તમિલનાડુએ "₹"ના સિમ્બોલને બદલતા , દક્ષિણ ભારતની રાજનીતિમાં ગરમાવો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-14 11:58:20

"નવા સીમાંકન " અને "ત્રિભાષા" વિવાદ વચ્ચે હવે તમિલનાડુએ "₹" નો સિમ્બોલ બદલવાની જાહેરાત કરી છે . આ જાહેરાત તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે સ્તાલિને બજેટ દરમ્યાન કરી હતી .  "₹" નો સિમ્બોલ ચેન્જ કરીને તમિલ શબ્દ "રુબાઈનો" પેહલો અક્ષર રૂ. "ரூ" લેવામાં આવ્યો છે . આ બતાવે છે કે તમિલનાડુ સરકાર  હિંદીનો વિરોધ કરતા કરતા છેક રૂપિયા સુધી પહોંચી ચુકી છે . 

હાલમાં રૂપિયાનો સિમ્બોલ છે  તે દેવનાગરી લિપિનો "₹" જેની ઉપર રેખા ખેંચાયેલી છે તે છે.  હવે તમિલનાડુ સરકારે તમિલ લિપિના અક્ષર રૂ "ரூ" ને રૂપિયાના સિમ્બોલ તરીકે પસંદ કર્યો છે . આ કરવા પાછળનું કારણ આપતા તમિલનાડુ સરકારે કહ્યું છે કે , તમિલ ભાષાને બચાવવા માટે અને તેનો ફેલાવો કરવા માટે આ પગલું લેવાયું છે . તમિલ ભાષામાં રૂપિયાને "રુબિયા" તરીકે લખવામાં આવે છે , તેમણે તેનો પેહલો અક્ષર રૂ સિમ્બોલ તરીકે "ரூ" લીધો છે . આ પેહલીવાર છે કે , કોઈ પણ રાજ્ય સરકારે આ રીતે "રૂપિયાનો" સંકેત બદલવાની જાહેરાત કરી છે . તમિલનાડું સરકારે આ જાહેરાત ૨૦૨૫-૨૦૨૬ના બજેટ દરમ્યાન કરી હતી . તમિલનાડુના મુખ્યમંત્રી એમ . કે સ્તાલિને પ્લેટફોર્મ X પર આ વિશે એક ટ્વીટ કરીને જાણકારી આપી હતી જેમાં તેમણે લખ્યું છે , "તમિલનાડુના વ્યાપક વિકાસ અને સમાજના બધા જ સ્તરનો વિકાસ કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે . "  રૂપિયાનો સિમ્બોલ બદલવાનું એક બીજું ગર્ભિત કારણ એ પણ છે કે , આવતા વર્ષે ૨૦૨૬માં તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓ છે , તમિલનાડુ સરકાર "હિન્દી" Vs "તમિલ" કરી તમિલ અસ્મિતા પર રાજનીતિ કરવા માંગે છે . 

વાત કરીએ હાલના રૂપિયાના સિમ્બોલની "₹" તો તેને એક તમિલ વ્યક્તિ દ્વારા જ ડિઝાઇન કરવામાં આવ્યો છે જેમનું નામ છે ઉદય કુમાર ધર્મલિંગમ છે. તેમના પિતા એન. ધર્મલિંગમ તમિલનાડુના સત્તારૂઢ પક્ષ દ્રવિડ મુનેત્ર કઝગમના ધારાસભ્ય પણ રહી ચુક્યા છે .  તમિલનાડુ સરકારના આ નિર્ણયને લઇને રાજનીતિમાં પણ ગરમાવો આવી ગયો છે . ત્યાંના ભારતીય જનતા પક્ષના પ્રદેશપ્રમુખ કે.અન્નામલાઈએ પ્લેટફોર્મ X પર પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે , "તમિલનાડુ આયોજન પંચના વાઇસ ચેરપરસને આ રૂપિયાનો સિમ્બોલ બદલતા કહ્યું છે કે , આ દેવનાગરી લિપિનો હતો એટલે તેને બદલી નખાયો છે . તમિલનાડુના મુખ્યમંત્રી આવા ચમચાઓથી ઘેરાયેલા છે . આ બધું માત્ર એટલે કરવામાં આવે છે કેમ કે જેનાથી સરકારની બિન - કાર્યક્ષમતા છુપાવી શકાય . છેલ્લા ચાર વર્ષના ડીએમકે શાસનની આ હકીકત છે . મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પિતાએ જેને સમર્થન આપ્યું  દીકરો હવે તેને અસ્વીકાર કરે છે . "

તમિલનાડુમાં સત્તારૂઢ પક્ષ ડીએમકે ને એક ડર બીજેપીનો પણ છે કેમ કે , તેમનો ફેલાવો દક્ષિણના રાજ્યોમાં ઝડપથી થઈ રહ્યો છે . ગયા વર્ષે થયેલી લોકસભાની ચૂંટણીઓમાં બીજેપીનો તમિલનાડુમાં વોટશેર ૧૧ ટકા રહ્યો હતો જયારે તેના પાડોશી રાજ્ય કેરળમાં બીજેપીને ૧ સીટ ૧૬ ટકા વોટશેર સાથે ફાળે ગઈ છે .  

તમિલનાડુના આ નિર્ણયથી બિહાર રાજ્યની રાજનીતિમાં પણ ગરમાવો આવી ગયો છે કેમ કે , આ વર્ષના અંતમાં ત્યાં ચૂંટણી છે , દક્ષિણમાં ભાષાનો જેટલો વિવાદ થશે ભાજપ તેનો બિહારમાં ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે . આ પેહલા રાજદના નેતા તેજસ્વી યાદવની ચેન્નાઇ યાત્રાને ભાજપ મુદ્દો બનાવી ચુકી છે . હમણાંજ થોડા સમય પેહલા બિહારમાં નવા પક્ષ જન સુરાજના નેતા પ્રશાંત કિશોર પણ ચેન્નાઇ જઈને આવ્યા છે . તો હવે જોવાનું એ છે કે "હિન્દી"ની વિરુદ્ધમાં "તમિલ" પર રાજનીતિ ક્યાં સુધી થતી રહે છે. 




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.