સુપ્રીમ કોર્ટે આજે એક કેસની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટે ભાજપ શાસિત રાજ્યો સામે કડક વલણ અપનાવવામાં નિષ્ફળ રહેવા બદલ કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી. પૂર્વોત્તર રાજ્ય નાગાલેન્ડમાં અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર સામે કડક ટિપ્પણી કરી હતી. નાગાલેન્ડમાં મહિલા અનામત સંબંધિત કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે રાજ્યમાં મહિલાઓ માટે અનામત કેમ લાગુ કરવામાં આવી નથી? સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું કે, તમે તમારા જ પક્ષની રાજ્ય સરકારો સામે પગલાં કેમ નથી લેતા?
સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કર્યા આકરા સવાલ
સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું- તમે અન્ય રાજ્ય સરકારો સામે કડક વલણ અપનાવો છો જે તમારા માટે જવાબદેહ નથી, પરંતુ જ્યાં તમારી પાર્ટી સત્તામાં છે ત્યાં તમે કંઈ કરતા નથી. સુપ્રીમ કોર્ટે નાગાલેન્ડની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં મહિલાઓ માટે 33% અનામતનો અમલ ન કરવા બદલ કેન્દ્ર અને રાજ્ય સરકારને ફટકાર લગાવી હતી. કોર્ટે ખૂબ જ કડક શબ્દોમાં કહ્યું હતું કે 'નાગાલેન્ડની વિશેષ સ્થિતિના બહાને કેન્દ્રીય જોગવાઈના અમલને ટાળી શકાય નહીં'.
નાગાલેન્ડે નાગરિક ચૂંટણીઓ રદ કરી હતી
નાગાલેન્ડ વિધાનસભાએ આદિવાસી અને સામાજિક સંગઠનોના દબાણ પછી મ્યુનિસિપલ એક્ટને રદ કરવાનો ઠરાવ પસાર કર્યો હતો અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ન કરાવવાનો ઠરાવ કર્યો હતો. સ્થાનિક નાગા આદિવાસી જૂથોનું કહેવું છે કે મહિલાઓ માટે 33% અનામત બંધારણની કલમ 371(A)નું ઉલ્લંઘન છે, જે નાગાલેન્ડને વિશેષ દરજ્જો આપે છે અને તેની આદિવાસી સંસ્કૃતિ સાથે ચેડા કરી શકાય નહીં. અત્રે ઉલ્લેખનિય છે કે, દેશના અન્ય તમામ રાજ્યોમાં, ભારતના બંધારણની કલમ 243 (T) હેઠળ, મહિલાઓને નાગરિક ચૂંટણીઓમાં 33 ટકા અનામત છે, પરંતુ નાગાલેન્ડમાં મહિલાઓને 33 ટકા અનામત આપવાનો કાયદો હજુ સુધી લાગુ કરવામાં આવ્યો નથી.






.jpg)








