સુનિતા વિલિયમ્સ કે જેઓ ગુજરાતના દીકરી છે , તેમને લઇને એક નવા સમાચાર સામે આવ્યા છે નાસા અને સ્પેસએક્સએ તેમને પૃથ્વી પર પરત લાવવાનું મિશન ફરી એક વાર કેન્સલ કર્યું છે . નાસાએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી અવકાશયાત્રીઓને પરત લાવવા ક્રીયુ - ૧૦ નામનું મિશન અટકાવી દીધું છે . તો આવો જાણીએ શું કામ ફરીએક વાર અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને પૃથ્વી પર પરત લાવવામાં વાર થાય તેમ છે .
ગુજરાતના દીકરી એવા સુનિતા વિલિયમ્સ કે જેઓ છેલ્લા આઠ મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં છે , તેમને પૃથ્વી પર પરત લાવવા નાસાએ યુએસના ફ્લોરિડા સ્થિત કેનેડી સ્પેસ સેન્ટર પરથી સ્પેસએક્સ નામનું રોકેટ લોન્ચ કરવાનો નિર્ણય લીધો હતો . જોકે, રોકેટના ગ્રાઉન્ડ સપોર્ટ ક્લેમ્પ આર્મની હાઇડ્રોલિક સિસ્ટમમાં ખામીને કારણે મિશન મુલતવી રાખવામાં આવ્યું છે . આપને જણાવી દઈએ બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સ છેલ્લા આઠ મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફસાયેલા છે. તેઓ જૂન 2024માં ત્યાં પહોંચ્યા હતા. તેમને ત્યાં ફક્ત એક અઠવાડિયા માટે રોકાવાનું હતું. આ બંને અવકાશયાત્રીઓ બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાન દ્વારા ISS પહોંચ્યા હતા. સપ્ટેમ્બરમાં અવકાશયાન કોઈપણ ક્રૂ વિના પૃથ્વી પર પાછું ફર્યું હતું . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ જાન્યુઆરીમાં પ્લેટફોર્મ X પર લખ્યું હતું: મેં મસ્કને આ બે 'બહાદુર અવકાશયાત્રીઓ'ને પાછા લાવવા કહ્યું છે. આમને બાઈડન વહીવટીતંત્ર દ્વારા અવકાશમાં છોડવામાં આવ્યા છે. તેઓ ઘણા મહિનાઓથી અવકાશ મથક પર રાહ જોઈ રહ્યા છે. મસ્ક ટૂંક સમયમાં આના પર કામ શરૂ કરશે. આશા છે કે બધા સુરક્ષિત હશે.
સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર એકલા એવા અવકાશયાત્રી નથી જે આટલા લાંબા સમય સુધી અવકાશમાં અટવાયેલા છે . ફ્રેન્ક રુબીઓ કે જેઓ ૨૦૨૨માં ISS પર પહોંચ્યા હતા તેઓ કુલ ૩૭૧ દિવસ પછી ઓક્ટોબર ૨૦૨૩માં પાછા ફર્યા હતા . જો આપણું શરીર લાંબા સમય સુધી અવકાશમાં રહે તો , આપણા હાડકા અને સ્નાયુઓમાં પોલાણ વધતું જાય છે . અવકાશયાત્રી જયારે પૃથ્વી પર પાછા ફરે ત્યારે , આ હાડકામાં અને સ્નાયુમાં પોલાણ ઘટતા ૪ વર્ષ જેવો સમય લાગી જાય છે . જોકે આ સમસ્યાના સમાધાન રૂપે અવકાશયાત્રીઓએ રોજ બે કલાક સુધી અવકાશમાં એક્સરસાઈઝ કરવી પડે છે .
ઝીરો ગ્રેવિટીથી અવકાશયાત્રીઓનું વજન પણ ઘટે છે અને દ્રષ્ટિમાં પણ ખામી સર્જાય છે .
તો હવે જોવાનું એ છે કે , સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર ક્યારે પૃથ્વી પર પાછા ફરે છે ?