રાજકોટ શહેરમાં એક 32 વર્ષીય પરીણિતાએ પતિના ત્રાસથી મોતને વ્હાલું કર્યું છે. શહેરમાં અલકાબેન પરમારે ઝેરી દવા પી આત્મહત્યા કરતા સનસનાટી મચી ગઈ છે. આ સમગ્ર મામલે મૃતક અલકાબેનના નાના ભાઈ નયનભાઈ ચૌહાણ દ્વારા માલવીયા નગર પોલીસ સ્ટેશન ખાતે પતિ જસ્મીનભાઈ પરમાર, સસરા રમેશભાઈ પરમાર, સાસુ સરોજબેન પરમાર તેમજ મરણ જનારના પતિ જસ્મીનભાઇ પરમારની પ્રેમિકા પાયલ બહેન વિરુદ્ધ IPCની કલમ 306, 498 (એ) તેમજ 114 મુજબ ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. મૃતક મહિલાએ આત્મહત્યા પહેલા વીડિયો બનાવી પતિ સામે અનેક ફરિયાદો કરી છે.
સાસરીયોઓના મહેણા ટોળાએ લીધો જીવ
નયનભાઈ ચૌહાણે પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, બહેન અલકાના લગ્ન 11 વર્ષ પૂર્વે જસ્મીનભાઈ પરમાર નામના વ્યક્તિ સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેમને હાલ નવ વર્ષની તન્વી નામની દીકરી છે. એક વર્ષ પૂર્વે મારા બહેને ગર્ભાશયની કોથળીમાં ગાંઠ હોવાથી ઓપરેશન કરાવ્યું હતું. જેના કારણે ઓપરેશન દરમિયાન ગર્ભાશય કઢાવી નાખવામાં આવેલ હતી. જેથી તેના પતિ જસ્મીન ભાઈને વંશ આગળ વધારવા સંતાનમાં દીકરો ન હોવાથી મારી બહેનને તેમના પતિ સાસુ સસરા શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા હતા. આ ઉપરાંત તેવો પણ આક્ષેપ લગાવ્યો છે કે, જસ્મીનને તેની પાડોશમાં રહેતી પાયલ નામની યુવતી સાથે પ્રેમ સંબંધ છે.
વીડિયોમાં શું કહ્યું?
મૃતક અલકા બેનના ભાઈ નયનભાઈ ચૌહાણે જણાવ્યુ હતું કે, મૃત્યુ બાદ મારી બહેનનો ફોન ચેક કરતા તેમાં બે વીડિયો જોવા મળ્યા હતા. એક વીડિયોમાં મારી બહેન બોલે છે કે, જસ્મીન જતી રહે જતી રહે એવુ કરે છે પરંતુ મારે ક્યાં જવું? અલકાબેને આત્મહત્યા જસ્મીનને નથી જોઇતી એટલે હું આ પગલું ભરું છું. જસ્મીન એમ કહે છે કે, મારે તું જોઇતી જ નથી, તું શું કામ આવી? એટલે હું દવા પીને મરી જાવ છું. બધા થઇને મારી છોકરીને સંભાળી લેજો. મૃતકે એક સુસાઇડ નોટ પણ લખી હતી, જેનો ફોટો પણ તેમના મોબાઇલમાંથી મળી આવ્યો છે.






.jpg)








