દેશમાં થોડા સમયથી એક મુદ્દાને લઈ ચર્ચા થઈ રહી છે તે દેશનું નામ ભારત કે ઈન્ડિયા? નવા સંસદ ભવનમાં વિશેષ સત્રની કાર્યવાહી થઈ રહી છે. આ બધા વચ્ચે લોકસભા સચિવાલય દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેમાં અંગ્રેજીમાં લખવામાં આવ્યું છે કે Parliament House of India અને હિન્દીમાં લખવામાં આવ્યું છે કે ભારતનું સંસદ ભવન. સોશિયલ મીડિયા પર આ અંગેની જાણકારી આપવામાં આવી છે.
'ભારત' નામ આમંત્રણ પત્રિકા પર લખાતા ગરમાયું હતું રાજકારણ
જી-20 સમિટના આધિકારીક ડિનરના નિમંત્રણ પત્રમાં પ્રેસિડન્ટ ઓફ ઈન્ડિયાની બદલીમાં પ્રેસિડન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું હતું. આ વાત સામે આવતા રાજકારણ ગરમાયું હતું. સત્તાધારી પાર્ટી એટલે કે ભાજપ દેશનું નામ બદલી દેવા માગે છે તેવા આક્ષેપ વિપક્ષી પાર્ટીઓ દ્વારા લગાવામાં આવ્યા હતા. ત્યારે હાલ દેશને નવું સંસદ ભવન મળ્યું છે. આ મામલે અનેક નેતાઓની પ્રતિક્રિયા પણ સામે આવી હતી. વિપક્ષી પાર્ટીના નેતાઓ કહી રહ્યા હતા કે તેમના ગઠબંધન INDIAને કારણે કેન્દ્ર સરકાર આ પગલું લઈ રહી છે. તો કોઈએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ગઠબંધનથી ડરી ગઈ છે. રાહુલ ગાંધીએ પણ આ મામલે નિવેદન આપ્યું હતું.
આમંત્રણ પત્રિકા સામે આવતા અનેક નેતાઓએ આપી હતી પ્રતિક્રિયા
કોંગ્રેસના સોશિયલ મીડિયા ચેરપર્સન સુપ્રિયા શ્રીનેતે કહ્યું હતું કે "મોદીજી, જેમનું હૃદય આ દેશ માટે ધબકે છે, તેમનો અંતરાત્મા ભારત માટે, ભારત માટે, ભારત માટે છે. તમે આ વાસ્તવિકતાને ન તો સમજી શકો છો અને ન બદલી શકો છો. કારણ કે તમે એક ડરેલા પાગલ સરમુખત્યાર સાથે વાત કરી રહ્યા છો. હવે ઘણા બાકી નથી." વધુમાં તેમણે કહ્યું કે "અમે જાણતા હતા કે તેઓ ભારતથી ડરે છે, પરંતુ તેમને એટલી નફરત છે કે તેઓ દેશનું નામ બદલવા લાગશે, આ તેમનો ડર છે. હવે સત્તા ગુમાવનાર નિષ્ફળ સરમુખત્યારનો સંઘર્ષ જોઈને દયા આવે છે." તે ઉપરાંત બિહારના ડે. સીએમ અને આરજેડી નેતા તેજસ્વી યાદવે પણ પ્રતિક્રિયા આપી હતી. "ભારત માટે વોટ કરો, મેક ઇન ઈન્ડિયા, સ્ટેન્ડ અપ ઈન્ડિયા, શાઈનિંગ ઈન્ડિયા...અહી સુધી કે આધાર અને પાસપોર્ટ પર પણ ઈન્ડિયાનો ઉલ્લેખ છે. બંધારણમાં 'વી ધ પીપલ ઓફ ઈન્ડિયા'નો ઉલ્લેખ છે."


અરવિંદ કેજરીવાલે કર્યો હતો કટાક્ષ
તે સિવાય દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે "જો અમુક પક્ષોનું ગઠબંધન ભારત બનશે તો શું તેઓ દેશનું નામ બદલી દેશે? દેશ 140 કરોડ લોકોનો છે, કોઈ પક્ષનો નથી. ધારો કે અમુક પક્ષોનું ગઠબંધન તેનું નામ ભારત રાખશે તો શું તેનું નામ બદલાશે? ભારતનું? શું તેઓ નામ બદલીને ભાજપ રાખશે? શું આ મજાક છે? ભાજપને ડર છે કે તેમના મતોની સંખ્યા ઘટી જશે, તેથી તેઓ નામ બદલી રહ્યા છે."

દેશનું નામ બદલી દેવાશે તેની થઈ રહી હતી ચર્ચા!
મહત્વનું છે કેન્દ્ર સરકારે વિશેષ સત્ર બોલાવ્યું છે. સત્રની જાહેરાત તો થઈ ગઈ પરંતુ તે સત્રમાં કયા વિષયો પર ચર્ચા થશે તેની માહિતી આપવામાં આવી ન હતી. જેને લઈ એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે આ વિશેષ સત્રમાં દેશનું નામ બદલવા માટે બિલ રજૂ થઈ શકે છે. પરંતુ આ નોટિફિકેશન બહાર આવતા સરકારે જાણે નામના વિવાદ પર પૂર્ણવિરામ મૂકી દીધો હોય તેવું લાગી રહ્યું છે.






.jpg)








