એક અધિકારીએ જે અહેવાલ સરકારમાં મોકલ્યો છે એ વાંચીને એસી રૂમમાં પરસેવો વળવો જોઈએ


  • Published By : Admin
  • Published Date : 2023-06-25 21:16:22

આ સ્ટોરી માત્ર એ લોકો માટે છે જે એવું સમજે છે કે બાળક માત્રને શિક્ષણનો અધિકાર છે અને એને મળતા શિક્ષણમાં કોઈ પણ કક્ષાએ ચીટીંગ ના થવી જોઈએ! સરકારે ખુબ સારા આશયથી એક સિનિયર અધિકારી નામે ડૉ.ધવલ પટેલ, આઈએએસને એક કામ સોંપ્યુ, કામ હતુ છોટાઉદેપુર જિલ્લામાં જઈને શિક્ષણની પરિસ્થિતિ તપાસવાનું. અધિકારીને પણ સલામ કહેવા પડે કે માત્ર કરવા ખાતર કામ ના કરતા એ ખરેખર 6 શાળાઓની મુલાકાતે ગયા અને એમના અનુભવો પ્રાથમીક શિક્ષણના સચિવને લખીને મોકલ્યા. પણ એમણે જે જાત અનુભવો લખ્યા છે એ જોઈને આખા જિલ્લાના નાગરીકો, અધિકારીઓ, પદાધિકારીઓ, રાજ્યના અધિકારીઓ, મંત્રી અને સરકાર દરેકનું માથુ શરમથી ઝુકવુ જોઈએ. શું કામ વાંચો આગળ...


શાળા નંબર 1 - ટીમલા પ્રાથમિક શાળા, છોટાઉદેપુર

તારણ - નિમ્ન કોટીનું શિક્ષણ

બાળકો છૂટક છૂટક માંડ વાંચી શકતા હતા

એક આંકડાના સરવાળા નહોતા કરી શકતા

શિક્ષકના જવાબ સાંભળીને અધિકારીના પાટીયા બેસી ગયા




શાળા નંબર 2 - રંગપુર(ઝોઝ) પ્રાથમિક શાળા

શૈક્ષણિક રણમાં મીઠી વીરડી જેવી શાળા

ઉત્સાહી શિક્ષક પરિણામે હોંશિયાર બાળકો



શાળા નંબર 3 - બોગડામ પ્રાથમિક શાળા

શિક્ષણની સ્થિતિ અત્યંત દયનિય

અજવાળું, દિવસ જેવા શબ્દોના વિરોધી શબ્દો ના આવડ્યા

ધો.8ના છોકરાને નકશામાં ગુજરાત શોધતા ના આવડ્યું


શાળા નંબર 4 - વઢવાણ પ્રાથમિક શાળા

શિક્ષણનું સ્તર દયનિય હાલતમાં

ધો.5ના વિદ્યાર્થીઓ બાદબાકી નહોતા કરી શકતા

અધિકારીએ અહીંયા જાદૂ જોયો

બાળકોએ લીંબુ શરબત બનાવવાની આખી રીત પેપરમાં અંગ્રેજીમાં લખી

કોઈને અંગ્રેજી મથાળુ વાંચતા પણ નહોતું આવડતુ



શાળા નંબર 5 - જામલી પ્રાથમિક શાળા

નિમ્ન સ્તરનું શિક્ષણ

ધોરણ 4ની છોકરીને દાખલો ગણવાનો કહ્યો તો રડવા લાગી

દિવસનો વિરુદ્ધાર્થી ના આવડ્યો

8 ઘોડાના પગ કેટલા પુછ્યું તો છોકરો 8 વત્તા 4 કરવા માંડ્યો

સાદી સમજણનો અભાવ


શાળા નંબર 6 - રાણીખેડા પ્રાથમિક શાળા

સામાન્ય ગણિતના પ્રશ્નો ના આવડ્યા

16 વત્તા 4નો જવાબ 19 આપ્યો

પ્રશ્નપત્રમાં પુછેલા પ્રશ્નોના જવાબ ના આવડ્યા



ઉપર ગ્રાફીક્સમાં જે જોયું એ પ્રકારે શાળાના હાલ જોયા પછી આઈએએસ ડૉ.ધવલ પટેલે આગળ જે લખ્યું એ માત્ર લખાણ નથી, પીડાંની અભિવ્યક્તિ છે. એ લખે છે...



આઈએએસ અધિકારીની આંખોદેખી

મારા હૃદયને અવર્ણનિય ગ્લાનિ થઈ છે,આ ગરીબ આદિવાસી બાળકો પાસે શિક્ષણ માટે અન્ય કોઈ વિકલ્પ નથી, આપણે એમને આ પ્રકારે સડેલું શિક્ષણ આપીને અન્યાય કરી રહ્યા છીએ,તેઓ પેઢી દર પેઢી માત્ર મજૂરી જ કરે અને આગળ ના વધે તે સુનિશ્ચિત કરી રહ્યા છીએ. બાળકો અને વાલિઓ જે આપણા પર આંધળો વિશ્વાસ કરે છે એમની સાથે છળ કરવું એ અધપતનની પરાકાષ્ઠા છે, પૂરતી ભૌતિક સગવડો અને પૂરતા શિક્ષકો હોવા છતાં આવું શિક્ષણનું સ્તર કેવી રીતે એ મારા માટે ના ઉકેલી શકાય એવો કોયડો છે. 8 વર્ષ બાળક આપણી પાસે રહે અને સરવાળા-બાદબાકી ના કરી શકે એ શિક્ષક તરીકે આપણી ઘોર અસર્મથતાનું જ દ્યોતક છે


કોયડો જમાવટ ઉકેલી આપે છે!

ડૉ.ધવલ પટેલની પીડા વ્યાજબી છે, પણ એમની પાસે જે વણઉકેલાયેલો કોયડો છે એનો જવાબ અમારી પાસે છે. અમે અનેક ગામડાઓ અને સરકારી શાળાઓ ખુંદી વળ્યા છીએ. ખાસ તો આદિવાસી વિસ્તારની કરૂણતા આંખ સામે વારંવાર જોઈ છે. પીવાના પાણીથી લઈ પાયાની સુવિધા માટે આ લોકો એટલા ઝઝુમે છે કે વાલી સમજે છે કે બાળકને મજૂરીએ લઈ લઉં કે ઘરકામમાં રાખુ તો મારુ કામ સરળ થઈ જશે. બાળકને ભણાવવા માટે પહેલા વાલીને જાગૃત કરવા જરૂરી છે જે નથી થઈ રહ્યા. એની પ્રાથમિક સુવિધાઓ સૌથી પહેલા એના સુધી પહોંચવી જરૂરી છે. ખાલી કાગળ પર નહીં હકિકતે નળમાં જળ પહોંચે તો ઘરની દિકરી શાળાએ જવાના સમયે માથે બેડાં નહીં લઈ જાય. વાલીને દારૂ જેવી બદીથી દુર રખાશે તો ખાસ તો આદિવાસી બાળકો માટે આવતી હજારોની શિષ્યવૃતિ ખરેખર શિક્ષણ માટે વપરાશે. એમને શિક્ષણના આધારે રોજગારી મળશે તો વિસ્તારોમાં ઉદાહરણ પ્રસ્થાપિત થશે. કેમ કે હાલત એવી છે કે બીએ, એમએ કરેલા છોકરા ઘરે નવરા બેસે છે, બહુ ભણ્યા પછી મજૂરી નથી કરી શકતા, નોકરી મળતી નથી અને મા-બાપને માથે બોજો બને છે તો ઉંધા ઉદાહરણો સેટ થાય છે.


હવે વાત આવે છે શિક્ષકોની.

પ્રલય અને નિર્માણ શિક્ષકની ગોદમાં છે એવા સુત્રો લખી દેવાથી દરેક શિક્ષકો ચાણક્ય નથી થઈ શકતા. ચાણક્યમાં શાસકને જન્મ આપવાની ક્ષમતા છે. પણ મોટાભાગના શિક્ષકો અંતરિયાળ વિસ્તારમાં પોતાની નોકરી સજાની જેમ ગણે છે, મોટાભાગે પોતાના બાળકોને આ શિક્ષકો પોતાની શાળામાં નથી ભણાવતા. ખાસ તો છોટાઉદેપુરમાં ભણાવતા મોટા ભાગના શિક્ષકો વડોદરા કે બોડેલી જેવા શહેરી વિસ્તારમાં જ રહે છે. એ લોકો માટે ક્યારેય વિદ્યાર્થી પ્રાથમિકતા હોતા જ નથી. આગળ જતા શિક્ષક અને કલેક્ટરનો પગાર ઓલમોસ્ટ સરખો થઈ જાય છે પણ શિક્ષકો ઘણા કિસ્સાઓમાં પ્રામાણિકતામાં કાચા નિવડે છે. પુરતો પગાર અને સુવિધા મળવા છતા પોતાનું બાળક જો બિલકુલ ના ભણે કે શાળાએ ના આવે તો એની જવાબદારીમાંથી શિક્ષક ના છટકી શકે. ઘણા બધા શિક્ષકો સાવ ઓછા અભ્યાસ સાથે, અને ભણાવવા માટે સક્ષમ ના હોવા છતાં ઓળખાણ અને રૂપિયાના જોરે સિસ્ટમમાં લાગેલા છે, જે પોતે આવ્યા જ ચિટીંગથી છે એ બાળકોને પરીક્ષામાં ચોરી નહીં કરાવે તો શું કરાવવાના! ઘણા બધા શિક્ષકો એવા પણ છે જે પોતાનો સમય આપીને પણ બાળકો માટે કશુંક વિશેષ કરવાના પ્રયત્નો કરતા રહે છે અને એમને પરિણામ પણ મળે જ છે. પણ મૂળમાં તો ભરતીમાં સેટીંગ અને શિક્ષણની ઉપેક્ષા પણ આનું કારણ છે.





જવાબદારોનું માથુ શરમથી ઝુકવુ જોઈએ!

છેલ્લે વાત સરકાર અને અધિકારીઓની શરમની એટલે આવે છે કેમ કે પાણી માથા પરથી જાય છે અને તો ય હજુ વાસ્તવિકતા સ્વિકારીને સુધારવાની જગ્યાએ ઢાંકપીછોડામાંથી ઉંચા નથી આવતા. ગાંધીનગરની બહાર નીકળીને 0ટકા પરિણામ વાળી શાળાઓમાં જઈને ક્યારેય જોવાની કોશિશ કરી કે આવુ શું કામ થયું છે? જોવાનું તો છોડી દો મીડિયા શાળાની યાદી માગે તો આપવા તૈયાર નથી થતા. ક્યાંક બધા જાણી જશે તો! 


એક મરદ અધિકારીએ દર્પણ બતાવવાની કોશિશ કરી છે, અમે બતાવી બતાવીને થાક્યા પણ પ્રશ્નોને ટીકા અને ટીકાને બળવાની જેમ લેવાતું હોય ત્યાં કશું બદલાશે એવી વિશેષ અપેક્ષા રહી નહોતી પણ એ બધાની વચ્ચે પીડાં વ્યક્ત કરતો આ પત્ર અમારી આશા ફરી જન્માવે છે. આ જાણ્યા પછી જો સરકાર ખરેખર સંવેદનશીલ અને મક્કમ હશે તો વર્ષોથી જડ પડીને બેઠેલી સિસ્ટમને હલાવીને ચેતનાથી તરવરતા બાળકો માટે કશુંક કરશે અને એ કંઈક આ વિસ્તારોની પીડા દુર કરશે. 


છેલ્લે આખા પ્રદેશ અને રાજ્યના નાગરીકો માટે સર્વેશ્વર દયાલ સક્સેનાની કવિતા સમર્પીત


यदि तुम्हारे घर के

एक कमरे में आग लगी हो

तो क्या तुम

दूसरे कमरे में सो सकते हो?

यदि तुम्हारे घर के एक कमरे में

लाशें सड़ रहीं हों

तो क्या तुम

दूसरे कमरे में प्रार्थना कर सकते हो?

यदि हाँ

तो मुझे तुम से

कुछ नहीं कहना है।


જો તમને આ બાળકોની સ્થિતિથી કોઈ ફરક જ નથી પડતો તો મારે તમને કશું જ નથી કહેવું


(દેવાંશી જોષી, જમાવટ)



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.