ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદ ચરમ સીમા પર છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી. અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નારાજ હોય તેવું દેખાઈ આવે છે.. ચૂંટણી પુરી થઈ, પરિણામો આવવાના બાકી છે, ભાજપને 25 જીતવાનો ભરોસો છે તો કૉંગ્રેસને 2009ની જેમ 7-8 લોકસભા સીટો જીતવાનો ચાન્સ લાગે છે, પણ ચૂંટણી પુરી થતાની સાથે જ ભાજપમાં જબરદસ્ત ભડકો જોવા મળી રહ્યો છે.
ભાજપમાં થતા ડખા બતાવે છે કે કશું જ સામાન્ય નથી..!
સામાન્ય રીતે કૉંગ્રેસમાં કકળાટ, કચવાટ, ઝઘડા આ બધુ જોવા મળતું પણ સતત છેલ્લા થોડા મહિનાથી ભાજપમાંથી સામે આવી રહેલા ઝઘડા બતાવે છે કે કશું જ સામાન્ય નથી. આમ અમરેલીના પણ સહકાર ક્ષેત્રમાં દેશના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીના સી.આર.પાટીલ પર પ્રહાર પછી હવે અમરેલીના જ પૂર્વ સાંસદ નારણ કાછડીયાએ કૉંગ્રેસમાંથી કરાયેલા ભરતીમેળા પર પ્રહાર કર્યા છે.
નારણ કાછડિયાએ ભરતી મેળા પર કર્યા પ્રહાર!
તેમનું એક નિવદેન સામે આવ્યું છે જેમાં તે કહી રહ્યા છે કે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરી રહ્યા છે એમની જગ્યાએ સવારે કોઈપણ પાર્ટીના કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપે અને બપોર પછી તેમને પદ આપે અને બીજા દિવસે ટિકિટ આપવામાં આવે છે તે બિલકુલ યોગ્ય નથી.
સી.આર.પાટીલ પર કરાઈ રહ્યા છે પ્રહાર?
એ હકિકત છે કે ભાજપે કૉંગ્રેસ મુક્ત કરવાના નામ પર એટલા બધા કાર્યકર્તાઓને ભાજપમાં ભર્યા કે ભાજપ આખી હવે જાણે કૉંગ્રેસના દમ પર ટકેલી છે, જે કાર્યકર્તાઓએ નીચે કૉંગ્રેસની વિચારધારા સામે બાંયો ચડાવી હોય એ લોકોએ પણ કૉંગ્રેસના કાર્યકરોને આવકારવા પડ્યા છે, એવા સંજોગોમાં સામે આવેલુ આ ચિત્ર બતાવે છે કે ભાજપમાં કશું જ સમુસુતરુ નથી ચાલી રહ્યું. ખાસ તો સૌરાષ્ટ્રના નેતાઓ આડકતરી રીતે સી.આર.પાટીલને નિશાન બનાવી રહ્યા છે. ભાજપનું આ આંતરીક યુદ્ધ કૉંગ્રેસને કેટલો ફાયદો કરાવે છે એ જોવું રહ્યું.






.jpg)








