Vadodara અકસ્માતમાં આખી સિસ્ટમ આરોપી બાજુ ઊભી રહી ગઈ। ફરિયાદી સાથે શું કર્યું ઓડિયો સાંભળો


  • Published By :
  • Published Date : 2024-02-19 17:54:41

આપણા સિસ્ટમની કમનસીબી એ છે કે તમે કેટલા સાચા છો, તમે પીડિત છો કે આરોપી તેવી વસ્તુઓ ગોણ થઈ જાય છે જ્યારે તમારી સામે જે વ્યક્તિ છે તે એકદમ પાવરફૂલ હોય છે. વડોદરાના ફતેગંજ પાસે એક અકસ્માત થયો. એ અકસ્માત એક યુવાને કર્યો હતો. ત્યાંના સ્થાનિકોનું એવું કહેવું હતું કે છોકરો સ્પીડમાં ગાડી ચલાવી રહ્યો હતો, કેટલી સ્પીડમાં ગાડી હતી તે વાતો તપાસ પછી સામે આવશે. તપાસ બાદ આખી ઘટનાની માહિતી સામે આવી પરંતુ ચર્ચા અહીંયા અકસ્માતની નથી કરવી પરંતુ ચર્ચા કરવી છે તે બાદ તે વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા વ્યવહારની! અકસ્માત વડોદરાની સમરસ હોસ્ટેલમાં રહેતા બે છોકરાઓનો પેલા ગાડી વાળા સાથે થાય છે. 

જો તમારી ગાડીથી અકસ્માત સર્જાય છે તો નૈતિક જવાબદારી છે કે... 

કામથી નીકળેલા છોકરાઓ સાથે ગાડી એટલી ભયંકર રીતે ટક્કરાઈ કે ટક્કર થયા બાદ છોકરાઓ ઉછળીને પેલી ગાડી પર જ અથડાયા. સામાન્ય રીતે આવી ઘટના થાય ત્યારે માનવતાની દ્રષ્ટ્રિએ પેલા વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા જોઈએ પરંતુ આ ઘટનામાં આવું કંઈ ના થયું. નૈતિક જવાબદારી છે કે તમે ઘાયલ થયેલા વ્યક્તિને હોસ્પિટલ લઈ જાવ, હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરો નહીં કે ગાડી લઈને ભાગી જાવ. એ લોકો ત્યાંથી ભાગી ગયા, સ્થાનિકોએ તેમને રોકવાની કોશિશ કરી, તો સ્થાનિકોને એ ગાડી વાળા છોકરાએ કચડવાની કોશિશ કરી. 


અકસ્માતને લઈ ફરિયાદ કરવા છોકરાઓ પહોંચ્યા પોલીસસ્ટેશન 

છોકરાઓને હોસ્પિટલ લઈ ગયા, એક છોકરાને ગંભીર રીતે ઈજા પહોંચી છે, માથાના ભાગે સિવિયર ઈન્જરી થઈ છે. ઘાયલ થયેલા વિદ્યાર્થીની સારવાર ચાલી રહી છે. માતા પિતાને જાણ કરવામાં આવી. ઈજાગ્રસ્ત મિત્રની મદદમાં બાકીના મિત્રો આવ્યા. પોતાની ફરજ સમજી તેઓ ગાડી વાળા વ્યક્તિ સામે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા. મિત્રોએ ઘાયલ થયેલા મિત્રનો સાથ ન છોડ્યો. એ પણ સ્વાભાવિક છે કે એ લોકો પોલીસ સ્ટેશન પહોંચે અને ફરિયાદ નોંધાવે. તે યુવાનોના કામને બિરદાવવી જોઈએ કે તેમણે હિંમત ન હારી.


સાંસદ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા, છોકરાઓ સાથે વાત કરી અને.. 

ઘટનાની જાણ થયા બાદ પહેલા સ્થાનિક નેતાઓ ત્યાં પહોંચ્યા. તે બાદ વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ પણ ત્યાં પહોંચ્યા. વડોદરાના સાંસદ તરીકે તે ત્યાં પહોંચ્યા તેવું માની લઈએ પરંતુ છોકરાઓ અને સાંસદ વચ્ચેનો સંવાદ છે તે ચોંકાવનારો છે. રંજનબેન શરૂઆત છોકરાઓને સમજાવાથી કરે છે, તે છોકરાઓને સવાલો પૂછે છે કે શું તમને ખબર છે કે તેમની પાસે લાઈસન્સ હતું કે નહીં?  એક્ટિવા કોની હતી વગેરે વગેરે. તમે તેમની મદદ કરવા ઈચ્છો પરંતુ એવું ના થાય કે તમે તેમાં ભરાઈ જાવ એવી વાતો સાંસદ દ્વારા કહેવામાં આવી. પણ એના પછી જે થયું કદાચ એની કલ્પના ફરિયાદ કરવા આવેલા છોકરાઓને નહીં હોય. 


ઘાયલ થયેલા છોકરાઓને મળવાની પણ તસ્દી કોઈને ના લીધી!

પેલા છોકરાનો હાથ પકડીને સાંસદ લઈ જાય છે.  છોકરાઓની ફરિયાદ એ હતી કે જે વ્યક્તિથી અકસ્માત થયો છે તેને છોડાવવા માટે નેતાઓ, સાંસદ આવે છે પરંતુ જે વ્યક્તિ ઘાયલ થયો છે તેની ખબર અંતર પૂછવા માટે કોઈ નથી જતું. એ લોકોની ખબર અંતર પૂછવાની તસ્દી કોઈએ ના લીધી. પેલા વ્યક્તિને બચાવવા માટે પોલીસ સ્ટેશન લોકો પહોંચી રહ્યા છે પરંતુ પેલા વ્યક્તિની સારવાર કેવી ચાલે છે તે જાણવામાં કોઈને રસ જ ન હતો.. ! 

સંવાદનો વીડિયો સાંસદે કરાવ્યો ડિલીટ!

જ્યારે રંજનબેન છોકરાઓને સમજાવી રહ્યા હતા ત્યારે એક છોકરો તેનો વીડિયો ઉતારી રહ્યો હતો.  પોલીસ સ્ટેશનમાં પેલા છોકરાઓ હાજર છે, પોલીસકર્મીઓની હાજરી છે, સાંસદ પેલા છોકરાને વીડિયો ઉતારતા જોઈ જાય છે અને તેને વીડિયો ડિલીટ કરવાનું કહે છે. છોકરા પાસેથી વીડિયો ડિલીટ કરાવી દે છે. એવી પણ માહિતી સામે આવી છે કે જે છોકરાએ અકસ્માત સર્જ્યો છે તેનું નામ એફઆઈઆરમાંથી કાઢવામાં આવ્યું છે. એમણે કઢાવ્યું અને પોલીસે કાઢ્યું. આવું થયા પછી પેલા છોકરાઓ કેવી રીતે વિશ્વાસ કરી શકશે કે આ ઘટનામાં નિષ્પક્ષ તપાસ થશે. છોકરાઓએ કહ્યું કે નાગરિકોના અધિકારોની લોકો મોટી મોટી વાતો કરે છે પણ જો આપણે ખુલ્લીને એમની સામે બોલીએ છીએ, એમને પ્રશ્ન પૂછીએ છીએ તો કોઈનાથી સહન નથી થતું. છોકરાઓએ કહ્યું કે તેમને ન્યાય જોઈએ છીએ.! 


પોલીસ શું કામ લોકોને ભરોસો નથી અપાવી શકતી કે પોલીસ તેમની રક્ષક છે? 

સાંસદ રંજનબેનનો પોતાનો પક્ષ હોઈ શકે, તેમણે શું કામ આવું કર્યું એનો જવાબ ખાલી એમની પાસે હશે. એ કદાચ સામે વાળા વ્યક્તિને નિર્દોષ માનીને બચાવા ગયા હોય, પણ એ સાંસદ છે એટલે તેમની જવાબદારી વધી જાય છે. કાયદા વ્યવસ્થાનું પાલન જળવાઈ રહે તે જોવાની જવાબદારી સાંસદની છે. ઘણા બધા નિર્ણયો પ્રેક્ટિકલી લેવાતા હોય છે. ત્યારે પ્રશ્ન એ થાય કે પોલીસ શું કામ દરેક વખત શાસકોની કઠપુતળી બની જાય છે.? જમાવટ પાસે એ સંવાદનો ઓડિયો છે જેમાં છોકરાઓ અને સાંસદો વચ્ચે વાતચીત થઈ હતી. એ ઓડિયો સાંભળો તેની સાથે શું થયું? 


   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.