અમદાવાદના ધરજી ગામે પોલીસ પર થયો હિંસક હુમલો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-03-29 19:11:19

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.  ગુજરાતમાં જાણે અસામાજિક તત્વોને કાયદાનો કે ખાખી વર્દીનો કોઈ ડર જ રહ્યો ન હોય તેવો ઘાટ સર્જાયો છે.  અમદાવાદ ગ્રામ્યના નળ સરોવર વિસ્તારમાં દારૂ માફિયાઓ અને ગામલોકોએ ભેગા મળીને પોલીસ જવાનોને ઢોર માર મારીને ઉભી પૂંછડીએ ભાગવા મજબૂર કર્યા છે. 

આ ઘટનાને પગલે ગ્રામ્ય પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. પોલીસ પર થયેલા આ હિંસક હુમલા બાદ વધારાનો પોલીસ કાફલો ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યો હતો. નળ સરોવર પોલીસે આ મામલે કડક વલણ અપનાવતા હુમલામાં સામેલ 100થી વધુ લોકો સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે. ઘટના બાદ હુમલાખોરો ગામ છોડીને ફરાર થઈ ગયા હતા. જોકે, પોલીસે મુખ્ય આરોપી સહિતના આરોપીઓની ધરપકડ કરી છે. થોડાક સમય અગાઉ, નળ સરોવર પોલીસને બાતમી મળી હતી કે ધરજી ગામે મોટા પાયે દારૂનું વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે જ્યારે પોલીસ કાફલો દરોડો પાડવા પહોંચ્યો, ત્યારે  અચાનક ગામમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ કર્મચારીઓ સાથે બોલાચાલી શરૂ કરી હતી. મામલો એટલો બિચક્યો હતો કે 100થી વધુ લોકોના ટોળાએ પોલીસ પર હુમલો કરી દીધો હતો. ટોળાએ પોલીસ કર્મચારીઓને નીચે પાડી દીધા હતા અને તેમને રસ્તા પર દોડાવી-દોડાવીને માર મારતા ગંભીર સ્થિતિ સર્જાઈ હતી.

ગામલોકોએ મારેલા આ મારમા ૨ પોલીસકર્મીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. જોકે, આ ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો ગામમાં પહોંચી ગયો હતો અને સઘન કોમ્બિંગ હાથ ધર્યું હતું. હાલમાં ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને શાંતિનો માહોલ છે. આ મામલે પોલીસે અત્યાર સુધીમાં મુખ્ય આરોપી આત્મારામ ઉર્ફે રંગા તેમજ અન્ય સાગરીતો સહિત કુલ 15 જેટલા શખ્સોની ધરપકડ કરી છે. 100 લોકોના ટોળા સામે ગુનો નોંધીને પોલીસે અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે