સેલવાસમાં અંધશ્રદ્ધાના કારણે માસુમનો ભોગ લેવાયો, 9 વર્ષીય ચૈતાની બલી ચઢાવાઈ


  • Published By :
  • Published Date : 2023-01-11 17:20:41

વાપીના કરવડ ગામ નજીક દમણગંગા નહેરમાંથી એક નાના બાળકનું ધડ મળી આવવા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. બાળકનું ધડ મળી આવ્યા બાદ સેલવાસ અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી સંયુક્ત તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસ બાદ સત્ય બહાર આવ્યું છે, સેલવાસ પોલીસે બાળકના મોત અંગે ખુલાસો કરતા જણાવ્યું છે કે મૃતક બાળકનું નામ ચૈતા કોહલા છે અને તે બાળક દાદરા નગર હવેલીના સાયલી ગામનું છે. અંધશ્રધ્ધામાં ભાન ભૂલેલા 3 લોકોએ 9 વર્ષીય ચૈતાનું અપહરણ કર્યા બાદ તેની બલી ચઢાવી દીધી હતી. સેલવાસ પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. નર બલી ચઢાવવામાં આવી હોવાનો પર્દાફાશ થતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. 


અંધશ્રધ્ધામાં માસૂમનો ભોગ લેવાયો


બાળકનું ધડ મળી આવ્યા બાદ સેલવાસ અનેસંઘપ્રદેશ દાદરા નગર હવેલી મામલાની ઉંડી તપાસ હાથ ધરી હતી. પોલીસે હત્યાના કારણો અંગે તપાસ કરી તો પોલીસને પણ જબરદસ્ત આંચકો લાગ્યો હતો. નવ વર્ષના માસુમ ચૈતાનું પૈસાનો વરસાદ કરાવવા અને અસીમ શક્તિ મેળવવા માટે અપહરણ કરવામાં આવ્યું હોવાનો પોલીસે ખુલાસો કર્યો છે. અંધશ્રધ્ધામાં અંધ બનેલા સગીર આરોપીને મેલી વિદ્યા કરાવવામાં રમેશ અને શૈલેષ નામના અન્ય બે આરોપીઓની મદદ મળી હતી. આરોપી રમેશને પૈસાદાર થવું હતું આથી તેણે પૈસાનો વરસાદ કરાવવાની મેલી વિદ્યા કરવા માટે તેના મિત્ર શૈલેષને વાત કરી હતી. આથી આરોપી શૈલેષએ સાયલીમાં એક ચિકન શોપમાં ખાટકીનું કામ કરતા સગીર આરોપીનો સંપર્ક કરી અને મેલી વિદ્યા કરવાનું પ્લાનિંગ કર્યું હતું. સગીર આરોપીએ સૌપ્રથમ 9 વર્ષીય ચૈતાનું અપહરણ કર્યું હતું. ત્યાર બાદ તેના પર મેલી વિદ્યા કરી તેની હત્યા કરી નર બલી ચડાવી હતી. આ મામલામાં સગીર આરોપીને આવી મેલી વિદ્યા કરી અને અસીમ શક્તિશાળી બનવું હતું. આથી તેણે માસુમ ચૈતાની નર બલી ચડાવી અને તેનો ભોગ લીધો હોવાનું બહાર આવ્યું છે. પોલીસને મળેલી વિગત પ્રમાણે મેલી વિદ્યા માટે બાળકની બલી ચઢાવનારા સગીરનો પરિવાર પણ આ પ્રકારની પ્રવૃતીઓમાં અગાઉ સામેલ રહ્યો છે. 


શું હતી સમગ્ર ઘટના?


વાપીના કરવડ નજીકથી પસાર થતી દમણ ગંગા નહેરમાંથી ગત 31 મી ડિસેમ્બર ના રોજ એક બાળકનો ક્ષત વિક્ષત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બાળકની હત્યા થઈ છે તે પ્રથમ દ્રષ્ટિએ ધ્યાને આવ્યુ હતું પરંતુ આ બાળક કોણ છે તે મામલે તપાસ હાથ ધરાઇ હતી. સેલવાસ પોલીસે ગુમ થયેલ બાળકોનો ડેટા ચકાસતા ખુલાસો થયો છે કે ગત 29 ડિસેમ્બર 2022ના રોજ દાદરા નગર હવેલીના સાયલી ગામે કોહલા પરિવારે પોતાના 9 વર્ષીય ચૈતાની ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. આંગણામાં રમી રહેલ 9 વર્ષીય ચૈતા ગુમ થતા પરિવારે ગામ અને સીમમાં તપાસ કરતા ચૈતા મળ્યો ન હતો. જેથી પરિવાર ચિંતામાં મુકાયો હતો અને પરિવારે પોલીસ ફરિયાદ પણ કરી હતી.


ફરિયાદ નોંધાયા બાદ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની પોલીસ સક્રિય બની હતી, પોલીસે સાયલીના સ્મશાન નજીકથી પણ એક બાળકનું પગ અને માથું મળી આવ્યું હતું. જેથી સાયલીના કોહલા પરિવારે ડેડબોડીના હાથ પર બાંધવામાં આવેલ દોરાના આધારે તેમજ કદ કાઠી જોઈને પરિવારે વાપીમાંથી મળી આવેલ મૃતક બાળક ઓળખ કરી હતી. સમગ્ર મામલાની ઉંડી તપાસ બાદ પોલીસ એ નિષ્કર્ષ પર પહોંચી છે કે બાળકનું અપહરણ બલી ચઢાવવા માટે થયું હતું. આખી વિગત જાણ્યા બાદ બાળકના પરિવારની સાથે-સાથે પોલીસને પણ જબરદસ્ત આંચકો લાગ્યો હતો. 


ત્રણેય આરોપીઓનું શું થયું?


માસુમની બલી ચઢાવવાનો જઘન્ય અપરાધ કરાનારા ત્રણેય આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. સગીર આરોપીને સુરતના બાળ સંરક્ષમ ગૃહમાં મોકલી આપવામાં આવ્યો છે. મેલી વિદ્યામાં સામેલ અન્ય બે આરોપીઓને સેલવાસ પોલીસે કસ્ટડીમાં લીધા છે. ત્રણ આરોપીઓની ધરપકડ કર્યા બાદ સેલવાસ પોલીસે તપાસનો દૌર લંબાવ્યો છે. આ મામલે હજુ વધુ સત્ય બહાર આવે તથા વધુ અન્ય લોકોની ધરપકડ થાય તેવી શક્યતા છે. 9 વર્ષીય ચૈતાના પરિવારે ચૈતાના હત્યારાઓને ફાંસી થાય તેવી માંગ કરી છે. 



દેશમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન યોજાયું હતું. 102 બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં થયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.

સાબરકાંઠા લોકસભા બેઠક પર અપક્ષ તરીકે ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવારને બદલ્યા હતા. હવે સાબરકાંઠાના ઉમેદરવાર શોભનાબેન બારૈયાને આપી છે.

ગુજરાતમાં ફરી એક વખત પેપરલીકની ઘટના બની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થયું હોવાનો દાવો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો.

ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા થતી હોય છે. ચૈતર વસાવા અને મનસુખ વસાવા આ બેઠકના ઉમેદવાર છે જ્યારે છોટુ વસાવાની પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવાએ પણ ઉમેદવારી નોંધાવી છે. ત્રિ પાંખીયો જંગ જામવાનો છે.