રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.
રાજકોટના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા મહત્વના નિર્દેશ આ કેસને લઇને આપવામાં આવ્યા છે. હાઇકોર્ટના છેલ્લા હુકમ મુજબ કેસની તપાસ રાજકોટ જિલ્લાના બહારના અધિકારીને સોંપવા સંદર્ભે સરકારી વકીલે સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુ અને Dysp જે.ડી.પુરોહિતનું નામ હાઇકોર્ટ સમક્ષ આપ્યું હતું. પ્રેમસુખ ડેલુ, અજિત રાજીયાન ,ઓમ પ્રકાશ જાટ, રવિ મોહન સૈની, નીતેશ પાંડે જેવા નામ અરજદારે કોર્ટ સમક્ષ મુક્યા હતા. સરકારી વકીલે પ્રેમસુખ ડેલુનું નામ આપ્યું હતું. આખરે સિનિયોરીટી અને બંનેના કોમન સજેશનને આધારે પ્રેમસુખ ડેલુંને તપાસ સોંપાઈ. આઈપીએસ અધિકારી પ્રેમસુખ ડેલુંના નેતૃત્વમાં જે તપાસ કમિટી બની છે તે 02 માર્ચ, 2025 થી 15 માર્ચ 2025 ની ઘટનાઓની તપાસ કરશે. જેમાં ખોવાયાની ફરિયાદ, અકસ્માત, NC ફરિયાદ, ડેડબોડી વગેરેની તપાસ થશે. રાજકુમાર જાટની હત્યા થઈ હતી કે અકસ્માત મૃત્યુ, તેણે આત્મહત્યા કરી હતી કે કુદરતી મોત તે કારણ બહાર આવશે. તપાસ ટીમ સાયન્ટિફિક તપાસ કરશે, FSL ની મદદ લેશે. ત્રણેય અરજી નવી તપાસ ટીમને ટ્રાન્સફર થશે. રાજકોટ પોલીસે અત્યારસુધી કરેલ તમામ તપાસ પેપર અને એકત્ર કરેલ CCTV નવી તપાસ ટીમને સોંપવામાં આવશે. આ તપાસનો પ્રથમ પ્રોગ્રેસ રિપોર્ટ 10 ડિસેમ્બરે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ મુકાશે, જે અંગે 15 ડિસેમ્બરે વધુ સુનાવણી યોજવામાં આવશે. આમ હવે આ કેસમાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ ગોંડલની મુશ્કેલીઓ વધી શકે છે. વાત કરીએ , રાજકુમાર જાટના પરિવારની તો , તેમણે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેમના દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે , આ કેસની તપાસમાં સ્થાનિક પોલીસ EX MLA જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ ગોંડલનો બચાવ કરી રહી છે. આ પછી તેમણે કોર્ટમાં વધુ તપાસ CBIને સોંપવામાં માંગણી કરી હતી. હવે આ આખા કેસની તપાસ IPS ઓફિસર પ્રેમસુખ ડેલુંને સોંપવામાં આવી છે.
આવો જાણીએ કે રાજકુમાર જાટ કેસ શું છે? ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા અને પાઉંભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટે આક્ષેપ કર્યા હતા કે, 'ગત બીજી માર્ચે હું અને મારો પુત્ર રાજકુમાર સાથે ઘરે જવા બાબતે મોટે-મોટેથી બોલતા-બોલતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા સામેથી પસાર થયા હતા. ત્યારે અટકાવીને પુત્ર ગણેશ જાડેજા તથા 7-10 માણસોએ માર માર્યો હતો. બાદમાં અમે બન્ને ઘરે જતાં રહ્યા હતા. જો કે બાદમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમાર એ જ દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા ગયો હતો, પરંતુ તે બાદ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. આ બાબતે સ્થાનિક ગોંડલ પોલીસને જાણ કરાઈ હતી. ત્યાર બાદ રાજકોટ એસ.પી. ને લેખિત ફરિયાદ અરજી આપી હતી, તે પછી ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી હતી.' દરમિયાન પોલીસને ત્રણ માર્ચના દિવસે મધ્યરાત્રિએ 3 વાગ્યે કુવાડવા નજીક વાહન અડફેટે ઈજા પામ્યા બાદ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાન અને ગોંડલનાં લાપત્તા યુવાન વચ્ચે સામ્યતા જણાતા એ દિશામાં તપાસ શરૂ કરી હતી. જે પછી મૃત્યુ પામનાર યુવક રાજકુમાર હોવાનો સામે આવતા કેસમાં નવો વળાંક આવ્યો હતો.