અમદાવાદના સરખેજમાં પત્નીના ત્રાસથી પતિએ જીવન ટુંકાવ્યું, ફક્ત 3 મહિનાના લગ્નજીવનમાં યુવકની આપવીતિ જોઇને આંખોમાં પાણી આવી જશે!


  • Published By :
  • Published Date : 2023-05-29 21:08:43

લગ્નજીવનમાં શોષણ અને છેતરપિંડીનો ભોગ બનીને આત્મહત્યા કરતી પરિણીતાઓના ઘણા કિસ્સા તમે સાંભળ્યા હશે..  પરંતુ આજે ક્રાઇમસ્ટોરીમાં મારે વાત કરવી છે એક પરિણીત પુરુષ પર તેની પત્નીએ કરેલા અત્યાચારોની..અને આજે તેના વિશે વાત કરવી એટલા માટે જરૂરી છે કે કેમકે આ મુદ્દા પર કોઇ વાત નથી કરતું.. કોઇ પુરુષ જ્યારે રડે ત્યારે તેને નબળો, બાયલો ગણીને તેને તમામ એ પ્રકારના વિશેષણોથી નવાજવામાં આવે છે જે અપમાનજનક હોય..સ્ત્રી જ્યારે પોતાનું દુખ અથવા આપવીતિ જણાવે ત્યારે સહાનુભૂતિના સૂરો ઉઠે છે.. અને જ્યારે પુરુષો પોતાનું દુખ વ્યક્ત કરે ત્યારે તેની અવહેલના થાય છે..અત્યારના સમયમાં વાત જ્યારે સ્ત્રી અને પુરુષ વચ્ચેની બરાબરીની થતી હોય ત્યારે સ્ત્રીને લગ્ન પછી અપાતા ત્રાસની જેટલી વાત થતી હોય તેટલી જ વાતો લગ્ન પછી પુરુષોને ત્રાસ અપાય તો તેની પણ થવી જોઇએ.. ઘટના આજથી અંદાજે 2  મહિના પહેલાની છે..અને અમદાવાદની જ છે.. અમદાવાદના સરખેજ વિસ્તારના ફતેહવાડી વિસ્તારમાં ટોરેન્ટ પાવર સબ સ્ટેશન આવેલું છે.. તેના પહેલા માળેથી એક યુવક આપઘાત કરી લે છે. આપઘાત પહેલા આ યુવક તેની પત્ની અને તેના સાસરિયાઓ તેને કેટલી હદે માનસિક ત્રાસ આપતા હતા તે આખી હકીકત રડતા રડતા વીડિયોમાં કહી રહ્યો છે.. વીડિયો બનાવીને આ તેના ફેમીલી વોટ્સએપ ગૃપમાં મુકે છે.. જે જોઇને તેના માતાપિતા તેને બચાવવા દોડે છે.. પરંતુ તેઓ તેને રોકે એ પહેલાજ આ યુવક જીવન ટુંકાવી દે છે.. આ યુવક કે જેનું નામ અક્ષય છે તે હવે આ દુનિયામાં નથી પણ તેણે તેના લગ્નના ફક્ત 2 મહિનાની અંદર જે સહન કર્યું છે.. જે મૂકપીડા તેણે ભોગવી તેનો ચિતાર એટલે કે તેનું ડાઇંગ ડિક્લેરેશન તેની આપવીતિ તેના જ શબ્દોમાં અત્યારે હું અક્ષય બનીને તમને જણાવવા માગું છું.. 


મારી બરબાદીની શરૂઆત 2022થી થઇ.. શાહપુર વિસ્તારમાં રહેતી એક છોકરી પ્રિયંકા શિકારી મારા જીવનમાં આવી.. છોકરી જોવામાં એકદમ ભોળી, નાદાન નાના છોકરા જેવી. તેનું ફેમિલી બેકગ્રાઉન્ડ પણ સારું હતું. પણ પોતાનું ઘર ન હતું એટલે મામાએ રહેવા આપેલા ઘરમાં તેઓ રહેતા હતા.. મેં તેને ખૂબ સાચવી, ખૂબ પ્રેમ આપ્યો.. તેને લગ્ન પછી હનીમૂન પર લઇ ગયો,, તેની વાણી વર્તન એક્સેપ્ટ કર્યા.. તેની બધી વાતો માની..તેનું મન મારા ઘરમાં લાગતું ન હતું તેને દર બે-ત્રણ દિવસે હું તેના પિયર લઇ જતો..  મારા માતાપિતા તેને કોઇ કામ કરવા કહે કે કોઇ બાબતમાં જો રોકટોક કરે તો મારી પાસે આવીને રડતી, હું રોજ ઓફિસથી આવું એટલે મારે તેનું ઉતરેલું મોઢું જ જોવાનું, ગુમસુમ બેસી રહે તેને કંઇ પૂછું તો કહે કે તમારા મમ્મી પપ્પા મને બોલ  બોલ કરે છે.. લગ્નને થોડો સમય વિત્યો અને પ્રિયંકાએ કહ્યું કે તે ગર્ભવતી છે.. એટલે તેને પિયરમાં જવું છે.. હું તેને તેના પિયર મુકવા ગયો.. અને ત્યાં જઇને તે સાવ બદલાઇ ગઇ.. તેણે કહ્યું મારા મામાએ મારા લગ્નમાં અઢી લાખ રૂપિયા આપ્યા છે.. દેવું કર્યુ છે જે પૈસા તેમને મારે પાછા આપવા પડશે.. એટલે તમે તે પૈસા મને આપો જેથી હું મારા મામાનું દેવું ભરપાઇ કરી દઉં.. તેણે તેના પિયરમાં વાત કરી કે મારી મા તેને મહેણાટોણા મારે છે.. અને તે રિસામણે જતી રહી..હું તેને પાછી લેવા ગયો તો તેની માતાએ મને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું કે તમારે ઘરજમાઇ બનીને રહેવું હોય તો રહો.. અમારે તેને પાછી મોકલવી નથી.. હું ડર અને આઘાતનો માર્યો 3 અઠવાડિયા પ્રિયંકાના ઘરે રહ્યો..  મને એમ હતું કે હું તેને સમજાવીને મનાવીને મારા  ઘરે લઇ આવીશ..પણ વાત વધુ બગડી,  કે  તે પછી પ્રિયંકાના તમામ સગા મને ધાકધમકી આપવા લાગ્યા અને અપશબ્દો કહીને મારી  પાસે પૈસાની માગણી કરી.


હું સંબંધ બચાવવા માટે અને વાતનું વતેસર ન થાય એ માટે ત્યાંથી નીકળી ગયો. પણ પ્રિયંકા મારી સાથે ન આવી.. પ્રિયંકાના બેન બનેવી, તેના માસામાસી સુદ્ધાં મને દબાણ કરતા કે હું મારા માતાપિતાને છોડીને ઘરજમાઇ બની જઉ અથવા તો એક અલગ મકાન લઇ લઉં તો જ પ્રિયંકા મારી સાથે રહેશે. અને જો મેં એવું ન કર્યું તો મને મારા સંતાનનું મોં પણ જોવા નહિ દે.  હું લગભગ 5 વખત પ્રિયંકાને મનાવવાના પ્રયાસો કરી ચુક્યો છું પણ તે મારી સાથે ન જ આવી. મારા પિતાએ પોતે 5 લાખની લોન લઇને મને પરણાવ્યો હતો.. મારી આવક પર ઘરનું ગુજરાન ચાલે છે.. એમાં પાછી સંતાનની જવાબદારી છે.. હું કઇ રીતે પ્રિયંકાના મામાને પૈસા આપત? પ્રિયંકાના લગ્નમાં તેના બનેવીએ પણ પૈસાની મદદ  કરી હતી અને એ પૈસા પાછા આપવા માટે પણ તે મને ટોર્ચર કરતી હતી.. 3 મહિના થઇ ગયા લગ્નને તેમાં માંડ 20-25 દિવસ મારા ઘરે રહી હશે.. તેના પિયરમાં તેના જીજાજી વાંરવાર આવતા અને તેની સાથે તે ફિલ્મ જોવા જાય પણ મારી સાથે હું પૈસા આપું તો જ બહાર જશે એમ કહે.. જ્યારે અમારી સગાઇ થઇ હતી ત્યારે પણ તેના જીજાજી  સાથે ફરવા જતી પણ મે પોઝિટીવ લીધું કે મારે ખોટું ન વિચારવું જોઇએ..અને અત્યારે પણ એમ જ થઇ રહ્યું છે.. તેને પ્રેગનન્સીનું ચેકઅપ માટે ડોક્ટર પાસે લઇ જવાનું કહું તો નજર લાગી જશે એમ કહીને અમારા ઓળખીતા ડોક્ટર પાસે ન કરાવ્યું, અને તેના પિયર જઇને જ ચેકઅપ કરાવી લેશે એવો જવાબ આપ્યો.. હું  તેને મુકીને જ્યારે મારા ઘરે આવતો રહ્યો તે વાતનું મને સંભળાવે છે અને કહે છે કે તમે મને છોડીને તમારા માબાપ  પાસે જતા રહ્યા..મને હવે તમારા પર  ભરોસો નથી રહ્યો..મારા માબાપ પણ અમારી વચ્ચે સમાધાન કરાવવા પ્રિયંકાના માબાપને મળવાના  હતા પણ તેના જે મામા છે તે નિવૃત સરકારી વકીલ છે અને તેમણે મને ધમકી આપી કહ્યું છે કે મારા માબાપને ખોટા કેસમાં ફસાવી દેશે.. મને વધુ નુકસાન ન થાય એ માટે મારા પિતા પણ ત્યાં જતા નથી.. મારે મારા માબાપ  સાથે રહેવું હતું તેમની સેવા કરવી  હતી, ધ્યાન રાખવું હતું.. પરંતુ મારી પત્ની પ્રિયંકા મને કહે છે કે જો હું ઘરજમાઇ બનીને ન રહું તો મને મારા સંતાનથી દૂર  કરી નાખશે. હવે હું મારી જીંદગીથી કંટાળઈ ગયો છું.. હું તેની સાડી લઇને જ અહીં આપઘાત કરવા આવ્યો છું.. આપઘાત એટલા માટે કેમકે મેં  આવા લોકો માટે મારા માતાપિતા સાથે ઝઘડો કર્યો હતો..  પ્રિયંકા જ્યારે જ્યારે મારી મા સાથે ઝઘડતી ત્યારે મેં પ્રિયંકાની તરફેણ કરી અને મારી માને દુખી કરી, મારા પિતાનું માથું મેં આવા લોકો સામે ઝુકાવ્યું. મને જીવતા રહેવાનો કોઇ હક નથી., આઇ લવ યુ મમ્મી-પપ્પા, આઇ લવ યુ બહેનો. માફ કરજો મને.


અક્ષયની આપવિતી જે મેં તમને જણાવી એ ફક્ત એક અક્ષયની વાત નથી.. આપણી આસપાસ આવા ઘણા અક્ષય છે જે આવો ત્રાસ સહન કરીને જીવતેજીવ મરી રહ્યા છે.. અક્ષયના માતાપિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.. અને તેની આત્મહત્યાને પણ 2 મહિના જેટલો સમય વીતી ગયો તેમ છતા આ મામલે કોઇ કાર્યવાહી થઇ નથી.. પોલીસે fir તો નોંધી છે પરંતુ પ્રિયંકાનો પરિવાર ગાયબ છે..  તમામ લોકો જેના નામ અક્ષયે તેના વીડિયોમાં લીધા તે બધા ભૂગર્ભમાં ઉતરી ગયા છે..  પોલીસે બિલકુલ આ તપાસમાં કોઇ પ્રકારની ઢીલાશ વર્ત્યા મુજબ કાર્યવાહી કરવી જોઇએ, પણ સવાલો અહી એ છે કે જ્યારે કાયદાની વાત  આવે  ત્યારે આ પ્રકારના પુરુષોને શું ન્યાય મળે છે ? આપણી ન્યાયસંહિતામાં મહિલાઓનું સમર્થન કરતા જેટલા કાયદા છે, તેટલો જ એ કાયદાઓનો દુરુપયોગ  પણ વધ્યો છે.. દર વર્ષે મહિલા દિવસ આવે કે પછી સ્ત્રીઓને લગતો કોઇપણ દિવસ આવે ત્યારે ફેમીનીઝમના ઝંડા લઇને લોકો આવી જાય છે અને સ્ત્રી અત્યાચારોના રાગ આલાપવા લાગે છે.. પરંતુ જ્યારે એક પુરુષ પીડિત છે તેમની ફરિયાદો કોઇ સાંભળતું નથી.. જ્યારે એક પુરુષ પીડિત હોવાની કોઇને જાણ કરે તો તેને તો સહાનુભૂતિ પણ મળતી નથી તે બને છે તો ફક્ત મજાકનું સાધન, પીડિત વ્યક્તિની પીડા સાંભળવાને બદલે તેના પર લાગી જાય છે લેબલ.. અને પુરષો પર લેબલ  લગાડવાની અને જજમેન્ટલ થવાની જે વૃત્તિ છે તે જ તેને ન્યાયથી દૂર રાખે છે.. જો આપણે એક સુસંસ્કૃત વાતાવરણ સમાજમાં ઉભુ કરવુ હશે તો પહેલા સમાનતાનું વાતાવરણ ઉભું કરવું પડશે..  એક સમાન વિશ્વ કે જેમાં સ્ત્રી અને પુરુષ એ બંનેના દુખ અને બંનેની પીડાને મહત્વ મળે છે.. સ્ત્રી અને પુરુષ એ બંને પોતાને થઇ રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવી શકે.. અને સ્ત્રી અને પુરુષ એ બંનેને જ ન્યાય મળીશકે..



દેશની સર્વોચ્ચ ન્યાયાલે EVM-VVPAT ને મેચ કરવાની માગ કરતી અરજીઓ પર મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT)ની સાતે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM)માં પડેલા વોટોની 100 ટકા વેરિફિકેશનની માગણી કરતી પર અરજીને ફગાવી દીધી છે.!

રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે તો બીજી તરફ રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવ્યો છે જેને કારણે જગતના તાતની ચિંતા વધી છે.

ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.