લોકસભા ચૂંટણીને ભલે હજી વાર હોય પરંતુ રાજનીતિ તો હમણાંથી ગરમાવા લાગી છે. રાજકીય પાર્ટીના નેતાઓ દ્વારા અનેક વખત શાબ્દિક પ્રહારો કરવામાં આવશે, કદાચ વિવાદીત નિવેદન પણ આપવામાં આવશે, વિવાદ વધતા તે માફી પણ માગી લેશે વગેરે વગેરે... આ બધું તો ચૂંટણીના સમયે સામાન્ય રીતે જોવા મળતું હોય છે પરંતુ સાથે સાથે પોસ્ટર વોર પણ જોવા મળતો હોય છે. થોડા સમય પહેલા વડોદરામાં આ પોસ્ટર વોર જોવા મળ્યું હતું ત્યારે હવે આ પોસ્ટર વોર પોરબંદર પર જોવા મળી રહ્યું છે.
પોરબંદરમાં મનસુખ માંડવિયા તેમજ લલિત વસોયા વચ્ચે જંગ
ગુજરાતની 26 લોકસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે પરંતુ અનેક બેઠકો પર નામ નથી જાહેર કરાયા. પરંતુ જ્યાં માટે ઉમેદવારોના નામ જાહેર કરાયા છે ત્યાં હમણાંથી રાજકારણ ગરમાઈ રહ્યું છે. પોરબંદરમાં કોંગ્રેસે લલિત વસોયાને ટિકીટ આપી છે જ્યારે ભાજપે મનસુખ માંડવિયાને ઉમેદવાર બનાવ્યા છે. ત્યારે એક પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે જેમાં લખવામાં આવ્યું છે પોરબંદર લોકસભા માગે છે લોકલ ઉમેદવાર... એ કોણ.. પોરબંદર લોકસભામાં નહીં ફાવે આયાતી ઉમેદવાર.. એ કોણ...
વડોદરા બાદ પોરબંદરમાં લાગ્યા બેનરો!
મહત્વનું છે કે આની પહેલા પોસ્ટર વોર વડોદરા બેઠક પર જોવા મળ્યું હતું, ભાજપ દ્વારા રંજનબેન ભટ્ટને ટિકીટ આપવામાં આવી હતી જે બાદ તેમના વિરોધમાં પોસ્ટર લાગ્યા હતા. તે પોસ્ટરમાં લખાયું હતું કે મોદી તુજ સે બેર નહીં પર રંજન તેરી ખેર નહી.. ત્યારે પોરબંદરમાં પણ ઉમેદવારોને લઈ પોસ્ટર લાગ્યા છે. આ પોસ્ટર કોણે લગાયા તેની જાણ નથી આ પોસ્ટરને જોતા લાગે કે પોરબંદરમાં પણ પોસ્ટર પોલિટિક્સ શરૂ થઈ ગયું છે.