ગુજરાતમાં પ્રિ-મોન્સૂન પ્લાન પાણીમાં, એક નહીં 4 મેગા સિટીની પોલ ખૂલી, જુઓ અલગ અલગ જગ્યાએથી સામે આવેલી તસવીરો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-03 19:02:37

ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી એટલો વિકાસ થયો કે છેક રોડ રસ્તામાં બસ આખી ખાડામાં સમાય શકે છે... મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ ગુજરાતમાં કરી અને સ્માર્ટસિટીના દાવા એ જ વરસાદી પાણીમાં ધોવાય ગયા.... એક નહીં ચારેય મેગાસિટી કહો કે મેટ્રો સિટી કહો ત્યાં વિકાસ ભમ્મ દઈને ખાડામાં પડી ગયો... વાત કરીએ એ સ્માર્ટ સિટીની જેના વિકાસના નામે ત્રીસ વર્ષથી ટેક્સ ભર્યે જ જઈએ છીએ પણ વળતરમાં મળે છે ખાડા, ભૂવા, પાણી ભરાવાની સમસ્યા. અને ટેક્સના પૈસાની ધૂણધાણી... 

પ્રિ મોનસુનની કામગીરીના કરવામાં આવે છે મોટા દાવા

ચોમાસું નજીક હોય ત્યારે મહાનગર પાલિકાનું તંત્ર પ્રિ-મોન્સૂન કામગીરી આરંભી દેતું હોય છે અને આ કામગીરી માટે લોકોના ટેક્સના કરોડો રૂપિયાનો ધૂમાડો કરવામાં આવે છે. જે બાદ પાલિકાના અધિકારીઓ પ્રિ-મોન્સૂન કામગીરીના મોટા મોટા દાવા કરતા હોય છે. પરંતુ આ દાવા કેટલાં સાચા હોય છે, તેની પોલ મેઘરાજાએ ખોલી નાંખી છે. રાજ્યની મહાનગર પાલિકોની કેવી છે કામગીરી અને કેવી રીતે ખૂલી ગઈ છે આ કામગીરીની પોલ, એના વિશે વાત કરવી છે...


ક્યાંક ભૂવો પડ્યો તો ક્યાંક રસ્તો બેસી ગયો!

રાજ્યની મહાનગર પાલિકાએ કરેલા પ્રિ-મોન્સૂન કામગીરીની વાત કરીએ તો કરોડો રૂપિયાના ટેક્સના પૈસા ક્યાં વપરાયા છે. ગાંધીનગરને સ્માર્ટ શહેર ગણવામાં આવે છે. પરંતુ મેઘરાજાએ આ સ્માર્ટ સિટીની પાલિકાના પોકળ દાવાને ધૂળધાણી કરી નાંખ્યા છે. અમદાવાદની તો વાત થાય એમ નથી કેમ કે પાલિકાએ અમદાવાદમાં એવી કામગીરી કરી છે કે રસ્તા પર ભૂવા નથી પડતાં. પરંતુ ભૂવામાં આખે આખા રસ્તા પડી જાય છે. આ બધાની વચ્ચે સંસ્કારીનગરી વડોદરા કેમ પાછળ રહી છે. કેમ કે વડોદરામાં પણ હળવા વરસાદમાં જ ક્યાંક ભૂવા પડ્યા છે, તો ક્યાંક રસ્તા બેસી ગયા છે. 


થોડા વરસાદમાં ગાંધીનગર બન્યું ભુવાનગર!

હવે સૌથી પહેલાં વાત કરીએ રાજ્યના પાટનગર ગાંધીનગરની.. આપણે ગાંધીનગર શહેરમાં પ્રવેશ કરીએ એટલે તે બહારથી ખૂબ જ સુંદર દેખાય છે. સ્વચ્છ રસ્તા, રસ્તા આજુબાજુની હરિયાળી તમારું મન મોહી લે. પરંતુ આ જ સુંદર શહેરની એક ગંદી તસવીર પણ છે. દર વર્ષે એ ગંદી તસવીર આપણને બતાવે પણ છે આ અધિકારીઓ.. કેમ કે ગાંધીનગર શહેર હળવા વરસાદમાં જ ભૂવાનગર બની ગયુ છે.. રસ્તા પર એવા ભૂવા પડ્યા કે તેમાં કાર ગરકાવ થઈ. એટલું જ નહીં સાંસદ પરશોત્તમ રૂપાલાના ઘર સામે જ પડેલા ભૂવામાં વીજળીનો થાંભલો પડ્યો. આટલાથી ઓછું સેક્ટર 2માં રસ્તા પર ખાડો પડતાં તેમાં મસમોટું ડમ્પર જ ફસાઈ પડ્યું..... 


જ્યારે જ્યારે વરસાદ આવે છે ત્યારે ગુજરાત મોડલ ખુલ્લુ પડી જાય છે!

તંત્રએ કરેલા ધૂળ જેવા કામની સમીક્ષા કરવા મેયર મીરાબેન પટેલ સેક્ટર 3માં પહોંચ્યા, પરંતુ તંત્રની કામગીરીથી અકળાયેલા લોકો મેયર પર જ વરસ્યા અને બધો જ ગુસ્સો ઠાલવી દીધો.....સરકાર દ્વારા સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવે છે પરંતુ જ્યારે જ્યારે ચોમાસું આવે ત્યારે જ ગુજરાત મોડલ ખુલ્લુ પડી જાય છે. આવામા હવે ગુજરાતની જનતા ખૂલીને બોલી રહી છે. હાલમાં જ ગાંધીનગરમાં  સ્થાનિકોએ ભ્રષ્ટાચારના ખાડામાં ભાજપના ઝંડા લગાવીને વિરોધ કર્યો હતો. સ્થાનિકો પૂછી રહ્યા છે કે ગાંધીનગરને આવું કોણે બનાવ્યું? આનો જવાબ છે ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓ અને ભાજપના મળતિયા કોન્ટ્રાક્ટરો. ... જ્યાં ખાડા પડ્યા ત્યાં નાગરિકોએ લગાવ્યા ભાજપના ઝંડા

રસ્તા પર જ્યાં-જ્યાં ખાડા પડેલા હતા તે જગ્યાઓ પર લોકો ભાજપના ઝંડા લગાવીને વિરોધ દર્શાવી રહ્યાં છે. જોકે, આમ થયા પછી પણ તંત્રના પેટનું પાણી હલતું ના હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ... ગુજરાતમાં અનેક જગ્યાઓએ આ રસ્તા પરથી પસાર થતા લોકોને પણ રોજ જોવા મળતા ખાડાની જગ્યા પર ભાજપના ઝંડા જોઈને આશ્ચર્ય થઈ રહ્યું છે.


અનેક કલાકો વિત્યા તો પણ પાણી ઓસર્યા નહીં..!

મેઘરાજાએ જો સૌથી બદતર હાલત કોઈ શહેરની કરી હોય તો તે છે અમદાવાદ શહેર. કેમ કે અમદાવાદ મનપાએ એટલું બોગસ કામ કર્યુ છે કે હવે લોકોનું જીવવું હરામ થઈ ગયુ છે. હવે આ શહેર એવું થઈ ગયુ છે કે અહીં રસ્તામાં ખાડા નથી પડતાં, પરંતું ખાડામાં આખા રસ્તા ધસી પડે છે.  તો પાલિકાના આશીર્વાદ છે કે જેવો વરસાદ થશે કે રસ્તા પર પાણી ભરાઈ જશે. રવિવારે પણ આવું જ થયું. એટલું જ નહીં વરસાદને 20 કલાક જેટલો સમય વીત્યો છતાં પણ પાણી ઓસર્યા નથી..... શેલામાં રવિવારે પડ્યો હતો મસમોટો ખાડો

અમદાવાદના શેલા વિસ્તારમાં કરોડો રૂપિયામાં ફ્લેટ અને બંગલો વેંચાય છે. ત્યારે કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ અહી એવી હાલત છે કે વરસાદ રોકાય છે, છતાં પાણી ઓસરતા નથી. અમદાવાદમાં માત્ર વરસાદના પાણીની સમસ્યા નથી, રસ્તા પણ માથાનો દુખાવો છે. કેમ કે ક્યારે ક્યો રસ્તો ધડામ થઈને બેસી જશે, તેનો કોઈ અંદાજ લગાવી શકાય નહીં. 


કામ તો પતાવી દે છે પરંતુ...  

વાત કરીએ વડોદરા મહાનગર પાલિકાની કામગીરીની. સામાન્ય વરસાદે જ મહાનગર પાલિકાની પોલ ખોલી નાંખી છે. કેમ કે માત્ર અઢી ઇંચ વરસાદમાં શહેરમાં ઠેર ઠેર ખાડા પડી ગયા છે. તો ક્યાંક આખો રસ્તો બેસી ગયો છે. પાલિકા ડ્રેનેજ લાઈનનું કામ બતાવવા માટે રસ્તા ખોદી દે છે. પરંતુ કામ પત્યા બાદ તેનું યોગ્ય પુરાણ કરાતું નથી. બસ આ જ કારણે વડોદરાના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 


જૂનાગઢમાં પણ જોવા મળી આવી તસવીર 

રવિવારે ધોધમાર વરસેલા વરસાદે મહાનગર પાલિકાના પોકળ દાવા ઉઘાડા પાડી દીધા છે. આપણી પાસેથી ટેક્સના કરોડો રૂપિયા ઉઘરાવ્યા બાદ તંત્રએ કેવી કામગીરી કરી છે. તેની સાબિતી વરસાદ બાદની સ્થિતિ પરથી સ્પષ્ટ છે. ત્યારે હવે આશા રાખીએ કે તંત્ર આ સ્થિતિથી સબક લે અને જનતા માટે જાગે અને થોડી સારી કામગીરી કરે. આજ હાલત આજે જૂનાગઢની પણ છે. જૂનાગઢમાં જળબંબાકાર છે અને રોડ રસ્તા પર નદીઓની જેમ પાણી વહ્યાં છે અને સોસાયટીઓ ડૂબી ગઈ છે...... ખાડાથી ગુજરાતનુ કોઈ શહેર કે ગામ બાકાત નહિ હોય...

ગુજરાત સરકારના સ્માર્ટ સિટીના તમામ દાવા ચોમાસામાં ખુલ્લા પડી જાય છે. ખાડા પડે, રસ્તા પર પાણી ભરાય એટલે ખરો વિકાસ સામે આવે છે. ત્યારે હવે જાગૃત નાગરિકો પણ સરકાર સામે અનોખી રીતે રોષ દર્શાવી રહ્યાં છે. ગુજરાતના જાગૃત નાગરિકો ખાડામાં ભાજપનો ઝંડો લહેરાવી રહ્યાં છે.... ખાડાથી ગુજરાતનુ કોઈ શહેર કે ગામ બાકાત નહિ હોય. લાખો રૂપિયાનો ટેક્સ લેવા છતાં લોકોના નસીબમા આવા ખાડા આવી રહ્યાં છે...... લોકોને અનેક વખત કહેતા સાંભળ્યા હશે કે બાળકો રમકડાથી રમે છે અને મોટાઓ બીજાની લાગણથી રમે છે. સંબંધો અને લાગણીની વાત કરતી રચનાને સાહિત્યના સમીપમાં પ્રસ્તુત કરવી છે.

ગઈકાલે ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો. એટલે જ સુરતનાં ઇન્દોર સ્ટેડિયમમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી રાખી હતી જેમાં તેમણે પોતાનાં ભાષણ દરમિયાન ડ્રગ્સ મુદ્દે મોટું નિવેદન આપ્યું સાથે જ તેમણે કોંગ્રેસને આડે હાથ લીધી અને અંતે કહી દીધું કે સુરતમાં કોઈ ભાઈ નહીં!

લોકસભામાં બજેટ સત્રનો આજથી આરંભ થઈ ચુક્યો છે . ત્યારે આ બજેટ સત્રના પહેલા દિવસની શરૂઆત ખુબ આક્રમકતા સાથે થઇ છે. આ વખતનું સત્ર ખૂબ હંગામેદાર રહેશે તેના એંધાણ દેખાઈ રહ્યા હતા.

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. પરંતુ અનેક જગ્યાઓ, અનેક વિસ્તારો એવા છે જ્યાં વરસાદની પ્રતિક્ષા લોકો કરી રહ્યા છે. જ્યાં છે ત્યાં બહુ બધો વરસાદ છે અને જ્યાં નથી ત્યાં આવતો જ નથી... હવામાન વિભાગે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની માહિતી આપી છે.