શિક્ષક બનવાના સપના અનેક આંખોએ જોયા છે. શિક્ષક બની વિદ્યાર્થીઓને આગળ વધારવાના સપના હજારો લોકોએ જોયા છે. ટેટ ટાટ પાસ ઉમેદવારોએ ઘણી મહેનત કરી હોય છે શિક્ષક બનવા માટે. વર્ષો સુધી પોતાના સપના જોયા હશે કે , મહેનત પણ કરી હોય કે એ આશા સાથે કે તેમને કાયમી નોકરી મળી જશે. પરંતુ આટલી મહેનત કર્યા બાદ પણ તેમના સપના કરાર આધારીત ભરતી પર આવીને અટકી જાય છે. ટેટ ટાટ પાસ ઉમેદવારોએ અનેક વખત રજૂઆત કરી પરંતુ તેમનો અવાજ સાંભળવામાં નથી આવતો. ત્યારે ટેટ ટાટ પાસ ઉમેદવારો પોતાની રજૂઆત કરવા દેવુસિંહ ચૌહાણની સભામાં પહોંચ્યા હતા.
અલગ અલગ માધ્યમોથી ટેટ ટાટ પાસ ઉમેદવારોએ કરી છે રજૂઆત
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવારો માગ કરી રહ્યા છે કે ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ છેલ્લા ઘણા સમયથી ઉમેદવારો કરી રહ્યા હતા. કરાર આધારિત અંતર્ગત જો શિક્ષકની નોકરી મળે છે તો 11 મહિના બાદ તમારો કરાર પૂર્ણ થઈ જશે અને તમે પાછા બેરોજગાર થઈ જશો.. ઉમેદવારોનું કહેવું હતું કે જે શિક્ષકોનું પોતાનું ભવિષ્ય કાયમ નથી, તે શિક્ષકો કેવી રીતે બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે? સરકાર સુધી અનેક વખત રજૂઆત કરી કે તેમનો અવાજ સરકાર સુધી પહોંચે, અલગ અલગ માધ્યમો અપનાવ્યા પરંતુ સરકાર સુધી તેમનો અવાજ નથી પહોંચતો.
સોશિયલ મીડિયા પર ઉમેદવારોએ ચલાવી હતી ઝુંબેશ!
ગાંધીનગર ખાતે પણ વિરોધ કરવા માટે ઉમેદવારો ભેગા થયા હતા અનેક વખત. પરંતુ જ્યારે જ્યારે ઉમેદવારો ભેગા થતા હતા ત્યારે ત્યારે તેમની અટકાયત કરી લેવામાં આવતી અને તેમના અવાજને દબાવી દેવામાં આવતો. તે ઉપરાંત અનેક પ્રકારે વિરોધ દર્શાવવાનો પણ પ્રયત્ન કર્યો છે. સોશિયલ મીડિયાના માધ્યથી અનેક વખત ઝુંબેશ ચલાવી છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. સરકાર તેમની વાત પર મક્કમ છે તો ઉમેદવારો પોતાની માગ પર મક્કમ છે.
દેવુસિંહ ચૌહાણને કરી રજૂઆત ટેટ ટાટ પાસ ઉમેદવારોએ
ત્યારે ઉમેદવારોએ ખેડા જિલ્લાના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણને આ અંગે રજૂઆત કરી હતી. સભાને સંબોધતા હતા ત્યારે ઉમેદવારો ત્યાં પહોંચ્યા અને તેમણે પોતાના વાતની રજૂઆત કરી. વાત પરથી એવું લાગતું હતું કે જાણે નેતાને ઉમેદવારોની વાતને સાંભળવી જ નથી!