Navratriના છેલ્લા નોરતે થાય છે માતા સિદ્ધિદાત્રીની આરાધના, તેમની આરાધના કરવાથી સાધકને સિદ્ધિઓની થાય છે પ્રાપ્તિ!


  • Published By :
  • Published Date : 2023-10-23 09:20:54

આજે નવરાત્રીનો છેલ્લો દિવસ છે એટલે કે નવરાત્રીનું છેલ્લું નોરતું. નવરાત્રીના નવમાં નોરતે માતા સિદ્ધિદાત્રીની આરાધના કરવામાં આવે છે, નવરાત્રીના આઠ નોરતા દરમિયાન માતાજીના અલગ અલગ સ્વરૂપોની પૂજા આપણે કરી. પ્રથમ નોરતે માતા શૈલપુત્રીની, બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની, ત્રીજા નોરતે ચંદ્રઘંટા માતાની, ચોથા નોરતે કુષ્માંડા માતાની, પાંચમા નોરતે સ્કંદમાતા, કાત્યાયની પૂજા છઠ્ઠા નોરતે, કાલરાત્રિની પૂજા સાતમા નોરતે જ્યારે મહાગૌરીની પૂજા આઠમા નોરતે શ્રદ્ધા સાથે ભક્તોએ કરી. ત્યારે આજે નવ દુર્ગાના અંતિમ સ્વરૂપ એવા માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. માતા સિદ્ધિદાત્રી સાધકને સિદ્ધિ અપાવનારી છે. 


કેવું છે માતા સિદ્ધિદાત્રીનું રૂપ?

માતા સિદ્ધિદાત્રીના સ્વરૂપની વાત કરીએ તો માતાજી કમળ પર બિરાજમાન છે. તેમની ચાર ભૂજાઓ છે. એક હાથમાં માતાજીએ ગદા ધારણ કરી છે. એક હાથમાં કમળ ધારણ કર્યું છે. ત્રીજા હાથમાં માતાજીએ શંખ જ્યારે ચોથા હાથમાં માતાજીએ ચક્ર ધારણ કર્યું છે. માતાજીના આ સ્વરૂપની પૂજા કરવાથી માતાજી ભક્તો પર અસીમ કૃપા કરે છે, ભક્તો પર કૃપા દ્રષ્ટિ રાખે છે. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે માતા લક્ષ્મીની જેમ સિદ્ધિદાત્રી માતા કમળ પર બિરાજમાન હોય છે. માતા સિદ્ધિદાત્રી તમામ સિદ્ધિઓ અપાવનારી છે. માન્યતા અનુસાર માતાજી પાસે આઠ સિદ્ધિઓ રહેલી છે. અણિમા, મહિમા, પ્રાપ્તિ, પ્રકામ્ય, ગરિમા, લઘિમા, ઈશિત્વ અને વશિત્વ નામની સિદ્ધિઓ માતાજી પાસે રહેલી છે. 


કયા મંત્રના જાપથી મળશે માતાજીની વિશેષ કૃપા?

નવરાત્રી દરમિયાન પાઠ પૂજા કરવાથી માતાજીના આશીર્વાદ જલ્દી પ્રાપ્ત થાય છે. માતાજી જલ્દી પ્રસન્ન થાય છે. નવરાત્રી દરમિયાન શક્ય હોય તો ચંડીપાઠના પાઠ કરવા જોઈએ અથવા તો નવાર્ણ મંત્રનો જાપ કરવો જોઈએ. નવ દુર્ગા માતાજીને સમર્પિત વિશેષ મંત્ર હોય છે. એ દિવસે એ મંત્રનું ઉચ્ચારણ કરવાથી માતા સાધક પર પ્રસન્ન થાય છે તેવું માનવામાં આવે છે. નવરાત્રી દરમિયાન કરવામાં આવતો પાઠ વિશેષ ફળની પ્રાપ્તિ કરાવે છે તેવું માનવામાં આવે છે. માતા સિદ્ધિદાત્રીની આરાધના કરવાનો મંત્ર -

सिद्ध गन्धर्व यक्षाद्यैरसुरैरमरैरपि|

सेव्यमाना सदा भूयात् सिद्धिदा सिद्धिदायिनी||


આ નૈવેદ્ય માતા સિદ્ધિદાત્રીને છે પ્રિય 

નવરાત્રી દરમિયાન દિવસ પ્રમાણે માતાજી સમક્ષ નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ. અલગ અલગ દિવસો પ્રમાણે માતાજીને ગોળ, શ્રીફળ, માલપુઓ, ખાંડ વગેરે પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. નવમા દિવસે માતાજીને ખીર અથવા તો હલવો અર્પણ કરવામાં આવે છે.  


નોંધ - અહીંયા આપવામાં આવેલી જાણકારી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.