ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ભગવાન ભરોસે, ભાજપના નેતાઓ જ સુરક્ષિત નથી ત્યારે સામાન્ય પ્રજાની શું વિસાત?


  • Published By : Utpal Dave
  • Published Date : 2023-11-16 20:53:55

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી દિનપ્રતિદિન કથળી રહી છે, ગુનાખોરી એટલી હદે વધી છે કે સામાન્ય લોકો તેમની જાનમાલની સુરક્ષા અંગે ચિંતિત બન્યા છે. રાજ્યના મોટા શહેરો જેવા અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર, વડોદરા, ભાવનગર અને ગામોમાં હત્યા, લૂંટ, દુષ્કર્મ, છેડતી, નશીલા દ્રવ્યો અને દારૂની તસ્કરી,ખંડણી, હથિયારોની હેરાફેરી જેવા ગુન્હાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં લુખ્ખા તત્વોને જાણે કાયદાનો કોઈ ડર ન હોય તેમ બેફામ બન્યા છે. કોઈ માણસની હત્યા તો જાણે સામાન્ય બાબત બની ગઈ છે. રાજ્યમાં સાવ નજીવી બાબતે કોઈ પણ વ્યક્તિની હત્યા કરી નાખવામાં આવે છે. સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે રાજ્યમાં ભાજપના જ નેતાઓ સુરક્ષિત નથી, નેતાઓને ધોળા દિવસે મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. અમરેલીની ધારી તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય અને ભાજપના નેતા મધુબેન જોશીની હત્યા તેનું તાજું ઉદાહરણ છે. આ અગાઉ પણ ભાજપના કેટલાક નેતાઓને ધોળા દિવસે મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. 


ગુનાખોરીનું વધતું પ્રમાણ ચિંતાનો વિષય


કોઈ પણ વ્યક્તિ માટે સૌથી મહત્વની બાબત હોય તો તે છે તેની અને તેના પરિવારની સલામતી. પરંતુ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં વધી રહેલા હત્યાના બનાવો આપણા અને પોલીસતંત્ર માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. કેમ કે વધતી ગુનાખોરીથી ન માત્ર તંત્ર પ્રભાવિત થતું પરંતુ લોકો,બાળકો,મહિલાઓ અને સમાજ પર પણ તેની અસર પડે છે. ગુનાખોરીના કારણે સમાજ,રાજ્યમાં ડરનો માહોલ ફેલાય છે અને આ લોકોમાં ડરનો માહોલ ન ફેલાય લોકો પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ કરે તેની જવાબદારી સરકાર અને તંત્રની છે. સાથે સાથે લોકોએ પણ સાવચેત રહેવાની જરૂર છે. જો કે અહીં તો ભાજપના નેતાઓ જ સુરક્ષિત નથી તો સામાન્ય માણસોનું તો શું કહેવું? છેલ્લા એક વર્ષમાં ભાજપના નેતાઓની હત્યાઓની ઘટના પરથી જાણી શકાશે છે કે રાજ્યમાં ગુનાખોરી કેટલી હદે વધી છે.


મધુબેન જોશીની હત્યા


ગુજરાતના અમરેલી જિલ્લા મહિલા ભાજપના પૂર્વ પ્રમુખ મધુબેન જોશીની પાડોશી દ્વારા હત્યા કરવામાં આવી હતી. ભાજપના નેતા મધુબેન જોષી ઉપરાંત તેમના પતિ અને પુત્ર પર પણ પડોશીઓએ જીવલેણ હુમલો કર્યો હતો. મધુબેનને ગંભીર ઇજાઓ થતાં અમરેલી સિવિલમાં ખસેડાયા હતા. મધુબેન જોષીના પુત્રને પણ ઈજા થઈ હતી. ફટાકડા ફોડવા અને વાહન ટકરાવવાની જેવી નજીવી બાબતે મધુબેન આરોપીને ઠપકો આપવા ઘરે ગયા હતા. આ દરમિયાન આરોપીએ મધુબેન પર તીક્ષણ હથિયારો વડે હુમલો કર્યો હતો. જોકે એમનો પુત્ર રવિ અને પતિ મધુબેનને છોડાવવા વચ્ચે પડતા એમને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતા.આ ઘટના બાદ પોલીસનો કાફલો ખડકાયો હતો. જો કે ભાજપના નેતાની હત્યાના પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.


વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલ પર ફાયરિંગ 


મધુબેન જોશી પહેલા ગુજરાતમાં ભાજપના એક નેતાની ગોળી મારીને હત્યા કરવામા આવી હતી. વાપી તાલુકા ભાજપના ઉપ પ્રમુખ શૈલેષ પટેલ પર ફાયરિંગ કરાયું હતું. વહેલી સવારે બનેલી ફાયરિંગની ઘટનામાં શૈલેષ પટેલનું મોત નિપજ્યું હતું. શૈલેષ પટેલ પરિવાર સાથે દર્શન કરવા ગયા હતા ત્યારે બે બાઈક પર આવેલા શખ્સોએ ફાયરિંગ કર્યુ હતું. મૃતક શૈલેષ પટેલ પોતાના પરિવાર સાથે પોતાના ગામ કોચરવાની બાજુમાં જ આવેલા રાતા ગામ મંદિર દર્શન કરવા ગયા હતા. પરિવારજનો મંદિરમાં દર્શન કરી રહ્યા હતા અને શૈલેષ પટેલ પોતાની ગાડીમાં બેઠા હતા. એ વખતે જ બે બાઈક પર આવેલા અજાણ્યા શખ્સોએ શૈલેષ પટેલ પર ધડાધડ ફાયરિંગ કર્યું હતું. અને ત્યારબાદ ફરાર થઈ ગયા હતા. ઇજાગ્ર સાલતમાં શૈલેષ પટેલને વાપીની હરિયા હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. જોકે તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવને લઈને સમગ્ર પંથકમાં માહોલ ગરમાયો હતો. બાદમાં પોલીસે ત્રણ શાર્પ શૂટરોની ધરપકડ કરી ત્યારે જાણવા મળ્યું કે આ હત્યારાઓએ હત્યા માટે 19 લાખની સોપારી લીધી હતી.


વિરમગામમાં ભાજપનાં મહિલા કોર્પોરેટરના પતિનું ખૂન


વિરમગામમાં ભાજપનાં મહિલા કોર્પોરેટર સોનલબેનના પતિ હર્ષદ ગામોતની ચૂંટણી અદાવતમાં હત્યા કરવામાં આવી હતી. આ ચકચારી હત્યા કેસમાં વિરમગામના ભાજપના અગ્રણી ભરત કાઠી સહિત 7 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. 2021માં વિરમગામ નગર પાલિકાની ચૂંટણીમાં મૃતક અને તેમના પત્ની અપક્ષ ચૂંટણી લડતા બંને વચ્ચે વેર બંધાયું હતું. મૃતક હર્ષદ ગામોત અને આરોપી ભરત કાઠી વચ્ચે 15 વર્ષ પહેલા વ્યાપારિક સંબંધો હતા. જો કે નગરપાલિકાની અપક્ષ ચૂંટણી લડ્યા બાદ બંને પરિવારો વચ્ચે વેર બંધાયું હતું. વિરમગામ વોર્ડ-2 ભાજપના મહિલા કોર્પોરેટર સોનલ ગામોતના પતિ હર્ષદ ગામોતને છરીના ઘા ઝીંકી કેટલાક શખ્સો ફરાર થઇ ગયા હતા. હર્ષદ ગામોતને છાતી અને પેટના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા વાગતા મોત થયું હતું. હર્ષદ ગામોતની ધોળા દિવસે હત્યા થતાં સમગ્ર પંથકમાં  ખળભળાટ મચી ગયો હતો.



પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પુત્રી સીરત કૌરે તેના પિતા પર સનસનાટીભર્યા આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું છે કે મારા પિતા દારૂ પીને ગુરુદ્વારા જાય છે.

સાબરકાંઠાના હિંમતનગર નજીકના વક્તાપુરમાં હત્યાની આ હિચકારી ઘટના બની છે, અહીં બે દીકરાઓએ પોતાના જ પિતાની ધારદાર હથિયાર મારીને હત્યા કરી દીધી છે. હાલમાં હિંમતનગર ગ્રામ્ય પોલીસે આ અંગે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર , શાહરૂખ ખાન અને અજય દેવગનની મુશ્કેલી વધી છે, એક ગુટખા કંપનીને પ્રમોટ કરવા બદલ કેન્દ્ર સરકારે આ ત્રણેય અભિનેતાને નોટિસ ફટકારી છે.

સંતરામપુર પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતા ડુંગરપુરથી દાહોદ જતી એસ ટી બસમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ.83,280ના મુદ્દામાલ સાથે 8 લોકોની ધરપકડ કરી છે.