સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૨૮મી ડિસેમ્બરના રોજ , ન્યુરોસર્જન ડોક્ટર પાર્થ પંડ્યા પર જયદીપ ચાવડા નામના વ્યક્તિએ હુમલો કર્યો હતો. આ ઘટના પછી , તબીબી આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જુનિયર ડોક્ટર એસોસિએશને આ હુમલાને વખોડી નાખ્યો છે. જયદીપ ચાવડા સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ સાથે હડતાલનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. ડોક્ટરોની માંગ છે કે , આરોપી વિરુદ્ધ દાખલ થયેલા કેસમાં ઝડપી અને ન્યાયપૂર્ણ તપાસ થાય. જુનિયર ડોક્ટરોના હડતાલ પર ઉતરી જવાથી તબીબી સેવાને અસર પહોંચી છે. આ હડતાલના કારણે , દર્દીઓ અને તેમના સગાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ડોકટરોએ સ્પષ્ટ શબ્દમાં જણાવ્યું છે કે , ડોક્ટરો કોઈ 'પબ્લિક પ્રોપર્ટી' નથી કે કોઈ પણ વ્યક્તિ આવીને તેમની સાથે હિંસા કરી શકે. આ હિંસક ઘટનાના વીડિયો ફૂટેજ પણ સામે આવ્યા છે, જે દર્શાવે છે કે કઈ રીતે ફરજ પરના તબીબ સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું. ડોક્ટરોની ચાર માંગણીઓ આ પ્રમાણે છે. પહેલી માંગણી છે કે, હુમલો કરનાર આરોપીની પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. બીજી માંગણી છે કે, આરોપી પાસે જાહેરમાં માફી મંગાવવામાં આવે અને તેનું સરઘસ કાઢવામાં આવે. ત્રીજી માંગણી છે કે, આરોપીનું PMJAY (આયુષ્માન) કાર્ડ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે. ચોથી માંગણી છે કે , ઘટના સમયે હાજર રહેલા સિક્યુરિટી ગાર્ડ્સ અને સ્ટાફને સસ્પેન્ડ કરવામાં આવે અને નવી સિક્યુરિટી એજન્સીની નિમણૂક કરવામાં આવે.
ડોક્ટરોએ સરકારને આ મુદ્દે નિરાકરણ લાવવા માટે ૨ દિવસનો સમય આપ્યો હતો , આ મુદ્દે કોઈ નિવેડો ના આવતા , તેઓ આજે હડતાલ પર ઉતર્યા છે. બીજી તરફ , હુમલાના આરોપી જયદીપ ચાવડાના પરિવારજનોએ પોલીસ તપાસની નિષ્પક્ષતા સામે સવાલો ઉઠાવ્યા છે. પરિવારનો દાવો છે કે, પોલીસે રજૂ કરેલા સીસીત્વ ફૂટેજ અધૂરા છે અને તેમાં સમગ્ર ઘટનાક્રમ સ્પષ્ટપણે દેખાતો નથી. જયદીપ ચાવડાના પરિવારજનોએ રાજકોટ પોલીસ કમિશનર સમક્ષ લેખિત રજુઆત કરીને સમગ્ર ઘટનાના સંપૂર્ણ CCTV ફૂટેજ ચકાસીને જ આગળની કાર્યવાહી કરવા વિનંતી કરી છે. હવે જાણીએ કે શું ઘટના બની હતી? રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીનાં પરિવારે ન્યુરોસર્જન વિભાગના ડૉ. પાર્થ પંડ્યા જ્યારે ફરજ પર હતા ત્યારે એક દર્દીનાં પરિવારના શખ્સ દ્વારા ડોક્ટર સાથે કોઈ બાબતે બોલાચાલી કરી તબીબ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને ડોક્ટરને બેહરેમીથી માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાનાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ મામલે હવે સિવિલ હોસ્પિટલમાં તબીબો અને મેડિકલ સ્ટાફમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.