સચિવાલયના રસ્તે અથડાતા અટવાતા લાખો સપના ધ્રુસકે ધ્રુસકે રડે...!


  • Published By :
  • Published Date : 2023-01-29 15:20:39

ધરતીને પટે પગલે પગલે

મૂઠી ધાન વિના નાનાં બાળ મરે,

પ્રભુહીન આકાશેથી આગ ઝરે :

અહોરાત કરોડ કરોડ ગરીબોના પ્રાણ ધનિકોને હાથ રમે-

ત્યારે હાય રે હાય, કવિ ! તને પૃથ્વી ને પાણીતણાં શેણે ગીત ગમે !


મેઘાણીની આ વાતમાં થોડા બદલાવ સાથે અમે સરકાર તમને પુછીએ છીએ

સચિવાલયના રસ્તે અથડાતા અટવાતા

લાખો સપના ધ્રુસકે ધ્રુસકે રડે

રાત્રે ખેડૂતની પીડા, દિવસે યુવાનનો આક્રોશ

ચારેય બાજુથી સત્તાને ઘેરી વળે

ત્યારે હાય રે સરકાર...! તને મૃદુ-મક્કમપણાંની શેણે વાતો ગમે!


ગુજરાતના હજારો હોર્ડીંગ પર બોલ્ડ અક્ષરે લખેલી મૃદુ અને મક્કમ સરકાર.... ક્યાં મરી જાય છે તમારી સજ્જતા જ્યારે દર થોડા દિવસે પરીક્ષાઓમાં આવા દુર્ભાગ્ય સર્જાય છે.

તારીખ હતી 29મી જાન્યુઆરી, 2022

સમય સવારે 6.30ની આસપાસ

સતત થતા ફોનના વાઈબ્રેશનના કારણે આંખ ખુલી, અકળામણ સાથે વિચાર આવ્યો કે એવી શું ઈમરજન્સી હશે કે કોઈ સતત ફોન કરી રહ્યું છે તો જોયું અલગ-અલગ નંબરથી ઢગલાબંધ ફોન મીસ થયા હતા, ખબર પડી કે જુનિયર ક્લાર્કનું પેપરલીક થયું છે. અમારી સાથે સૌથી મોટી સમસ્યા એ છે કે અમે કોઈ જ પ્રશ્નોને સરકારો કે નેતાઓની જેમ પ્રેક્ટીકલી કે માત્ર ફાયદા માટે નથી લઈ શકતા, અમને પ્રશ્નો થાય છે અને જ્યાં સુધી જવાબો ના મળે ત્યાં સુધી સવાલ કરવાની કટીબદ્ધતા છે. સરકારનો ભૂતકાળ જોતા સામાન્ય લાગે એવા સમાચાર સામાન્ય એટલે ના લાગ્યા કેમ કે મને હતું અનેક પ્રશ્નોની વચ્ચે 156 સીટ સાથે બનેલી સરકારમાં જવાબદેહી હશે અને કોઈ પણ સંજોગોમાં પેપર તો લીક નહીં જ થવા દે પણ અફસોસ... સરકારના જ સુત્ર પ્રમાણે કહીએ તો ભરોસાની ભેંસે પાડો જણ્યો.


છેલ્લા 5 વર્ષમાં અમારા સવાલો નથી બદલાયા, હાં પહેલા જબરદસ્ત બુમો પાડતી હતી હવે શાંતિથી પુછી લઉં છું, જવાબો પણ નથી જ બદાલાયા અને તૈયારીઓ કરતા ચહેરાઓ પણ નથી બદલાયા, ક્યારેક ડેડીયાપાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તો ક્યારેક અમદાવાદ-ગાંધીનગરની લાઈબ્રેરીમાં આવા છોકરાઓ મળે અને કહે કે બેન આપણે બિનસચિવાલયના આંદોલન માટે મળ્યા હતા પણ અમને ઓર્ડર તો હજું મળ્યા નથી તો કશો જ પર્સનલ વાંક ના હોવા છતાંય શરમ આવે છે કે યાર આ બિચારા લોકો માટે 20 દિવસ બુમો પાડીને આપણે તો આગળ વધી ગયા આ લોકો તો ત્યાંનાં ત્યાં છે, ત્યારે જે લોકો મંત્રી નહોતા એ લોકો મંત્રી બન્યા છે, ચહેરાઓ બદલાઈ ગયા છે, વિપક્ષના ચહેરાઓ પણ બદલાયા છે પણ આ લોકોનું તો ગજબ જીવન છે, કશું બદલાતું જ નથી.


કોઈ જ ઘટનાક્રમ નથી લખવો, કેવી રીતે થયું, શું કામ થયું, સરકારે આ કર્યુ, વિપક્ષે પેલું કર્યું... जाने भी दो यारों क्यां फर्क पडता है!!! પણ જેને ફરક પડતો હોય એ શું કરશે? મને પડે છે તો હું આ લખું છું. સાંજ પડતા સુધીમાં મન કદાચ શાંત થઈ પણ જશે પણ એકસાથે ઉમટેલા અન્યાયની પીડા અને આક્રોશથી હલબલી ઉઠેલા મન શાંત નહીં થાય તો? કોણ એમને સમજાવશે કે આના સિવાયની દુનિયા પણ સુંદર છે...!સંભાવના અને સકારાત્મકતાથી ઘેરાયેલું આખુ વિશ્વ છે! કેટલાય છોકરાઓ એવા હશે જે સાંજ સુધી એ વિચારમાં ઘરે નહીં પહોંચે કે મા-બાપને શું જવાબ આપીશ! આશા એ જ છે કે એ લોકો સુધી કોઈક પહોંચે દિશા બતાવવા વાળું, એનો હાથ પકડીને ભરોસો અપાવવા વાળું. બાકી રાજનીતિ તો મરી પરવારી છે, આ લોકોની તાકાત નથી કે હવે સાંત્વના પણ આપી શકે. જે લોકો મોરબીની દુર્ઘટના પછી પણ સરકારના બચાવની ભુમિકામાં લાગ્યા હતા એ લોકો માટે પેપર ફુટ્યાં પછી પણ સરકારના નિર્ણયને બોલ્ડ નિર્ણય કહી દેવો આસાન થવાનો છે, કેમ કે દરેક લોકો પીડાં સુધી પહોંચી શકવા જેટલા ભાગ્યશાળી નથી હોતા. આ ઘટનાએ ફરી એકવાર અહેસાસ કરાવ્યો છે કે સિસ્ટમ બદલવા તો અમે સક્ષમ નથી, પણ સિસ્ટમથી અથડાંતા લોકોનો અવાજ બનવા માટે તો સક્ષમ છીએ. અને એટલે જ એકસાથે આવાત અમારે સરકારને પણ કરવી છે અને ઉમેદવારોને પણ.ઉમેદવારો તો કદાચ અથડાતા અટવાતા ઉભા થઈ  જશે, પણ સરકાર...તમે જે શાસનને અડીખમ અને પર્મેનન્ટ માની ચુક્યા છો એના પાયા કટાઈ રહ્યા છે. આ ઉમેદવારોને જવાબ આપજો બાકી સમય તો દરેકને જવાબ આપતો જ હોય છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.