મોરબીમાં બનેલી હોનારતને લઈ સમગ્ર ગુજરાત શોકમાં ડૂબી ગયું હતું, રવિવારે બનેલી દુર્ઘટના બાદ તપાસ કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને પગલે મોટી કાર્યવાહી કરાતા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરાયા
મોરબીમાં બનેલી દુર્ઘટનામાં અનેક લોકો મોતને ભેટ્યા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. કાર્યવાહીના નામે નાના-નાના કર્મચારીઓની ધરપકડ કરી દેવામાં આવી હતી. લોકોનું માનવું હતું કે મોટા લોકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે. પરંતુ તંત્રએ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરી દીધા છે. પોલીસે ચીફ ઓફિસરને 2 નવેમ્બરના રોજ પૂછપરછ માટે બોલાવ્યા હતા. પોલીસે સંદિપ ઝાલાની ચાર કલાક પૂછપરછ કરી હતી. શહેરી વિકાસ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

તંત્રની મંજૂરી વગર બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકાયો - સંદીપ ઝાલા
બ્રિજ તૂટવાની ઘટના બનતા જ્યારે ચીફ ઓફિસરને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે હાથ ઉપર કરતા જણાવ્યું કે ઓરેવા કંપનીએ તંત્રને જાણ કર્યા વગર જ બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકી દીધો હતો. મંજૂરી વગર લોકોને બ્રિજ પર જવાની મંજૂરી તો આપી પરંતુ કેપેસિટી કરતા વધારે લોકોને બ્રિજ પર મોકલાતા આ દુર્ઘટના સર્જાઈ છે.    
કારકિર્દીનો સમય એક જ જિલ્લામાં વ્યતીત કર્યો
ચીફ ઓફિસરના ભૂતકાળની જો વાત કરીએ તો આ એવા અધિકારી છે જેમણે પોતાની કારકિર્દી એક જ જિલ્લામાં કરી હોય. કચ્છ જિલ્લાની કોઈ પણ નગરપાલિકા બાકી નથી જ્યાં તેમની પોસ્ટિગ નથી થઈ. કારણ કે તેમને વિરેન્દ્રસિંહ જાડેજાના ખાસ માનવામાં આવે છે. લોકો તેમને એકદમ ભ્રષ્ટ નેતા માને છે. મોરબી દુર્ઘટના બાદ તેમણે આપેલા નિવેદનને લઈ દરેક લોકો સ્તબ્ધ થઈ ગયા છે. 

ઓરેવા કંપનીના માલિક વિરૂદ્ધ કાર્યવાહી ક્યારે થશે?
મોરબીમાં બનેલી દુર્ઘટનાને પગલે ચીફ ઓફિસર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ વિરૂદ્ધ ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે સવાલ લોકો પૂછી રહ્યા છે. કારણે કંપનીએ બ્રિજના સમારકામ દરમિયાન ઓરેવા કંપનીએ કોઈ પણ એન્જિનિયરની સલાહ નથી લીધી. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ઓરેવાના માલિકને રાજનેતાઓ સાથે સારા સંબંધ હોવાને કારણે તેમના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે. સૂત્રોની માહિતી પ્રમાણે ચીફ ઓફિસરની ધરપકડ પણ કરવામાં આવી શકે છે. 
                            
                            





.jpg)








