ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.
સૌપ્રથમ વાત કરીએ , કચ્છની તો જિલ્લામાં ભારે વરસાદના કારણે , GSRTCના ૧૦ રૂટ બંધ કરવામાં આવ્યા છે. જેમાં , ધોરડો - હાજીપીર , રતડીયા - ભોજાય , રાપર - રામવાવ , રામવાવ - લોધીડા , રાપર - બાલસર - વ્રજવાણી , રાપર - ધોળાવીરા , રાપર - ગેડી - ફતેહગઢ , આઘોઈ - લખપત , મેવાસા - માણાબા , રાપર - નલિયા ટિમબો આમ આ ૧૦ રૂટ બંધ રાખવામાં આવ્યા છે . આ ઉપરાંત કચ્છ જિલ્લામાં નેશનલ હાઇવે ૯૨૭ સી ( ચિત્રોડ - રાપર - બાલસર )ને જોડે છે તેને બંધ રાખવામાં આવ્યો છે. ભયંકર વરસાદને કારણે , મધ્યમ સિંચાઈ યોજનાના કુલ ૯ ડેમો સંપૂર્ણપણે ભરાઈ ગયા છે.

સાબરકાંઠા જિલ્લામાં પણ મેઘરાજાએ જબરદસ્ત બેટિંગ કરી છે . જિલ્લાના તંત્ર દ્વારા ખેડબ્રહ્મા , પોશીના અને વિજયનગર તાલુકાના તમામ આંગણવાડી કેન્દ્રો , પ્રાથમિક , માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સર્વત્ર વરસાદ નોંધાયો છે . જેમાં ચોમાસામાં અત્યારસુધીમાં ૧૪૩ ટકા વરસાદ નોંધાયો છે.

