થોડા સમય પહેલા સીઆઈડીમાં ફેડીનો રોલ નિભાવનાર દિનેશ ફડનીસનું નિધન થઈ ગયું હતું ત્યારે ફરી એક વખત ફિલ્મ જગતથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. કેન્સરથી ઝઝુમી રહેલા જૂનિયર મહેમૂદ તરીકે ફેમસ થયેલા નઈમ સૈયદે દુનિયાને અલવિદા કહી દીધું છે. કલાકારનું નિધન શુક્રવાર વહેલી સવારે થયું હતું. 67 વર્ષના જુનિયર મહેમુદ છેલ્લા ઘણા સમયથી કેન્સરની બિમારીથી પીડાઈ રહ્યા હતા. કલાકારના નિધનના સમાચાર સાંભળી બોલિવુડ જગતમાં શોકની વ્યાપી ઉઠી છે. મળતી માહિતી અનુસાર તેમના અંતિમ સંસ્કાર શુક્રવાર સાંજે કરવામાં આવશે.
67 વર્ષની ઉંમરે અભિનેતાએ લીધા અંતિમ શ્વાસ
કેન્સરનો રોગ જેને થયો હોય તેના માટે સામાન્ય રીતે માનવામાં આવે છે કે તેમનું બચવું અશક્ય છે. અનેક કિસ્સાઓ એવા હોય છે કે જેમાં છેલ્લા સ્ટેજ પહોંચેલા વ્યક્તિનું મોત થઈ જાય છે. ત્યારે બોલિવુડ એક્ટર જૂનિયર મેહમૂદ ઉર્ફે નઈમ સૈયદ પણ કેન્સરની બિમારીથી લડી રહ્યા હતા. તેમનો કેન્સર ચોથા સ્ટેજ પર હતો તેવી માહિતી સામે આવી હતી. તેમના નિધનથી સિનેમા ઈન્ડસ્ટ્રીમાં તેમજ તેમના ફેનમાં શોક વ્યાપી ઉઠ્યો છે. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે તેમની પરિસ્થિતિ અત્યંત નાજુક છે, જીંદગી અને મોત વચ્ચે ઝઝુમી રહ્યા છે. બોલિવુડ સ્ટાર જીતેન્દ્ર પણ તેમને મળવા થોડા દિવસો પહેલા પહોંચ્યા હતા.
જિતેન્દ્રએ લીધી હતી અભિનેતાની મુલાકાત
એક્ટરની તબિયત ખરાબ છે તેવા સમાચાર સામે આવતા તેમના ફેન્સ ચિંતિત થઈ ગયા હતા. તેમના ચાહકોએ પ્રાર્થના પણ કરી હતી કે તે જલ્દી સાજા થઈ પરંતુ તેમણે અંતિમ શ્વાસ લીધા છે. જિતેન્દ્ર જ્યારે તેમને મળવા પહોંચ્યા હતા ત્યારે તેમને જોઈ તે ભાવુક થઈ ગયા હતા. મુલાકાતની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી.