ગુજરાતમાં દારૂબંધી છે તેવી વાતો જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે આપણે હસી પડીએ છીએ. દારૂબંધીના ધજાગરા ઉડતા હોય તેવા અનેક કિસ્સાઓ એવા અનેક વીડિયો આપણી સામે આવતા હોય છે. અનેક વખત પોલીસ દ્વારા પણ દારૂનો જથ્થો પકડવામાં આવતો હોય છે. પોલીસ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી પર પણ અનેક વખત પ્રશ્નો ઉઠતા હોય છે. પોલીસ જ્યારે દારૂનો જથ્થો પકડે છે ત્યારે આપણામાંથી અનેક લોકો કહેતા હશે કે પોલીસની રહેમનજર હેઠળ જ આ દારૂની હેરફેર થતી હોય છે. પોલીસ હપ્તા લે છે અને દારૂના ધંધા ચાલે છે. આવી વાતો સામાન્ય માણસ કરતા રહે છે પરંતુ આવી વાત, આવું નિવેદન સાંસદ મનસુખ વસાવાએ આપ્યું છે.
પોલીસ સ્ટેશન નજીક પણ વેચાતો હોય છે દારૂ!
પોલીસની કામગીરી પર અનેક વખત પ્રશ્ન ઉઠતા રહે છે. એવા અનેક કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે જે આ વાતને સાચી સાબિત કરે છે. દારૂબંધી ગુજરાતમાં માત્ર નામ પુરતી જ છે, માત્ર કાગળ પર જ છે તે વાત તો આપણે સૌ જાણીએ છીએ. અનેક એવા કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે જેમાં પોલીસ સ્ટેશન એકદમ નજીક હોય અને ત્યાં દારૂનો ધંધો ચાલતો હોય છે. દારૂના અડ્ડા ક્યાં છે તેની જાણ પણ પોલીસને હોય છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. પોલીસ હપ્તા લઈ દારૂની હેરાફેરી કરતા રોકતી નથી.
નર્મદા પોલીસ પર મનસુખ વસાવાએ લગાવ્યા આક્ષેપ
મનસુખ વસાવા પોતાના નિવેદનને કારણે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે પોલીસને લઈ નર્મદાના સાંસદ મનસુખ વસાવાએ એક નિવેદન આપ્યું છે જેને સાંભળી તમે કહેશો કે મનસુખ વસાવાએ સાચી વાત કહી છે. નર્મદાના ડેડિયાપાડાના કોલીવાડા ખાતે એક કાર્યક્રમમાં સાંસદ ઉપસ્થિત હતા અને તેમણે પોતાના નિવેદનમાં નર્મદા પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે, ગંભીર આરોપ લગાવ્યા છે. મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમમાં હાજર સાંસદે કહ્યું કે પોલીસ હપ્તા લઈને દારૂનો ધંધો કરાવે છે.
પોલીસ હપ્તો લઈ દારૂનો ધંધો કરાવે છે - મનસુખ વસાવા
નર્મદા પોલીસ પર ગંભીર આરોપ લગાવતા મનસુખ વસાવાએ કહ્યું કે નાંદોદના ચિત્રોલ-મયાસીમાં ભુતકાળમાં કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો હતો, અને હાલમાં પણ ત્યાં મોટા પાયે દારૂનો ધંધો ચાલું થઈ ગયો છે. ડેડીયાપાડાના સોલીયામાં બુટલેગરો ફાટી નીકળ્યા છે, સોલિયામાં દર મહિને 35 લાખ રૂપિયા પોલીસ હપ્તો લે છે. ચિકદામાં આંકડા-જુગારના ધંધામાં કરોડો રૂપિયાનું ટર્નઓવર થાય છે. ભાજપના કાર્યકરો દિવસ રાત મેહનત કરી વ્યસન મુક્તિ અભિયાન ચલાવે છે અને બીજા લોકો એના પર પથારી ફેરવી નાખે છે.
ચૈતર વસાવાએ આપ્યું સાંસદની વાતનું સમર્થન
ભાજપના સાંસદની આ વાત પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી છે. ચૈતર વસાવાએ મનસુખ વસાવાનો આવું કહેવા માટે આભાર માન્યો. વિદેશી દારૂના અડ્ડા ચાલે છે તેવી વાત મનસુખ વસાવાએ કહી તે વાતનું સમર્થન ચૈતર વસાવાએ આપ્યું છે. ભાજપની સરકાર પર તેમજ મનસુખ વસાવા પર તેમણે પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે છેલ્લા 30 વર્ષથી તેઓ સાંસદ છે, 27 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. ઉપરાંત કેન્દ્રમાં 9 વર્ષથી સરકાર છે તેમ છતાંય કાયદાનું પાલન કરાવવામાં સરકાર એકદમ નિષ્ફળ નિવડી છે.






.jpg)








