ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલીઓ છે જે ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે છેડાયેલો વિવાદ શાંત થયો ત્યાં તો બીજા ઉમેદવારને લઈ વિરોધ છેડાઈ ગયો છે... ગુજરાતની 26 બેઠકો માટે ભાજપ દ્વારા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી ગઈ છે. બે બેઠકો માટે ભાજપે ઉમેદવાર બદલ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઈતિહાસમાં કદાચ આ પહેલી ઘટના હતી. સાબરકાંઠાના ઉમેદવારને બદલવામાં આવતા ભાજપના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે. હિંમતનગર ભાજપ કાર્યાલયનો તેમણે ઘેરાવો કર્યો હતો. તેમની માગ છે કે સાબરકાંઠામાંથી જાહેર કરવામાં આવેલા આયાતી ઉમેદવારને બદલવામાં આવે...
સાબરકાંઠામાં થઈ રહ્યો છે ઉમેદવારનો વિરોધ
ગુજરાતમાં ભાજપને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતની અનેક લોકસભા બેઠકો એવી છે જ્યાં જાહેર કરવામાં આવેલા ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે. ઉમેદવારોના નામની જાહેરાત બાદ વિરોધનો વંટોળ વધી ગયો છે. રાજકોટ લોકસભા બેઠક પર પરષોત્તમ રૂપાલાને ભાજપે ટિકીટ આપી. ક્ષત્રિય સમાજને લઈ તેમના દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજ તેમનો વિરોધ કરી રહ્યા છે. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી તેમની માગ છે. આ વિરોધ હજી શાંત નથી થયો ત્યાં સાબરકાંઠામાં ભાજપના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ પહેલા ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા હતા. પરંતુ તે બાદ ભાજપ દ્વારા ઉમેદવાર બદલવામાં આવ્યા અને શોભનાબેન બારૈયાને ટિકીટ આપવામાં આવી. શોભનાબેન બારૈયાનો વિરોધ કાર્યકર્તાઓ કરી રહ્યા છે.
આ બે બેઠકો પર ભાજપે બદલ્યા ઉમેદવાર
વડોદરા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ રંજન ભટ્ટને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા હતા અને સાબરકાંઠા પરથી ભીખાજી ઠાકોરને. પરંતુ આ બેઠકોના ઉમેદવારોએ સોશિયલ મીડિયા પર એક બાદ એક આ બંને ઉમેદવારોએ ચૂંટણી ના લડવાની વાત કરી. તે બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોને બદલવામાં આવ્યા. વડોદરા બેઠક પર હેમાંગ જોશીને જ્યારે સાબરકાંઠા બેઠક પર શોભનાબેન બારૈયાને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા.
ઉમેદવાર બદલવાની કાર્યકર્તાઓ કરી રહ્યા છે માગ
સાબરકાંઠા બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત થયા બાદ કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. ઉમેદવારનો વિરોધ કરી રહ્યા છે. આ બધા વચ્ચે હિંમતનગર જિલ્લા કાર્યાલય પહોંચ્યા હતા અને ઉમેદવારનો વિરોધ કર્યો હતો. કાર્યકર્તાઓ દ્વારા પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યા છે. આયાતી ઉમેદવારને બદલવાની માગ સાથે પોસ્ટ કાર્ડ બહાર પાડવામાં આવ્યા છે. સૂત્રોચ્ચાર કર્યા હતા અને ઉમેદવાર બદલવાની માગ કરી હતી. મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉમેદવારોનો આવો વિરોધ કરશે તેવું કદાચ ભાજપે સપનામાં નહીં વિચાર્યું હોય...!   
 
                            
                            






.jpg)









 
 
                                     
 
                                     
 
                                    