‘બીજાના ભલામાં આપણું જ ભલું છે…!’આ જીવનસૂત્રને ચરીતાર્થ કરનારા યુગ વિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજનો આજે જન્મદિવસ


  • Published By :
  • Published Date : 2023-12-07 18:46:57

ભગવાન સ્વામિનારાયણની ગુણાતીત ગુરુપરંપરાના પાંચમા ગુરુદેવ પ્રમુખસ્વામી મહારાજનો આજે જન્મદિવસ છે. બોચાસણવાસી અક્ષરપુરષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા(BAPS)ના અક્ષર નિવાસી વિશ્વ વંદનિય સંત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દુનિયાભરમાં વિશાળ અનુયાયી વર્ગ ધરાવે છે. પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ 7 ડિસેમ્બર, 1921ના રોજ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામે થયો હતો. તેમનું બાળપણનું નામ શાંતિલાલ પટેલ હતું. તેમના પિતાનું નામ મોતીભાઈ અને માતાનું નામ દિવાળીબા હતું. બાલ્ય અવસ્થાથી જ આધ્યાત્મિક્તાના રંગેરંગાયેલા પ્રમુખ સ્વામી મહારાજ હિમાલયમાં તપસાધના કરવા માગતા હતા. જો કે બાદમાં બોચાસણવાસી અક્ષરપુરષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા(BAPS)ના સંસ્થાપક  શાસ્ત્રીજી મહારાજનાં સંપર્કમાં આવ્યા બાદ તેમનું જીવન બદલાઈ ગયું હતું, શાળાનો અભ્યાસ પુરો થયા બાદ 18 વર્ષની વયે તેમણે શાસ્ત્રીજી મહારાજના ચરણે જીવન સમર્પિત કર્યું હતું. એક દિવસ તેમના ગુરુ શાસ્ત્રીજી મહારાજની ચિઠ્ઠી મળી, જેમાં તેમણે આદેશ કર્યો કે સાધુ થવા આવી જાઓ! આ આદેશવચનોને અદ્ધર ઝીલી કશાય કોલાહલ વિના શાંતિલાલે સહજતાથી ગૃહત્યાગ કરી ગુરુહરિનાં ચરણોમાં જીવન સમર્પિત કરી દીધું. માતાપિતાએ પણ પ્રસન્નતાપૂર્વક તેઓને સાધુ થવા વિદાય આપી હતી. અમદાવાદની આમલીવાળી પોળમાં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અઢાર વર્ષીય શાંતિલાલને તા. 22-11-1939 (કાર્તિક શુક્લ 11, વિક્રમ સંવત 1996)ના રોજ પાર્ષદની દીક્ષા આપી. ત્યાર પછી સવા મહિના બાદ ગોંડલમાં તા. 11-1-1940 (પોષ સુદ એકમ, વિક્રમ સંવત 1996)ના રોજ ભાગવતી દીક્ષા આપી તેઓનું નામ નારાયણસ્વરૂપદાસ પાડ્યું. વર્ષ 1940માં તેમણે દીક્ષા લીધા બાદ તેઓ નારાયણસ્વરૂપદાસ સ્વામી બન્યા હતા. એક શાંત, અહંશૂન્ય, સરળ અને સાધુતાસભર આધ્યાત્મિક વ્યક્તિત્વ એટલે પ્રમુખસ્વામી મહારાજે ‘બીજાના સુખમાં આપણું સુખ’ અને ‘બીજાના ભલામાં આપણું ભલું’ના જીવનમંત્રને ચરીતાર્થ કર્યો હતો.  




માત્ર 28 વર્ષની વયે બન્યા BAPSના ‘પ્રમુખ’


સાધુ નારાયણસ્વરૂપદાસ માત્ર દસ જ વર્ષમાં શાસ્ત્રીજી મહારાજના હૈયાનું રત્ન બની ગયા હતા. તા. 21-5-1950ના રોજ અમદાવાદની આમલીવાળી પોળમાં શાસ્ત્રીજી મહારાજે તેઓને 28 વર્ષની નાની ઉંમરે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા અને ત્યારથી તેઓ ‘પ્રમુખસ્વામીજી’ના લાડકવાયા નામથી લોકહૃદયમાં બિરાજી ગયા હતા. સન 1971માં તેઓએ તેમના પુરોગામી ગુરુ યોગીજી મહારાજના અનુગામી તરીકે બી.એ.પી.એસ. સંસ્થાના લાખો ભક્તો-સંતોનું ગુરુપદ સંભાળ્યું અને સૌને ‘પ્રમુખસ્વામી મહારાજ’ની ભેટ મળી,  ત્યારથી તેઓ પ્રમુખસ્વામી મહારાજના લોકપ્રિય નામથી લોકલાડીલા બન્યા હતા.



17,000થી વધુ ગામડાંઓ-નગરોમાં વિચરણ


પ્રમુખસ્વામી મહારાજ જીવનભર સતત ગામોગામ ઘૂમતા રહીને લોકોના જીવન-ઉદ્ધારની તેમણે આહલેક લગાવી હતી. આંખે મોતિયો, પિત્તાશય અને ગાંઠનું ઓપરેશન, પગે વા અને હાર્ટએટેક કે હૃદયની બાયપાસ સર્જરી – આવાં કંઈક શારીરિક દર્દોને ગણકાર્યા વગર લોકસેવા માટે તેઓ સત્તર હજાર કરતાંય વધુ ગામડાં-નગરોમાં વીજળીની ત્વરાથી ઘૂમી વળ્યા હતા. દિવસ હોય કે રાત, શિયાળાની કડકડતી ઠંડી હોય કે ઉનાળાનો બળબળતો તાપ, આદિવાસીઓનું ઝૂંપડું હોય કે જ્યાં રસ્તા પણ ન પહોંચ્યા હોય તેવાં ગામડાં હોય કે શહેર હોય, દેશ હોય કે પરદેશ – તેઓની વિચરણ ભાગીરથીમાં સ્નાન કરીને અસંખ્ય મુમુક્ષુઓએ પરમ શાતાનો અનુભવ કર્યો છે. નાત-જાત કે ધર્મના ભેદભાવોથી પર રહીને પ્રમુખસ્વામી મહારાજે અઢી લાખ ઘરોમાં પધરામણી કરીને તેઓનો આધ્યાત્મિક ઉત્કર્ષ કર્યો છે. સાડા સાત લાખ કરતાંય વધુ પત્રો દ્વારા તેઓએ લોકોને તેમની દ્વિધામાંથી ઉકેલ આપ્યા છે. એટલું જ નહીં, તેઓએ લાખો લોકોની શારીરિક-પારિવારિક-સામાજિક કે અન્ય મુશ્કેલીઓમાં એક સાચા સહૃદયી સ્વજન તરીકે રસ લઈને એના ઉકેલ લાવી વિક્રમસર્જક કાર્ય કર્યું હતું.









1100થી વધુ મંદિર નિર્માણનો ગિનીસ રેકોર્ડ


પ્રમુખસ્વામી મહારાજે તેમના જીવનકાળ દરમિયાન સંસ્કૃતિના સંરક્ષણ માટે મંદિરોનાં નિર્માણ કરીને એક આગવી ભાત પાડી છે. દેશ-વિદેશમાં 1100થી વધુ પરંપરાગત ભારતીય શૈલીના ગૌરવવંતા મંદિરોનું નિર્માણ કરીને ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મનાં અજવાળાં સમગ્ર વિશ્વમાં ફેલાવ્યાં છે. પ્રમુખ સ્વામીનુ નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે. એમાંય ગાંધીનગર અને દિલ્હીમાં તેઓએ રચેલા વિશ્વની આઠમી અજાયબી સમા સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરે ભારતીય સંસ્કૃતિનું સીમાચિહ્ન બની ગયા છે. આ સિવાય લંડનમાં દોઢ એકર જમીન પર સ્થાપિત હિંદુ મંદિર જે ભારત બહાર સૌથી મોટા મંદિર હોવાનો રેકોર્ડ પણ ધરાવે છે. 2001માં ગુજરાતમાં આવેલા વિનાશક ભૂકંપ પછી વિરાટ પાયે પુનર્વસનનું વિરાટ સેવાકાર્ય. 15 ગામો-વસાહતો દત્તક લઈને તેનું નવનિર્માણ, 49 શાળાઓનું પુનર્નિમાણ, 409 ગામોમાં રાહતસામગ્રીનું વિતરણ કર્યું હતું.





95 વર્ષે થયા બ્રહ્મલીન

 

પ્રમુખ સ્વામી મહારાજ 95 વર્ષે 13 ઓગસ્ટ 2016ના રોજ  શનિવાર સાંજે છ વાગ્યે સારંગપુર ખાતે બ્રહ્મલીન થયા હતા.  છેલ્લા ઘણા સમયથી બીમાર પ્રમુખ સ્વામીની સાળંગપુર ખાતે સારવાર ચાલી રહી હતી. તેમની સારવાર કરવા માટે તબીબોની ટીમ પણ ખડપગે હતી. તેમના અક્ષરધામગમનના સમાચાર મળતા સમગ્ર વિશ્વમાં ફેલાયેલા લાખો હરિભક્તોમાં  ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી. દેશ-વિદેશના 21 લાખથી વધુ લોકોએ તેઓનાં અંતિમ દર્શનનો લાભ પ્રાપ્ત કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. તા. 17મી ઓગસ્ટના રોજ સારંગપુર ખાતે તેઓની અંત્યેષ્ટિ વિધિ કરવામાં આવી હતી. તેઓને અંજલિ અર્પતાં ભારત, અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, આફ્રિકા, આરબ દેશો સહિત સહિત અનેક દેશોના વડાઓ દ્વારા તેમજ પાર્લામેન્ટોમાં પણ પ્રાર્થનાઓ કરવામાં આવી હતી.  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી