાના અધિકારી ઈલેશ ખેરને જામીનમુક્ત કરવા ઓર્ડર કર્યો હતો.