હવે રબારી સમાજે સરકાર સામે બાયો ચઢાવી, માલધારી એકતા સમિતિએ આંદોલનની કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-11-23 17:04:18

ગુજરાત સરકારની માલધારી સમાજ વિરોધી નિતીઓના કારણે ભારોભાર રોષનો માહોલ છે. માલધારી સમાજે ફરી એક વખત આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. માલધારી એકતા સમિતિના પ્રમુખ નાગજીભાઈ રબારીએ સરકારના અન્યાયી વલણ સામે આંદોલનનું શસ્ત્ર ઉગામવાની જાહેરાત કરી છે. માલધારી સમાજે 2500 લોકો સાથે આવતી કાલે શુક્રવારે 24 નવેમ્બરે અમદાવાદના બાપુનગરના ભીડભંજન મંદિરથી વિરોધ પ્રદર્શન રેલી કાઢવાનું આયોજન કર્યું છે.  નાગજી રબારીએ આજે એક વીડિયો શેર કરી આ અંગે જાણકારી આપી હતી. રાજ્યમાં એક તરફ જ્ઞાન સહાયકના વિરોધમાં ટેટ-ટાટ ઉમેદવારો તથા TRB જવાનો આંદોલન ચલાવી રહ્યા છે, ત્યારે હવે માલધારી સમાજે પણ આંદોલનની ઘોષણા કરતા રાજ્ય સરકારની મુશ્કેલી વધી છે.   


શા માટે આંદોલન?


માલધારી એકતા સમિતિના પ્રમુખ નાગજીભાઈ રબારીએ રાજ્ય સરકાર પર આરોપ લગાવ્યો હતો કે સરકાર ગુજરાતના પશુપાલન વ્યવસાયને ખતમ કરવા માંગે છે. રાજ્ય સરકારની પશુઓ રાખવા માટે લાયસન્સની નિતીનો તેમણે ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે રસ્તા પર રખડતા બે પગવાળા આખલાઓ ગોચર ગળી ગયા તેના વિરોધમાં આ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. નાગજીભાઈ રબારીએ એ પણ સ્પષ્ટતા કરી હતી કે રસ્તા પર રખડતા ઢોરને ડબ્બામાં પુરવામાં આવે તેનાથી માલધારી સમાજને કોઈ વાંધો નથી. માલધારી સમાજ કોઈ નિર્દોશ વ્યક્તિનું રસ્તા પર મોત થાય તેનું પણ સમર્થન કરતો નથી. ઉલ્લેખનિય છે કે રાજ્ય સરકારની  રખડતા ઢોર નિયંત્રણની નવી પોલીસી અને ગોચરને લઈને માલધારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે ઢોર નિયંત્રણ પોલીસી જાહેર કરી હતી. જે બાદ શહેરમાં રખડતા પશુઓને પકડવાની કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવી છે. 


જામાભાઈ રબારીના મોતથી સમાજમાં રોષ 


અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં રહેતા વૃધ્ધનું થોડા દિવસ પહેલા હાર્ટ અટેક આવતા મોત થતા વિવાદ સર્જાયો હતો. મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે ઢોર પકડો પાર્ટીના ગેરવર્તન અને મારના લીધે જામાભાઈ રબારીને હાર્ટ અટેક આવ્યો હતો. આ મુદ્દે માલધારી સમાજના લોકોએ આક્ષેપ કર્યો હતો કે ઢોર પાર્ટી અને પોલીસ હપ્તા લે છે. બીજી તરફ AMCએ દાવો કર્યો હતો કે મૃતકને હ્રદય રોગ હોવાથી હાર્ટ એટેક આવ્યો છે. મૃતકના પરિવારજનોએ ઢોર પાર્ટીના લોકોએ મકાન તોડવાની ધમકી આપી હોવાનો અને તેમના પર હુમલો કર્યાનો પણ આરોપ લગાવ્યો હતો. મૃતકના જવાબદારો સામે કાર્યવાહીની માંગ સાથે માલધારી સમાજના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પશુ પકડવાની ટીમ પહોંચતા વૃદ્ધને હાર્ટ અટેક આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે માલધારી સોસાયટીમાં પશુઓ પકડવા ટીમ પહોંચી હતી. વાડાના પશુઓને પકડવા ટીમ આવી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. આ સમગ્ર મામલે અમદાવાદ AMCએ તપાસ શરૂ કરી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે