પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા .
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ એક ખાનગી ન્યૂઝચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પહલગામના આતંકી હુમલા બાદ જે તણાવ વર્તાઈ રહ્યો છે તેની પર પ્રતિક્રિયા આપી છે. ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે ભારતીય ઉપમહાદ્વીપની વર્તમાન સ્થિતિને લઇને ચિંતા વ્યક્ત કરી છે. જયારે એક આંતરરાષ્ટ્રીય ન્યુઝ ચેનલના એન્કરે ઉપરાષ્ટ્રપતિ જે ડી વાંસને પૂછ્યું કે , " શું તમે ભારત અને પાકિસ્તાન વિશે ચિંતિત છો? " ત્યારે જે ડી વાન્સે જવાબ આપતા કહ્યું છે કે , " હું ચિંતિત છું કે બેઉ દેશો ભારત અને પાકિસ્તાન કે જે પરમાણુ સત્તા છે તેમની વચ્ચે કંઈ પણ થઈ શકે છે. અમે ભારત અને પાકિસ્તાનમાં અમારા સહયોગીઓ સાથે સતત સંપર્કમાં છીએ . સાથે જ મને આશા છે કે ભારત એ રીતે પાકિસ્તાનને જવાબ આપશે કે સ્થાનિક સ્તરે ખુબ મોટા પાયે યુદ્ધ ફાટી ના નીકળે . સાથે જ મને આશા છે કે પાકિસ્તાન પણ કંઈક અંશે જવાબદાર દેશ તરીકે ભારત સાથે તેની ધરતી પર રહેલા આંતકવાદીઓના સફાયા માટે સહયોગ કરશે. "
આમ ભારત અને પાકિસ્તાન બેઉ દેશો પ્રત્યે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ સહયોગની આશા રાખી રહ્યા છે. ૨૨મી એપ્રિલના પહલગામના આતંકી હુમલા દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પત્ની ઉષા વાન્સ ભારતની મુલાકાતે હતા . આ હુમલાના થોડાક સમય બાદ જે ડી વાન્સે પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને લખ્યું હતું કે , " ઉષા અને હું પહલગામના આતંકી હુમલાના પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ . અમે પાછલા કેટલાક દિવસથી ભારતની અને અહીંના લોકોની સુંદરતાના દર્શન કરી રહ્યા છીએ . અમારા વિચારો અને અમારી પ્રાર્થના આ આતંકી હુમલાના પીડિતોની સાથે છે. " વાત કરીએ આપણા વિદેશ પ્રધાન એસ. જયશંકરની તો તેમણે વિશ્વના વિવિધ દેશોના વિદેશ પ્રધાન સાથે વાત કરી છે. આ દેશોમાં અમેરિકા , ગુયાના , દક્ષિણ કોરિયા , UAE , કુવૈત અને અન્ય દેશોનો સમાવેશ થાય છે. હવે તો સમાચાર આવી રહ્યા છે કે , ઇરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી આવતા અઠવાડીએ ભારતની મુલાકાતે છે સાથે જ ભારતના રાજદ્વારી અધિકારીઓ હમણાં જ અફઘાનિસ્તાનની નવી તાલિબાની સરકારના પ્રતિનિધિઓને મળ્યા હતા . તમે સમજી શકો છો કે વિશ્વના ફલક પર પાકિસ્તાન તેના મોટા ભાગના પાડોશી દેશો તરફથી એકલું પડી ગયું છે.