મોરબી બ્રિજ દુર્ઘટના: ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલની વ્હારે આવ્યા કોંગ્રેસના આ ત્રણ પાટીદાર નેતા


  • Published By :
  • Published Date : 2023-10-23 15:09:14

ગુજરાતને હચમચાવી નાખનારી મોરબી બ્રિજ દુર્ઘટનાને કોણ ભૂલી શકે? આ ભયાનક કરૂણાંતિકામાં 135 જેટલા નિર્દોષ લોકોના મોત થયા હતા જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. આ બ્રિજના રિનોવેશનનો કોન્ટ્રાક્ટ ઓરેવા ગ્રૂપ પાસે હતો, તેથી સ્વાભાવિક રીતે જ આ ગ્રૂપના માલિક જયસુખ પટેલ સહિતના અન્ય દશ લોકો પર કાયદેસર કાર્યવાહી ચાલી રહી છે. હવે આ મામલો કોંગ્રેસના ત્રણ નેતાઓ લલિત કગથરા, લલિત વસોયા અને કિરીટ પટેલનો તેમની વ્હારે આવ્યા છે. આ ત્રણેય પૂર્વ ધારાસભ્યોએ પ્રેસ કોન્ફરન્સ કરીને જયસુખ પટેલને નિર્દોષ ગણાવ્યા હતા અને તેમની સામે ચાલી રહેલી SITની તપાસ પર પણ ગંભીર આરોપો લગાવ્યા હતા. જોવાની વાત તો એ છે કે કોંગ્રેસના આ નેતાઓએ તેમની પાર્ટીથી અલગ રહીને જયસુખ પટેલનું સમર્થન કર્યું છે. તેમણે આ મામલે મોરબી કલેક્ટરથી લઈને નગરપાલિકાના કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની પણ માગ કરી હતી.


ઉગ્ર આંદોલન કરવામાં આવશે- લલિત કગથરા


કોંગ્રેસના અગ્રણી નેતા લલિત કગથરાએ જયસુખ પટેલનું સમર્થન કરતા કહ્યું કે ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. SITએ મોરબી દુર્ધટના અંગે એકતરફી તપાસ કરી હોવાનો લલિત કગથરાએ આરોપ લગાવ્યો છે. તેઓએ જણાવ્યું છે કે, આ દુર્ઘટના માટે નગર પાલિકા, કલેક્ટર, ચીફ ઓફિસર પણ જવાબદાર છે. 1995થી 2007 વચ્ચે 2 વખત કંપનીને સંપૂર્ણ સમારકામનું કામ સોંપાયું હતું. 2022ની ચૂંટણી પહેલા માનવસર્જિત ભયંકર દુર્ઘટના બની ગઈ હતી. દુર્ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા, દુર્ઘટનાને લઈ હું દિલથી દિલાસો આપું છું. જ્યારે દુર્ઘટના બની ત્યારે ચૂંટણીનો અંતિમ સમય હતો. આ દુર્ઘટના પર તંત્રના અધિકારીઓને બદલે કંપનીના કર્મીઓને જવાબદાર ઠેરવ્યા આવી રહ્યા છે. કંપનીના કર્મચારીઓને પકડી તંત્ર જવાબદારીમાંથી છટકી રહ્યું છે. કગથરાએ વધુમાં કહ્યું કે, કલેક્ટરની સૂચના મુજબ એગ્રીમેન્ટના મુદ્દા નક્કી થયા હતા. મોરબી કલેક્ટર અને નગરપાલિકા પણ આ ગુના માટે જવાબદાર ગણાય. એગ્રીમેન્ટ ડ્રાફ્ટ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા તૈયાર કરાયો હતો, જેમાં બધા સહેમત હતાં. સીટના રિપોર્ટ પ્રમાણે ફક્ત ઓરેવા બધી બાબતો માટે જવાબદાર કેમ? એગ્રીમેન્ટ મુજબ કલેક્ટર અને મોરબી નગરપાલિકા જવાબદાર કેમ નહીં?  ચૂંટણીનું વર્ષ હોવાથી સરકારે કંપનીના માલિકની ધરપકડ કરી છે. આમાં ઓરેવાની જેટલી જવાબદારી છે એટલી જ કલેક્ટરની જવાબદારી છે, માત્ર ઓરેવા ગ્રુપને જ શા માટે નિશાન બનાવવામાં આવી રહ્યું છે? કોંગ્રેસના નેતાઓેએ જયસુખ પટેલને નિર્દોષ ગણાવીને તંત્રના તત્કાલીન જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની માગણી કરી છે અને જો તેમની માગ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં પાટીદાર સંસ્થાઓના વડાઓ સાથે બેઠક કરીને ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. 


પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓને હેરાન કરવામાં આવે છે: કિરીટ પટેલ


કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આક્ષેપ કર્યો કે પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓને ઈરાદાપૂર્વક હેરાન કરવામાં આવી રહ્યા છે. પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓને જેલમાં ધકેલવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. પાટીદાર સમાજના કોન્ટ્રાક્ટરો, બિલ્ડરો સામે એક તરફી તપાસ થાય છે. કોર્ટમાં છેલ્લા દિવસે ચાર્જશીટ કરી હેરાનગતી કરવાની વૃત્તિ કોના ઈશારે ચાલી રહી છે. ખોટી રીતે જેલમાં ધકેલી દેવાય છે. અધિકારીઓને જવાબદારીમાંથી દૂર કરવામાં આવે છે, ઈરાદાપૂર્વક અવાજ દબાવાય છે. પોલીસે કલેક્ટરની કેમ પૂછપરછ કરી નથી, કલેક્ટરને એક પણ પ્રશ્ન પૂછ્યો નથી. સરકારની નિષ્ફળતા ઢાંકવાનો પ્રયત્ન કરી રહી છે.


ઓરેવા ગ્રૂપને હોળીનું નારિયેળ બનાવાયું: લલિત વસોયા


ધોરાજી બેઠકના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ ઓરેવા ગ્રુપના જયસુખ પટેલનું ખુલ્લું સમર્થન કરતા કહ્યું કે, સરકારે જયસુખ પટેલ સામે લગાવેલા ચાર્જ કલેક્ટર ઉપર પણ લાગવા જોઈએ.  લલિત વસોયાએ વધુમાં કહ્યું કે, ભાજપે પોતે બચવા માટે અન્યને બલીનો બકરો બનાવવામાં આવ્યો. જયસુખ ભાઈ જેટલા જ જવાબદાર કલેકટર, ચીફ ઓફિસર અને અન્ય અધિકારીઓ પણ બને છે. કલેકટર, ચીફ ઓફિસર નિર્દોષ હોય તો જયસુખ પટેલ પણ નિર્દોષ છે. લલિત વસોયાએ કહ્યું કે, મોરબી દુર્ઘટના સમયે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી નજીકમાં હતી. તેથી સરકારે પોતાની બેદરકારી પર ઢાંક પિછોડો કરવા માટે ઓરેવા ગ્રૂપને હોળીનું નારિયેળ બનાવ્યું છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.