ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ કેવી છે તે આપણે જાણીએ છીએ. અનેક શાળાઓ એવી છે જ્યાં એક જ શિક્ષક છે. શિક્ષકો મુદ્દે અનેક વખત વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. વિધાનસભામાં આજે નકલીકાંડને લઈ કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો કર્યો હતો જે બાદ કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. વિધાનસભામાં સરકારી શાળાઓને લગતા ચોંકાવનારા આંકડા રજૂ કરવામાં આવ્યા છે. વિપક્ષ દ્વારા પૂછાયેલા સવાલના જવાબમાં રાજ્ય સરકારે કબૂલાત કરી છે કે, રાજ્યમાં 341 પ્રાથમિક શાળાઓ એવી છે જે એક ઓરડાથી ચાલી રહી છે. જો કે, વધુ ઓરડા બનાવવાની સરકારે ખાતરી આપી હતી. શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે કહ્યું છે કે, ‘રાજ્યમાં 1,606 નિયમિત શાળા છે અને શિક્ષકોને વતનનો લાભ આપવા સહિતના મુદ્દાના કારણે તે તમામ એક જ શિક્ષકથી ચાલે છે.'
રાજ્ય સભાના ચારેય ઉમેદવાર બિન હરીફ વિજેતા!
રાજ્ય સભાની ચૂંટણીને લઈ ગુજરાતથી ભાજપના ચાર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. રાજ્યસભાના સાંસદ તરીકે જે.પી.નડ્ડા. ગોવિંદ ધોળકિયા, જશવંતસિંહ પરમાર તેમજ મયંક નાયક બિનહરીફ રાજ્ય સભાના સાંસદ તરીકે જાહેર થયા છે. થોડા દિવસ પહેલા ચારેય ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું. જે વખતે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું તે જ વખતથી લાગતું હતું કે ચારેય ઉમેદવાર બિન હરીફ જાહેર થશે કારણ કે ગુજરાતમાં ભાજપનું સંખ્યાબળ 156 છે. ઓછું સંખ્યાબળ હોવાને કારણે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર પણ જાહેર કરવામાં આવ્યો ન હતો. મહત્વનું છે કે મનસુખ માંડિવયા તેમજ પરશોત્તમ રૂપાલાને રાજ્યસભા સાંસદ માટે રિપીટ કરવામાં આવ્યા ન હતા એવું માનવામાં આવતું હતું કે નવા ચહેરાઓને તક આપવામાં આવશે અને તેવું જ થયું.
ચંદીગઢ મેયર ચૂંટણીને લઈ સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચૂકાદો
ચંદીગઢ મેયર ચૂંટણીને લઈ સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વનો ચૂકાદો આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે AAP-કોંગ્રેસના ઉમેદવારને મેયર તરીકે જાહેર કર્યા હતા અને ભાજપના ઉમેદવારની જીતને રદ કરી હતી. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટીસ મનોજ મિશ્રાએ કહ્યું છે કે ચંદીગઢ મેયરની ચૂંટણીમાં મતોની ગણતરી ફરીથી કરવામાં આવે, અમાન્ય ગણાયેલા મત હવે માન્ય રહેશે. સોમવારે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીમાં રિટર્નિંગ ઓફિસરે અનિલ મસીહે કબૂલાત કરી હતી કે તેણે જ બેલેટ પેપર પર ક્રોસના નિશાન લગાવ્યા હતા. રિટર્નિંગ ઓફિસરની પૂછપરછ કર્યા બાદ કોર્ટે મતગણતરીનો વીડિયો અને ચૂંટણી સંબંધિત દસ્તાવેજો મગાવ્યા હતા, જે કોર્ટ રૂમમાં પહોંચ્યા હતા. રિટર્નિંગ ઓફિસરના વીડિયો અને બેલેટ પેપર પણ કોર્ટ રૂમમાં જમા કરાવવામાં આવ્યા હતા. ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા ચંડીગઢના મેયર તરીકે આપના ઉમેદવાર કુલદીપ કુમારને જાહેર કરવામાં આવ્યા છે.
મહારાષ્ટ્ર વિધાનસભામાં સર્વાનુમતે પસાર થયું મરાઠા અનામત બિલ!
મહારાષ્ટ્ર વિધાનસભામાં મંગળવારે મરાઠા અનામત પર મોહર લગાવવામાં આવી છે, વિધાનસભામાં આ બિલ સર્વસંમ્મતિથી પસાર થઈ ગયું છે. આ બિલમાં 10 ટકા મરાઠા અનામતની ભલામણો કરવામાં આવી છે. તેનાથી મરાઠા સમુદાયમાં શિક્ષણ અને નોકરીઓમાં રિઝર્વેશનનો લાભ મળશે. આ બિલ હવે વિધાન પરિષદમાં રજુ કરવામાં આવશે. મરાઠા અનામતને લઈને આજે વિધાનસભા મંડળનું વિશેષ સત્ર આયોજીત કરવામાં આવ્યું છે. આ અગાઉ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ ફડણવીસે મરાઠા અનામત બિલને સર્વસંમત્તી અને સંપુર્ણ બહુમતીથી પસાર કરવાની અપીલ કરી છે. જો કે વિપક્ષી નેતાઓની સાથે-સાથે સત્તા પક્ષના એકમાત્ર સભ્ય, એનસીપી નેતા અને મંત્રી છગન ભુજબળ બિલ પર વાંધો રજુ કરવા ઉભા થઈ ગયા હતા. વિપક્ષના નેતા વડેટ્ટીવારે બિલ પર સહેમતી વ્યક્ત કરી છે. બિલના ડ્રાફ્ટ મુજબ, સરકારે મરાઠા સમુદાયને 10 ટકા હિસ્સો આપ્યો છે. બિલના મુસદ્દા મુજબ આયોગે 16 ફેબ્રુઆરી 2024ને તેમની રિપોર્ટ રાજ્ય સરકારને સોંપી દીધી હતી.
રાહુલ ગાંધીને મળ્યા જામીન!
કોંગ્રેસ નેતા તેમજ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી 20 ફેબ્રુઆરીના રોજ એટલે આજે ઉત્તર પ્રદેશના સુલતાનપુરની એમ-એમલે કોર્ટમાં હાજર થયા હતા. અમિત શાહ વિરુદ્ધ કરેલી કથિત 'અપમાનજનક' ટિપ્પણી બદલ રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ ચાલી રહ્યો છે. કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપ્યા છે. તેને 25,000 રૂપિયાની સિક્યોરિટી અને 25,000 રૂપિયાના જામીન બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. 2018માં અમિત શાહ વિરૂદ્ધ કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરી હતી તે બાદ ભાજપના નેતા દ્વારા તેમના વિરૂદ્ધ માનહાનિનો કેસ કરવામાં આવ્યો હતો જે બાદ આજે આ કેસને લઈ સુનવણી હાથ ધરવામાં આવી હતી.