લોકસભા ચૂંટણી 1971: જ્યારે 'ઇન્દિરા હટાઓ' પર ભારે પડ્યો 'ગરીબી હટાઓ'નો નારો, રચાયો ઇતિહાસ


  • Published By :
  • Published Date : 2023-10-03 19:08:31

1971 માત્ર પાંચમી લોકસભા ચૂંટણી માટે જ નહીં પરંતુ ભારત-પાકિસ્તાન યુદ્ધ માટે પણ જાણીતી છે. ઈન્દિરા ગાંધી માટે આ વર્ષ ઘણું મહત્વનું હતું. આ સમયે કોંગ્રેસ બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના તમામ જૂના મિત્રો તેમની પુત્રી ઈન્દિરાની વિરુદ્ધ હતા. ઈન્દિરા કોંગ્રેસની અંદરથી જ પડકારોનો સામનો કરી રહી હતી, મોરારજી દેસાઈ અને કામરાજ ફરી મેદાનમાં હતા. જ્યારે ઈન્દિરા 1967ની સામાન્ય ચૂંટણીઓમાં સિન્ડિકેટનો સફાયો કરીને સત્તા પર આવી, ત્યારે તેમણે ફરી એકવાર કોંગ્રેસ (ઓ)ના રૂપમાં તેમના જૂના દુશ્મનનો સામનો કર્યો હતો. ચૂંટણી મેદાનમાં એક તરફ ઈન્દિરાની નવી કોંગ્રેસ હતી અને બીજી બાજુ કોંગ્રેસના જૂના વરિષ્ઠ નેતાઓની કોંગ્રેસ (ઓ) હતી. હકીકતમાં 12 નવેમ્બર 1969ના રોજ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને કોંગ્રેસમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. તેમના પર પાર્ટી શિસ્તના ઉલ્લંઘનનો આરોપ હતો. આ પગલાથી ઈન્દિરા ગાંધી ચોંકી ગયા અને કોંગ્રેસ (R) નામની નવી પાર્ટીની રચના કરી. સિન્ડિકેટે કોંગ્રેસ (ઓ)ની આગેવાની લીધી હતી.


ચૂંટણીની તૈયારીઓ


આ લોકસભા ચૂંટણી 1 માર્ચથી 10 માર્ચ 1971 સુધી ચાલી હતી. લગભગ સાડા સત્તાવીસ કરોડ મતદારો માટે લગભગ સાડા ત્રણ લાખ મતદાન મથકો બનાવવામાં આવ્યા હતા. રામચંદ્ર ગુહા 'ઈન્ડિયા આફ્ટર ગાંધી'માં લખે છે કે કોઈ પણ મતદારને મતદાન મથક સુધી પહોંચવા માટે 2 કિલોમીટરથી વધુ મુસાફરી કરવી પડી નહોતી. લગભગ બે લાખ કેન્દ્રીય અને સરકારી કર્મચારીઓ ચૂંટણી ફરજ માટે તૈનાત હતા. બૂથ કેપ્ચરિંગના 66 કેસ અને ચૂંટણી હિંસાના 375 કેસ નોંધાયા છે. બંને કેસમાં બિહાર સૌથી આગળ હતું.


અત્યાર સુધીની સૌથી ટૂંકી ચૂંટણી 


1971ની સામાન્ય ચૂંટણી સૌથી ઓછા દિવસોમાં યોજાઈ હતી. સ્વતંત્ર ભારતમાં આ પ્રથમ ચૂંટણી હતી, જે માત્ર બે અઠવાડિયામાં પૂર્ણ થઈ હતી. આ ચૂંટણી અન્ય સંદર્ભમાં ઐતિહાસિક હતી કે તે બે રાજકીય પક્ષોની છેલ્લી ચૂંટણી હતી - સ્વતંત્ર (દેશના પ્રથમ અને છેલ્લી ભારતીય ગવર્નર જનરલ સી. રાજગોપાલાચારી દ્વારા સ્થાપિત) અને જનસંઘ (વર્તમાન ભાજપનો પિતૃ પક્ષ).


વિપક્ષનું મહાગઠબંધન


આ ચૂંટણીમાં ઈન્દિરાનો સામનો કરવા માટે અગ્રણી વિપક્ષો એક થઈ ગયા હતા, જેમાં કોંગ્રેસ (ઓ), ભારતીય જનસંઘ, સ્વતંત્ર પાર્ટી, સંયુક્ત સોશિયાલિસ્ટ પાર્ટી અને કોંગ્રેસથી અલગ થઈ ગયેલા સ્થાનિક પક્ષોનો સમાવેશ થતો હતો. સરકારે રાજાઓનું પ્રિવી પર્સ બંધ કર્યું હોવાથી તો ખૂબ જ  દુઃખી હતા, રાજાઓ અને મહારાજાઓ પણ આ વખતે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. તેમાંથી મોટાભાગના રાજગોપાલાચારીની સ્વતંત્ર પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા હતા. તેમણે 'ઇન્દિરા હટાવો'નો  નારો ઉછાળ્યો હતો.


ચૂંટણી પરિણામો અને કોંગ્રેસની લહેર 


કુલ 518 લોકસભા બેઠકોમાંથી 78 બેઠકો અનુસૂચિત જાતિ અને 38 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત હતી. રાજકારણ થકી 'સમાજસેવા'નો જુસ્સો દરેક ચૂંટણીમાં વધતો જતો હતો. જ્યાં પ્રથમ સામાન્ય ચૂંટણીમાં માત્ર 1874 ઉમેદવારો હતા, આ વખતે 2801 ઉમેદવારો મેદાનમાં હતા. એટલે કે પ્રતિ સીટ પર 5.40% ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા. જેમાંથી ઈન્દિરાની કોંગ્રેસ (આર) તરફથી 441, કોંગ્રેસ (ઓ)ના 238 અને ભારતીય જનસંઘના 160 ઉમેદવારો હતા. અન્ય પક્ષોએ 100થી ઓછા ઉમેદવારો ઉભા રાખ્યા હતા. આ દર્શાવે છે કે કોઈપણ વિપક્ષી પક્ષ પાસે એટલો આધાર ન હતો કે તે કોંગ્રેસ (R) સાથે પોતાના દમ પર ટક્કર આપી શકે.


કુલ 55.27% મતદાન થયું હતું, મહિલા મતદાન ખૂબ જ ઓછું થયું હતું, કુલ 49.11%. કોંગ્રેસ (R) એ 352 બેઠકો અને 43.7% વોટ શેર જીતીને જંગી જીત હાંસલ કરી હતી. કોંગ્રેસ (ઓ)ને માત્ર 16, જનસંઘને 22, સીપીઆઈને 23 અને સીપીએમને 25 બેઠકો મળી છે. જેઓ જીત્યા તેમાં 33.2% ખેડૂતો અને 20.5% વકીલો હતા.


મધ્યસત્ર ચૂંટણી યોજીને ઈન્દિરા ત્રીજી વખત વડાપ્રધાન બન્યા


ઈન્દિરા ગાંધી તેમના 'ગરીબી હટાઓ' ના નારાને કારણે ફરી સત્તામાં આવ્યા. તેમના નેતૃત્વમાં કોંગ્રેસે લોકસભાની518માંથી 352 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસ (ઓ)ને માત્ર 16 બેઠકો મળી હતી. ભારતીય જનસંઘે ચૂંટણીમાં 22 બેઠકો જીતી હતી. સીપીઆઈએ ચૂંટણીમાં 23 બેઠકો જીતી હતી. જ્યારે CPIMને 25 બેઠકો મળી હતી. પ્રજા સમાજવાદી પાર્ટીએ 2 બેઠકો જીતી હતી જ્યારે સંયુક્ત સમાજવાદી પાર્ટીએ 3 બેઠકો જીતી હતી. સ્વતંત્ર પાર્ટીને માત્ર 8 બેઠક મળી હતી. આ ચૂંટણી 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં યોજાઈ હતી. 518 મતવિસ્તારોમાં ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસે ગત લોકસભા ચૂંટણી કરતાં વધુ બેઠકો જીતી હતી. 1967ની ચોથી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 283 બેઠકો મળી હતી. જ્યારે 1967ની લોકસભાની ચૂંટણી ભારતીય રાજકારણમાં 'ઈન્દિરા યુગ'ની સાક્ષી બની હતી.


ઈન્દિરાના રાજકારણ પર પુસ્તક લખનારા જાણીતા પત્રકાર સાગરિકા ઘોષ તેમના પુસ્તક 'ઇન્દિરા - ભારતના સૌથી શક્તિશાળી વડા પ્રધાન' માં લખે છે કે તેમના મુખ્ય સચિવ પીએન હક્સરની સલાહ પર, ઇન્દિરા ગાંધીએ 1971 માં મધ્યસત્ર ચૂંટણીઓ કરાવી હતી. બેંકોનું રાષ્ટ્રીયકરણ, રાજાઓને પ્રિવી પર્સ પર હુમલો અને કોંગ્રેસ વિભાજનની પૃષ્ઠભૂમિમાં લોકપ્રિય સૂત્ર 'ગરીબી હટાઓ' સાથે તે ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા અને જીત્યા હતા. ઈન્દિરા ગાંધીએ 18 માર્ચ 1971ના રોજ ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. ડિસેમ્બર 1971 માં નિર્ણાયક યુદ્ધ પછી, ભારતીય સેનાએ પૂર્વ પાકિસ્તાનને 'આઝાદ' કર્યું હતું અને બાંગ્લાદેશનો જન્મ થયો હતો. સાગરિકા ઘોષ લખે છે કે, બાંગ્લાદેશ યુદ્ધ પછી ઈન્દિરા ગાંધીની લોકપ્રિયતામાં જબ્બર ઉછાળો આવ્યો હતો.


આ હતા ગુંગી ગુડિયાના પાંચ પાંડવ


નહેરુ પછી કોંગ્રેસમાં જૂના રાજકારણીઓનું જૂથ ઊભું થયું હતું, જેને સિન્ડિકેટ કહેવામાં આવતું હતું અને ઇન્દિરા તેમના હાથની કઠપૂતળી હતા. સમાજવાદી નેતા રામ મનોહર લોહિયા તેમને 'ગુંગી ગુડિયા' કહેતા હતા. અગાઉના લેખમાં જણાવ્યા મુજબ શાસ્ત્રીના કાર્યકાળ દરમિયાન વડાપ્રધાન કાર્યાલયનું મહત્વ વધી ગયું હતું. ઇન્દિરાએ તેને સિન્ડિકેટ સામે પોતાનું સૌથી મોટું હથિયાર બનાવવા માટે તેને સૌથી શક્તિશાળી પાવર સેન્ટરમાં રૂપાંતરિત કર્યું હતું. ત્યારે વડાપ્રધાન કાર્યાલયમાં પાંચ કાશ્મીરી અમલદારોનું વર્ચસ્વ હતું. તેમને ઈન્દિરાના ‘પાંચ પાંડવો’ કહેવામાં આવતા હતા. જેમાં વિદેશ સેવા અધિકારી ત્રિલોક નાથ કૌલ, રાજકારણી અને ડિપ્લોમેટ દુર્ગા પ્રસાદ ધર, અર્થશાસ્ત્રી પૃથ્વી નાથ ધર, ભારતીય પોલીસ સેવા અધિકારી રામેશ્વર નાથ કાઉ અને ભારતીય વિદેશ સેવા પ્રેમેશ્વર નારાયણ હક્સરનો સમાવેશ થતો હતો. સોવિયેત વિચારધારાથી પ્રભાવિત હક્સર તેમની સૌથી નજીક હતા એટલે ઈન્દિરા પર  તેમની આર્થિક વિચારધારાની અસર પડે એ સ્વાભાવિક હતું.



શા માટે આ ચૂંટણી ખાસ હતી?


આ પહેલી ચૂંટણી હતી જ્યારે કોંગ્રેસ પાર્ટી આઝાદી પછી પહેલીવાર બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. સિન્ડિકેટ સાથે ઈન્દિરાનો સંઘર્ષ પહેલેથી જ ચાલી રહ્યો હતો. સિન્ડિકેટે ઈન્દિરાને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા. જૂના વરિષ્ઠ નેતાઓની કોંગ્રેસ અને ઈન્દિરાની કોંગ્રેસ ચૂંટણીમાં આમને-સામને હતી. કોંગ્રેસ (ઓ)માં મોટાભાગના લોકો એવા હતા જેઓ એક સમયે વડા પ્રધાન જવાહરલાલ નેહરુની નજીક હતા અને જેમના માટે ઈન્દિરા દીકરી સમાન હતા. પરંતુ ઈન્દિરા ગાંધીએ જ સિન્ડિકેટને અગાઉની ચૂંટણીઓમાં હારનો સામનો કરવા મજબૂર કરી હતી. ઈન્દિરા ગાંધીની આગેવાની હેઠળની પાર્ટીનું ચૂંટણી પ્રતીક ગાયનું દૂધ પીતું વાછરડું હતું. આ પહેલીવાર હતું જ્યારે કોંગ્રેસ ગાય-વાછરડાના ચૂંટણી ચિન્હ પર લોકસભાની ચૂંટણી લડી રહી હતી.


1971થી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી વચ્ચેનો તાલમેલ તૂટ્યો


1967 સુધી દેશમાં સામાન્ય ચૂંટણીઓ અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાતી હતી. કાયદા અનુસાર આગામી ચૂંટણી 1972માં  યોજાવી જોઈતી હતી. પરંતુ, કોંગ્રેસની અંદરના વિવાદને કારણે અને તેમની અસ્થિર ખુરશીને કારણે, ઈન્દિરા ગાંધીએ ચતુરાઈપૂર્વક 1971માં જ સામાન્ય ચૂંટણીઓ યોજવાનું આયોજન કર્યું હતું. આ તે સમય હતો જ્યારે સામાન્ય ચૂંટણીઓ અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચેનો તાલમેલ તૂટી ગયો હતો. ત્યારથી લઈને આજદિન સુધી અલગ-અલગ ચૂંટણીઓ થતી રહી છે. આ ચૂંટણી બાદ આર્થિક અને માનવ સંસાધનોનો બિનજરૂરી ખર્ચ વધવા લાગ્યો છે.



સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'