ગુજરાતના ખેડૂતો ખેડૂતોના બેંક ખાતામાં પાક વીમો જમા થયો છે તેવા મેસેજ આવી રહ્યા છે. ત્યારે હવે આ મામલે રાજકારણ ગરમાયું છે. ગુજરાત કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલીયાએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે સરકારને સવાલ કર્યો હતો કે પાક વીમાને લઇ ગુજરાતના ખેડૂતોને મેસેજ આવે છે પણ પાક વીમો શેનો આપવાના આવી રહ્યો છે તેની સપષ્ટતા સરકાર દ્વારા કરવામાં આવે, પાક વીમા કંપની મેસેજ કરે છે, જેમા કંપની કહે છે કે અડધી રકમ અમે જમા કરીએ છીએ અડધી રકમ સરકાર જમા કરશે.
વર્ષ 2019ની પાક નુકસાની હવે ચુકવાય છે?
પાલ આંબલીયાએ કહ્યું કે રાજ્યના ખેડૂતોને વર્ષ 2019માં મળેલા પ્રિમિયમના આધાર પર અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાનની વીમા કંપનીએ રહી રહીને ભરપાઈ શરૂ કરી છે. પાક વીમા કંપની દ્વારા રાજ્યના કેટલાક ખેડૂતોને 200 રૂપિયાથી લઈને 80 હજાર રૂપિયા સુધીનો મંજૂર થયેલો ક્લેમ બેંક મારફતે તેના ખાતામાં મળી રહ્યો છે. જો કે આ વીમાની ચૂકવણીમાં કેટલીક બાબતો શંકાના ઘેરામાં હોવાનો કોંગ્રેસના કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાએ આક્ષેપ કર્યો છે. પાલ આંબલિયાએ દાવો કર્યો છે કે રાજ્યમાં 7 લાખ ખેડૂતોએ વીમા કંપનીને લઈને અરજીઓ કરી હતી, ત્યારે કેટલા ખેડૂતોને અને કઈ રીતે આ સહાય ચૂકવવામાં આવી છે. તેની કોઈ જ માહિતી નથી જે અંગે સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ. કેટલાક ગામોમાં માત્ર 10 ખેડૂતોને વીમો મળ્યો છે. પાક વીમા કંપની ખોટી હોય તો તેમની સામે સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવે. જો પાક વીમા કંપની સાચી હોય તો તાત્કાલિક ખેડૂતોને રકમ ચુકવવામાં આવે. 200 રૂપિયા જેવા પાક વીમા જમાં કરી ખેડૂતો સાથે મજાક કરે છે. રાજ્ય સરકાર ક્યો પાક વીમો આપે છે તેનો પરિપત્ર જાહેર કરે. જે ખેડૂતોને મેસેજ આવ્યા છે એ કયા પાક વીમાના છે તે પણ સરકાર જાહેર કરે, કયા વર્ષનો છે કયા પાક માટેનો છે તે પણ સ્પષ્ટતા કરે. ખેડૂતોને મોટા પ્રમાણમાં મેસેજ આવી રહ્યા છે.
ખેડૂતોમાં અસમંજસની સ્થિતિ
ગુજરાત કિસાન કોંગ્રેસનાં ચેરમેન પાલ આંબલિયાએ આ અંગે જણાવ્યું હતું કે, પાકવીમાને લઈને ખેડૂતોમાં અસમંજસની સ્થિતિ છે. તેનો ખુલાસો કરવો જરૂરી છે. છેલ્લા અઠવાડિયામાં રાજ્યના અલગ અલગ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં ખેડૂતોને એક મેસેજ આવી રહ્યો છે કે તમારી બેન્કમાં ખરીફ પાકના 929 જમા થયા છે. અથવા તો રાજ્ય સરકાર દ્વારા બાકી સબસિડીની ચુકવણી પછી રૂ. 92,915નો વધારાનો અંતિમ દાવો ચૂકવવામાં આવશે. તેવા મેસેજ ખેડૂતોને મળી રહ્યા છે. કંપની તરફથી આ મેસેજ ખેડૂતોના મોબાઈલ પર આવી રહ્યા છે. જેમાં કેટલાક ખેડૂતોને ખાલી મેસેજ આવે છે. તેમના ખાતામાં રૂપિયા જમા થાય છે. જ્યારે કેટલાક ખેડૂતોને કંપની તરફથી મેસેજ આવે છે. પણ એમના ખાતામાં રૂપિયા જમા થતા નથી. ત્યારે કેટલાક ખેડૂતોને કંપની તરફથી મેસેજ આવતો નથી પણ બેંકમાં રૂપિયા જમા થયા એનો બેન્ક તરફથી મેસેજ આવે છે. આ સમગ્ર બાબતોને લઈને ખેડૂતો ભારે અવઢવમાં છે. ત્યારે આ અંગે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક સ્પષ્ટતા કરવામાં આવે તે જરૂરી છે.
હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચિમકી
રાજ્ય સરકારે ખેડૂતોનો 2019નો મંજુર થયેલો પાકવીમો કંપનીઓ પાસેથી મેળવીને એજ વર્ષમાં ખેડૂતોને આપવો જોઈએ પણ સરકાર કંપનીઓને છાવરતી રહી ખેડૂતોને ગુજરાત હાઈકોર્ટમાં જવાની ફરજ પડી. ગુજરાત હાઈકોર્ટે સરકાર અને પાકવીમાં કાપનીઓને ફટકાર લગાવી પછી ખેડૂતોના ખાતામાં પાકવીમા કંપનીઓ રૂપિયા આપે છે પણ સરકારે જે હિસ્સો આપવાનો હતો, એ હજુ ખેડૂતોને મળતો નથી તો શું અમારે ખેડૂતોએ રાજ્ય સરકારના હિસ્સા માટે ફરીથી ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવવા પડશે તેવી ચિમકી પણ પાલ આંબલિયાએ આપી હતી.






.jpg)








