ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.
એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના નવા નિયામક મંડળની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના સહકારી માળખામાં સૌથી મોટી સંસ્થા એવી બનાસ ડેરીની આ ચૂંટણીને લઈને સમગ્ર સહકારી ક્ષેત્રમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. આ ચૂંટણીમાં નવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની પસંદગી કરવામાં આવશે, જે આગામી પાંચ વર્ષ માટે ડેરીનું સંચાલન કરશે. વાત કરીએ , બનાસ ડેરીના ચૂંટણી કાર્યક્રમની તો , ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. ૧૦મી ઓક્ટોબરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ૧૧મી ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. ઉમેદવારો ૨૨ સપ્ટેમ્બર સુધી પોતાના ઉમેદવારી ફોર્મ ભરી શકશે. ૨૯મી સપ્ટેમ્બર સુધીમાં પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની તક આપવામાં આવશે.
હાલમાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ છે. ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાશે. બનાસ ડેરીની ચૂંટણી હંમેશાથી ખેડૂતો અને પશુપાલકો માટે એક મહત્વપૂર્ણ ઘટના રહી છે. આ ચૂંટણીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ ડેરીના વિકાસ અને નીતિ-નિર્ધારણમાં સીધો ભાગ ભજવે છે. આ વર્ષની ચૂંટણી પણ ભારે ઉત્સાહ અને રસપ્રદ બનવાની શક્યતા છે.આ ચૂંટણીનું પરિણામ બનાસકાંઠા જિલ્લાના હજારો પશુપાલકો અને ખેડૂતોના ભવિષ્યને સીધી રીતે અસર કરશે. હાલમાં જ બનાસ ડેરીએ તેની 57મી વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકો માટે 2,909.08 કરોડના ઐતિહાસિક ભાવફેરની જાહેરાત કરી હતી, જેમાંથી 2,131.68 કરોડ ડેરી દ્વારા સીધા ચૂકવાશે અને બાકીના 778.12 કરોડ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ દ્વારા ચૂકવવામાં આવશે. આ ભાવફેર ગત વર્ષના 1,973.79 કરોડની સરખામણીએ નોંધપાત્ર વધારો દર્શાવે છે.
વાત બનાસ ડેરીના ઇતિહાસની તો , સ્વ. ગલબાભાઈ પટેલ દ્વારા બનાસ ડેરીની સ્થાપના કરવામાં આવી હતી. ૧૯૬૬માં પાલનપુર અને વડગામ તાલુકાના આઠ ગામોમાં દૂધ સહકારી મંડળીઓની શરૂઆત કરીને મહેસાણાની દૂધસાગર ડેરી ખાતે મોકલવાનું શરુ કર્યું હતું. ૧૯૬૯માં બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. નું સહકારી કાયદા હેઠળ રજીસ્ટ્રેશન થયું જેને આપણે આજે બનાસ ડેરી તરીકે ઓળખીએ છીએ. ૧૯૭૧માં NDDB એટલે કે , નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા , બનાસ ડેરી પ્લાન્ટનો શિલાન્યાસ જગાણા નજીક ૧૨૨ એકર જમીનમાં કરવામાં આવ્યો. શરૂઆત થોડાક ગામની દૂધમંડળીઓ સાથે શરુ થયેલી બનાસ ડેરી હવે એશિયામાં સૌથી મોટી ડેરી બની ચુકી છે.