સમઢીયાળા‌ ડબલ મર્ડર કેસમાં SITને મળી મોટી સફળતા, 5 આરોપીઓ ઝડપાયા, FSLની પણ મદદ લેવાશે


  • Published By :
  • Published Date : 2023-07-16 17:30:40

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢીયાળા ગામે જમીન વિવાદમાં જુથ અથડામણમાં એક જ પરિવારના બે લોકોની હત્યા કરી નાખવામાં આવી હતી. જમીન વિવાદમાં થયેલા ડબલ મર્ડર કેસની તપાસમાં  સીટની રચના કરવામાં આવી હતી. રાજકોટ સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) દ્વારા ચુડા તાલુકાના સમઢીયાળા‌ ગામે થયેલ ડબલ મર્ડરના આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. હત્યા નીપજાવનાર આરોપીઓ પૈકી 5 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેસમાં મજબુત પુરાવા એકઠા કરવા સ્પેશિયલ FSLની ટીમની મદદ લેવામાં આવશે.


આ 5 આરોપીઓની ધરપકડ


જામનગર પોલીસ વડા પ્રેમસુખ ડેલુના અધ્યક્ષસ્થાન હેઠળની સીટની ટીમ દ્વારા હાલ પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં અમરાભાઈ હરસુરભાઈ ખાચર,  જીલુભાઈ ઉર્ફે ઘુધાભાઈ  અમરાભાઈ ખાચર, મંગળુભાઈ અમરાભાઈ ખાચર, ભીખુભાઈ ભોજભાઈ ખાચર અને રણજીતભાઇ ઉર્ફે ભાણભાઈ વેળાભાઇ ભાંભળાને ઝડપી લઇ વધુ પુછપરછ હાથ ધરી છે. આ ચકચારી ડબલ મર્ડરમાં મૃતક બન્ને આધેડની લાશ અંદાજે 40 કલાક બાદ સ્વીકારવામાં આવી હતી અને આ બનાવના સમગ્ર ગુજરાતમાં પડઘા પડ્યા હતાં ત્યારે આ મામલે સીટ દ્વારા હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.


FSLની સ્પેશિયલ ટીમની મદદ કેમ લેવાઈ?


સમઢીયાળા ડબલ મર્ડર કેસમાં આરોપીને કડક સજા થાય તે માટે મજબુત પુરાવાઓ એકઠા કરવા FSLની સ્પેશિયલ ટીમની મદદ લેવામાં આવશે. તેમજ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની પણ નિમણૂંક કરવામાં આવશે. આ ડબલ મર્ડરમાં પોલીસ ફરીયાદમાં 10થી વધુ અજાણ્યા માણસોનો પણ ઉલ્લેખ છે. ત્યારે તે અજાણ્યા આરોપીઓ કોણ છે તેની ઓળખ મેળવવા સીટની ટીમ દ્વારા હાલ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે અને રિમાન્ડમાં પૂછપરછ બાદ જે અન્ય આરોપીના નામ ખુલશે તે તેમને ઝડપી લેવા માટે પણ પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી ઝડપથી આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરાશે.


સમગ્ર મામલો શું છે?

 

હાલ અમદાવાદ ખાતે રહેતા અને મૂળ ચુડા તાલુકાના સમઢિયાળા ગામના પરમાર પરિવાર પોતાના ગામ સમઢિયાળા આવ્યો હતો અને સમઢિયાળાથી કોરડા તરફ જતા રસ્તા પર આવેલ વડીલોપાર્જીત વાડીમાં ગયા હતા. તે દરમિયાન અંદાજે 20 જેટલા શખ્શોએ જમીન બાબતનું મનદુઃખ રાખી ધારિયા અને લાકડીઓ વડે એક સંપ થઈ હુમલો કર્યો હતો. જેમાં એક જ પરિવારના મનોજભાઈ પ્રેમજીભાઈ પરમાર, આલજીભાઇ પ્રેમજીભાઈ પરમાર, દલાભાઈ પ્રેમજીભાઈ પરમાર, કાંતાબેન આલજીભાઈ પરમાર અને નંદિનીબેન મનોજભાઈ પરમાર સહિત 5 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા  ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સની મદદથી ત્રણ એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બે સગાભાઈઓ આલજીભાઈ પરમાર અને મનોજભાઈ પરમારનું મોત નિપજતા જૂથ અથડામણનો બનાવ હત્યામાં પરિણમ્યો હતો. આ બનાવની જાણ ચુડા પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. 


બે PSIને સસ્પેન્ડ કરાયા હતા


સુરેન્દ્રનગરમાં ચુડા તાલુકામાં આવેલા સમઢીયાળા ખાતે જમીનના ડખામાં જૂથ અથડામણની ઘટના બની હતી. જેમાં બે સગા ભાઈઓના મોત નિપજ્યા છે. જેને લઈને મામલો વધુ તંગ બન્યો હતો. આ મામલામાં રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવે તાત્કાલીક બેઠક કરી સમીક્ષા બાદ પગલા લીધા હતા. જેમાં કેસની તપાસ માટે SITની રચના કરી હતી અને સ્પેશ્યલ વકીલની નિમણૂક કરી હતી. ઉપરાંત ફરજ પર બેદરકારી દાખવનારા ચુડા તત્કાલીન PSI જે બી મીઠાપરા અને હાલના મહિલા PSI  ટી જે ગોહિલને સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કર્યો હતો.



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.