ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માગ સાથે ગઈકાલે ટેટ ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગરના રસ્તા પર ઉતર્યા હતા. ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે, અનેક શાળાઓ એવી છે જે માત્ર એક શિક્ષકના આધાર પર ચાલે છે. શિક્ષકો નથી હોતા જેને કારણે વિદ્યાર્થીઓ ભણી નથી શકતા. શાળામાં વિદ્યાર્થીઓ તો હોય છે પરંતુ શિક્ષકો નથી હોતા જેને કારણે દેશના ભાવિનું ભવિષ્ય ખતરામાં દેખાય છે. ગાંધીનગર આંદોલન કરવા આવેલા ઉમેદવારો સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યું પોલીસ દ્વારા તેને લઈ અનેક સવાલો થાય.
પોલીસ કેમ આ લોકો વિરૂદ્ધ પગલા નથી લેતી?
આંદોલન કરી રહેલા ઉમેદવારોને જે રીતે પોલીસે ઘસેડ્યા છે તે દ્રશ્ય જોયા બાદ લાગે કે પોલીસની અંદર રહેલી માનવતા મરી પરવારી છે. એવું લાગે કે જ્યાં પોલીસે પોતાની તાકાત બતાવાની છે, જ્યાં હિંમત દેખાડવાની છે ત્યાં પોલીસ નથી દેખાડતી. દારૂનો અડ્ડો ચલાવતા બુટલેગરો સામે હિંમત નથી દેખાડતી. ભ્રષ્ટાચાર આચરનાર કોઈ મોટા માથા સામે હિંમત નથી દેખાડતી. જ્યારે બુટલેગરો પોલીસને મારે ત્યારે હિંમત નથી દેખાડતી. પરંતુ શાંતિથી પ્રદર્શન કરવા આવેલા, પોતાના હક માટે આવેલા યુવાનો સામે હિંમત દેખાડે છે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કરી આ ટ્વિટ
ટેટ ટાટ પાસ ઉમેદવારો સાથે થયેલા વર્તનને લઈ વિપક્ષે સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ તેમજ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી દ્વારા તેમજ અનેક નેતાઓ દ્વારા આ વાતને લઈ પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે સરકાર પર સવાલ કર્યા છે. શક્તિસિંહ ગોહિલે અનેક ટ્વિટ કરી છે આને લઈ. એક ટ્વિટમાં તેમણે લખ્યું છે કે गुजरात के गांधीनगर में आज शिक्षक अपनी बात सरकार के पास रखने जा रहे थे, उनके साथ देखो कैसा व्यवहार किया गया ? एक बेटी को पुरुष पुलिस रॉड पर घिसड़कर ले जा रहे है । क्या लोकतंत्र में अधिकार की आवाज़ उठाना अपराध है ? या गुजराती मतदाताओं ने बीजेपी को बड़ा किया इसका इनाम है ? તે સિવાય તેમણે પીએમ મોદીને પણ સવાલ પૂછ્યો છે.
જિગ્નેશ મેવાણી પહોંચ્યા હતા આંદોલન સ્થળ પર..
તો ઈસુદાન ગઢવીએ લખ્યું કે છેલ્લા દોઢ વર્ષથી TET TAT પાસ ઉમેદવારો પોતાના હક માટે સરકાર સામે માંગ કરી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે, પ્રદર્શન કરી રહ્યા છે છતાં પણ ભાજપ સરકાર કાયમી ભરતી કરવાને બદલે યુવાઓ સાથે જ રાક્ષસી વર્તન કરી રહી છે. ભાજપ સરકાર તાત્કાલિક ધોરણે કાયમી ભરતી કરે તેવી AAPની માંગ છે. મહત્વનું છે કે ગઈકાલે જ્યારે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા હતા ત્યારે તેમના સમર્થનમાં કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આવ્યા હતા. તે સિવાય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા પણ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ કરી હતી. ત્યારે જોવું રહ્યું કે શું ગુજરાત સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે છે કે નહીં..