પરીક્ષાનું પેપર ફૂટે એની વેદના શું હોય!! સતિષ મકવાણા જેવા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા અનેક યુવાનોની વ્યથા


  • Published By :
  • Published Date : 2023-01-30 09:23:06

"સ્પર્ધાત્મક પરીક્ષાનો વિદ્યાર્થી એટલે અનન્વય અલંકાર."


100 માર્ક્સના પેપર માટેનો સિલેબસ પૂરો કરવા માટે 5 વર્ષ આપી દીધા હોય એને પૂછો કે પરીક્ષાનું પેપર ફૂટે એની વેદના શું હોય.!

ઈતિહાસના ફક્ત જૂજ પ્રશ્નો માટે સિંધુ સભ્યતાથી લઈને વર્તમાનની સભ્યતા વગરની સભ્યતા વાંચવી પડે છે. હર્ષવર્ધન તો સમજ્યા એના સાળા ધ્રુવસેનના સામ્રાજ્યનેય સ્મૃતિપટ પર આલેખવું પડે છે.! પ્રેસના મુક્તિદાતા ચાર્લ્સ મેટકાફને ગર્વ સાથે યાદ કરવો પડે છે આજની પ્રેસની હાલત જોઈને.! 1947 પહેલાના ભારત અને હાલના ગ્લોબલ હંગર ઈન્ડેક્સને વાંચવાની સાથે સમજવા પડે છે તટસ્થતાથી. ભૂગોળના સીમિત પ્રશ્નો માટે ગોંડવાનાલેન્ડ અને ભૂ-તકતીના સિદ્ધાંતોથી લઈને અલ-નીનો, લા-નીના સુધીના અટપટા ટોપિક સમજવા પડે છે, કોઈકવાર ખાલી ગૂગલ તો કરજો આ સિદ્ધાંતો.

ગુજરાતી ભાષાના અમુક પ્રશ્નો માટે હેમચંદ્રાચાર્યથી લઈને રામ મોરીનો સાહિત્ય ગૌરવ પુરસ્કાર અને શામળ ભટ્ટની પદ્યવાર્તાઓથી લઈને મીરાંબાઈના વ્રજ ગુજરાતી પદોને ગોખવા પડે છે.! બેફામની ગઝલો સતત નહિ પડેલી ચીસની માફક કાનમાં ગુંજ્યા કરે છે. યમાતારાજભાનસલગા ને અલગ અલગ ટ્રિક્સ સાથે માત્રામેળ કરતા કરતા રાતોની રાતો નીકળી જાય છે.! ઈતરેતર દ્વંદ્વ અને સમુચ્ય દ્વંદ્વના ભેદ પારખતા પારખતા આસપાસની દુનિયા સાથે ભેદ પડી જાય છે તોય નજરની સામે બસ અનન્વય અલંકારની માફક પરીક્ષા પાસ કરવાની ઝંખના જ દેખાતી હોય છે ભારવાચક નિપાતની માફક.!!

મેગેસ્થનીસનો ઈન્ડિકા તો ઠીક કૃષ્ણ દ્વૈપાયનના સભાપર્વ, શાંતિપર્વ પણ શાંતિપૂર્વક યાદ રાખવા પડે છે.! મેઘદૂતના કાલિદાસ અને દર્શનશાસ્ત્રના ગૌતમ, જૈમીની, ચાર્વાકથી લઈને આચાર્ય શંકરના અદ્વૈતવાદને ઘોળીને પી જવો પડે છે.!

"અમે ભારતના લોકો.." થી શરૂ થતાં કાયદાકીય દસ્તાવેજના એક એક વાક્યને અર્થઘટન સાથે રક્તકણોની માફક નસેનસમાં પરિભ્રમણ કરાવવું પડે છે.! ડોપામાઈન હોર્મોનને લીધે લાઈફમાં આવતી હપ્પીનેસની અઢળક ક્ષણોને લાઈબ્રેરીના ચાર ખૂણામાં બેસીને ક્ષણિક સમય પૂરતી મહેસુસ કરવાની અનુભૂતિ કરી લેવાની.!

સેવ મમરાને રાષ્ટ્રીય ખોરાક સમજીને પ્રોટીનનું પાચન એમિનો એસિડમાં કઈ રીતે થતું હોય અને જઠરમાં રહેલ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ આ સેવ મમરાનું પાચન કઈ રીતે કરતું હોય છે એનું સમગ્ર એનાલિસિસ કરવું પડતું હોય છે.

સાઈકલ ચલાવતા ચલાવતા મેકમિલનનો આભાર માનતા માનતા INS વિક્રાંતના દરેક ચરણને સમજવા પડે છે. G20ના શેરપાની બેઠકોના નિર્ણયોને ગોખતા ગોખતા અમારી મિત્રો સાથેની બેઠકો વિલુપ્ત થતી જાય છે. IUCN ના રેડ લિસ્ટમાં સામેલ અતિ સંકટગ્રસ્ત પ્રજાતિની માફક અમારા મોજશોખ, તહેવારો મિત્રો વગેરે IUCNના રેડલીસ્ટમાં સામેલ કરવા પડે છે.!

એડમ સ્મિથના અર્થશાસ્ત્રથી લઈને બજેટ સેરેમનીમાં સામેલ હલવા સરેમનીના એક એક પોઇન્ટને હલવાની જેમ મગજમાં ઉતારવા પડે છે. રેપોરેટ અને રિવર્સ રેપોરેટની માયાજાળ સાથે રાજકોશીય ખાધ અને મોનિટરી પોલિસી જ અમારા માટે જીવન વીમા પોલિસી સાબિત થાય છે.!

ઈન્ટરનેટના પિતા વિન્ટ સર્ફનો આભાર કે અમારી વેદનાઓને ખુલ્લી મૂકી શકીએ છીએ.! ઋણી રહીશું માર્ટિન કૂપરના કે જેના પ્રતાપે મોબાઈલનો આવિષ્કાર થયો અને એટલીસ્ટ અમે એનો સદઉપયોગ કરીયે છીએ. તર્ક સાથે દલીલો કરી શકીએ છીએ અમને હસવું આવે છે જ્યારે અમારી મજાક ઉડાડવામાં આવે છે ત્યારે.!

લોકો પોતાને ભલે ગાલિબ સમજે પણ અમારામાં હજીયે મેઘાણી જીવંત છે. જહાંગીરના સામ્રાજ્યમાં અમે અખા ભગત ની માફક અડગ છીએ. મહારાજ લાયબેલની પાપલીલા ને જેવી રીતે કરસનદાસ મૂળજીએ ખુલ્લી પાડી હતી એવા કરસનદાસ મૂળજીની માફક સક્ષમ છીએ અમે.! આલ્ફ્રેડ પાર્કમાં આઝાદ રહેલા ચંદ્રશેખરની માફક આઝાદ છીએ અમે.! મદનલાલ ધીંગરાને પણ વાંચ્યા છે અને અશફાક ઉલ્લાખાં ને પણ વાંચ્યા છે. અમે બિસ્માર્કની રક્ત અને તલવારની નીતિથી પણ વાકેફ છીએ પણ અમે ડૉ. આંબેડકરની શિક્ષિત થવાની પોલિસીને સ્વીકારી છે.! અમે ચૂપ છીએ કેમ કે અમે ન્યુટનની ગતિના ત્રીજા નિયમને અનુસરિયે છીએ.!

1857ના સંગ્રામમાં કુંવરસિંહનો હાથ કપાયો તોય લડતા રહ્યા એમ અમારો પણ હાથ કપાશે તો કલમ દાંત વચ્ચે દબાવીને પણ અમે લખતા રહીશું.!

~સતિષ મકવાણા



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.