પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."
ગઇકાલે જયારે સમગ્ર વિશ્વમાં નેપાળમાં થયેલી GEN Z ક્રાંતિની ચર્ચા હતી તો બીજી તરફ ઇઝરાયેલ દ્વારા કતરની રાજધાની દોહામાં પ્રીસિઝન સ્ટ્રાઇક કરવામાં આવી છે. ઇઝરાયેલનો દાવો છે કે , કતરની રાજધાની દોહામાં હમાસના વરિષ્ઠ નેતાઓ પર આ સટીક હુમલો કરવામાં આવ્યો છે. આ હમાસના વરિષ્ઠ નેતાઓનો હાથ , ૭ ઓક્ટોબર ૨૦૨૩માં ઇઝરાયેલ પર થયેલા આતંકવાદી હુમલામાં હતો . તો હમાસના ડેલિગેશનના આ પાંચ સદસ્યો કતરની રાજધાની દોહામાં અમેરિકાના પ્રસ્તાવ પર શાંતિવાર્તા માટે આવ્યા હતા. આ હુમલાને લઇને કતરના ગૃહમંત્રાલય દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે , " ઇઝરાયેલના આ હુમલામાં હમાસના ડેલિગેશનના ભાગ રૂપે જે પાંચ સદસ્યો આવ્યા હતા તેની સાથે , એક કતારી સુરક્ષા અધિકારીનું મૃત્યુ થયું છે."
ભારત સરકાર દ્વારા , ઇઝરાયેલના હુમલાને લઈને કહેવામાં આવ્યું છે કે , " આજે દોહામાં થયેલા ઇઝરાયેલી હુમલાનું સંજ્ઞાન લીધું છે. આ સ્થિતિમાં ક્ષેત્રીય સુરક્ષાને લઇને અમને ચિંતા છે. ભારત સંયમ અને ડિપ્લોમસી અપનાવવા માટે અપીલ કરે છે , જેનાથી ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા પ્રભાવિત ના થાય." આ તરફ કતરના પીએમ અલ થાનીએ કહ્યું છે કે , "ઇઝરાયેલએ એવા હથિયારોનો ઉપયોગ કર્યો છે જેને કતારી એર ડિફેન્સ રડાર પણ ના પકડી શક્યા. અમેરિકન અધિકારીઓએ અમને ઇઝરાયેલના હુમલા વિશે માત્ર ૧૦ મિનિટ પેહલા જ જાણકારી આપી હતી. " આપને જણાવી દયિકે , કતરએ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે મધ્યસ્થા કરાવવા માટે મહત્વની ભૂમિકા ભજવેલી છે. ઇઝરાયેલના હુમલાને લઇને વ્હાઇટહાઉસના પ્રવક્તા કેરોલીન લેવિટ દ્વારા કહેવામાં આવ્યું છે કે , " ઇઝરાયેલનો આ જે હુમલો છે , તે ના તો અમેરિકાના ના તો , ઇઝરાયેલના હિતો માટે ઠીક છે . મિડલ ઇસ્ટમાં કતરએ અમેરિકાનું મહત્વનું સહયોગી છે. ઇઝરાયેલના આ હુમલાની પૂર્વ જાણકારી સ્ટીવ વીટકોફ દ્વારા રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પએ કતરને આપી હતી. " ઓક્ટોબર ૭ , ૨૦૨૩ પછી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ગાઝામાં ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં અત્યારસુધીમાં , ૧૨૦૦ ઇઝરાયેલી નાગરિકોના મોત થઇ ચુક્યા છે જયારે , ૬૪૦૦૦ વધારે , પેલેસ્ટીનિયન નાગરિકોના મૃત્યુ થઇ ચુક્યા છે.