ભગવાન જગન્નાથજી 72 વર્ષ બાદ નવા રથમાં બિરાજશે, આજે અમદાવાદના માણેકચોકમાં નંદીઘોષ રથનું યોજાયું ટ્રાયલ


  • Published By :
  • Published Date : 2023-05-22 14:31:17

અમદાવાદમાં અષાઢી બીજે નીકળનારી રથયાત્રા પહેલા આજે રથયાત્રા માટેના ભગવાન જગન્નાથના રથ નંદીઘોષનું રિહર્સલ કરાયુ હતું. આ વખતની રથયાત્રાની સૌથી નોંધવા જેવી બાબત એ છે કે  ભગવાન જગન્નાથ 72 વર્ષ બાદ નવા રથમાં બિરાજમાન થઈને ભક્તોને દર્શન આપશે. ભગવાન જગન્નાથનો નવો રથ નવા રંગરૂપમાં જોવા મળશે. આ વખતે ભગવાન જગન્નાથનો રથ જગન્નાથ પુરીના રથની પેટર્ન પર તૈયાર કરવામાં આવ્યો છે. રથના રંગ અને ડિઝાઈનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે જૂના રથ પણ દર્શન માટે રાખવામાં આવશે.


નવા રથની શું છે વિશેષતા?


અત્રે ઉલ્લેખનિય છે કે જગન્નાથ મંદિરની પરંપરા પ્રમાણે જ નવા રથની સાઈઝ રાખવામાં આવી છે. રથ નિર્માણ માટે  સાગ અને સીસમના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ લાકડું વધઈથી મંગાવવામાં આવ્યું છે. ભગવાનના નવા રથ  80 વર્ષ સુધી ચાલે તેવા બનાવવામાં આવ્યા છે. રથ બનાવવામાં લગભગ ચાર મહિના જેટલો સમય લાગ્યો છે. 5 કારીગર દ્વારા રથનું નિર્માણ કરવામાં આવ્યું છે.


આજે યોજાયું રથનું ટ્રાયલ 


આજે અમદાવાદના માણેકચોક વિસ્તારમાં ભગવાન જગન્નાથના નંદીઘોષ રથનું ટ્રાયલ યોજાયું હતું. રથને ફેરવીને રથના સ્ટ્રક્ચરને લગતા વિવિધ પાસાઓનું અવલોકન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને રથયાત્રા જ્યારે માણેકચોકમાં ચાંલ્લાની ઓળ ખાતે સાંકડી ગલીઓમાંથી પસાર થાય છે ત્યારે તકલીફ પડે છે. નવા રથમાં પણ માણેકચોકમાં આવી કોઈ તકલીફ ન પડે તેના માટે થઈ અને આજે રથ જ્યાં રાખવામાં આવ્યા છે, ત્યાં જ એવી રીતે સાંકડી જગ્યા છે, જેથી ત્યાંથી પસાર થઈ શકે કે કેમ તેનું આજે ટ્રાયલ કરવામાં આવ્યું હતું. આજે ટ્રાયલ દરમિયાન રથને જ્યારે ફૂલ ટર્ન મારવાનો હોય ત્યારે હજી તેમાં થોડી તકલીફ જેવું બની શકે છે, જેથી રથમાં સુધારા કરવામાં આવી શકે છે. આગામી દિવસોમાં સુભદ્રાજી અને બલભદ્રજીના રથનું પણ ટ્રાયલ કરવામાં આવશે.


વર્ષ 1950માં બન્યા હતા જુના રથ


અમદાવાદમાં ભગવાન જગન્નનાથજીની રથયાત્રા માટે  ભગવાનના રથ 72 વર્ષ પછી નવા બનાવવામાં આવ્યા છે. છેલ્લે વર્ષ 1950માં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બલરામજીના રથ નવા બનાવવામાં આવ્યા હતા. છેલ્લાં 3 મહિનાથી ભગવાનના નવા રથ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જગન્નાથપુરીની રથયાત્રા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. અમદાવાદની રથયાત્રામાં નવા રથ જગન્નાથપુરીની રથયાત્રાના રથ જેવા જ બનાવવામાં આવ્યાં છે.


20મી જૂને નિકળશે રથયાત્રા


અમદાવાદના જગન્નાથ મંદિરેથી આગામી 20મી જૂને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી  અને ભાઈ બલરામજી નવા રથમાં બેસી નગરચર્યા કરવા નીકળશે. આ વખતની ભગવાન જગન્નનાથજીની 146મી રથયાત્રા ખાસ છે, કારણ કે જગન્નાથજીના રથ સહીત ત્રણેય રથ વર્ષો પછી નવા બનાવવામાં આવ્યાં છે. 




પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ છેડાયેલો વિવાદ શાંત થવાનું નામ જ નથી લઈ રહ્યું. આજે બેઠક થવાની છે તેની પહેલા કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબાનો એક ઓડિયો ક્લીપ સામે આવ્યો છે.

દીકરી અને પિતાના સંબંધનું વર્ણન થાય તેમ નથી.. દીકરીની ઈચ્છા પૂરી કરવા માટે પિતા ગમે તે હદ સુધી જઈ શકે છે.. ત્યારે સાહિત્યના સમીપમાં દીકરીને સમર્પિત રચના પ્રસ્તુત કરવી છે.

ગુજરાતની 26 બેઠકો માટે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે જ્યારે કોંગ્રેસ દ્વારા 7 બેઠકો માટે ઉમેદવાર નથી જાહેર કરવામાં આવ્યા. આવતી કાલે કોંગ્રેસ ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે તેવી માહિતી સામે આવી છે.

ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ આપણી અનેક વખત એવા દ્રશ્યો સામે આવતા હોય છે જેમાં આ કાયદાના લીરેલીરો ઉડતા હોય છે. ત્યારે કચ્છના ગાંધીધામથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં દેશી દારૂનો અડ્ડો ધમધમી રહ્યો છે.