એક કિલો ઘઉંના ભાવમાં 19 ટકાનો વધારો, કેન્દ્ર સરકારની સંગ્રહખોરોને ચેતવણી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 13:16:07

દેશભરમાં ઘઉંનાં ભાવ આસમાને પહોંચ્યા છે. સમગ્ર દેશમાં ઘઉંનો પૂરતો જથ્થો છે તેમ છતાં પણ સટ્ટાબાજી અને સંગ્રહખોરીના કારણે ઘઉંના ભાવ વધી રહ્યાં છે. ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ સંગ્રહખોરો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષમાં એક કિલો ઘઉંના ભાવમાં 19 ટકાનો વધારો થયો છે. એક વર્ષ અગાઉ એક કીલો ઘઉંનો ભાવ 26.01 રૂપિયા હતો જે વધીને હાલમાં 31.02 રૂપિયા થઇ ગયો છે. ઘઉના લોટના ભાવમાં પણ છેલ્લા એક વર્ષમાં 18 ટકાનો વધારો થયો છે. હાલમાં એક કીલો ઘઉંના લોટનો ભાવ વધીને 36 રૂપિયા થઇ ગયો છે.


સંગ્રહખોરો તથા કાળાબજારીયોને ચેતવણી


રોલર ફલોર મિલર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાની વાર્ષિક સામાન્ય સભાને સંબોધતા ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ કહ્યું હતું કે, કેન્દ્ર પાસે એફસીઆઈના ગોદામમાં 2.40 કરોડ ટન ઘઉંનો સ્ટોકસ જમાં પડયો છે.  સંગ્રહખોરી તથા કાળાબજારને રોકવા સ્ટોક લિમિટ્સ તથા ટ્રેડરોને સ્ટોકસની જાહેરાત કરવાની ફરજ પાડવા જેવા પગલાં લેતા પણ સરકાર ખચકાશે નહીં. ઘઉંના ભાવમાં વધારો થવા પાછળનું કારણ સટ્ટાકીય વેપાર હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. 


દેશમાં ઘઉંનો પુરતો જથ્થો


મિડીયા રિપોર્ટ પ્રમાણે પાંડેએ જણાવ્યું હતું કે, જુલાઈથી જુન (2021-22)ના ક્રોપ યરમાં ઘઉંનું રવી મોસમનું ઉત્પાદન 10.68 કરોડ ટન રહેવાનો સરકારે અંદાજ મૂક્યો છે. ઘઉંના ભાવ ઊંચે જશે તેવી અપેક્ષાએ ટ્રેડરો માલ પકડીને બેઠા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. 


ઘઉંનું ઉત્પાદન ઘર આંગણેની માગને પહોંચી વળવા માટે પૂરતું હોવાનું પણ પાંડેએ જણાવ્યું હતું. વર્તમાન નાણાં વર્ષમાં સરકારે અત્યારસુધી 45 લાખ ટન ઘઉંની નિકાસ કરી છે. આમાંથી 21 લાખ ટન પ્રતિબંધ મુકાયો તે પહેલા રવાના કરાયા હતા. વર્તમાન વર્ષના 13મી મેથી સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકયો છે.  ગયા નાણાં વર્ષમાં સરકારે 72 લાખ ટન ઘઉંની નિકાસ કરી હતી. ઘર આંગણે ઘઉંનો પૂરવઠો જળવાઈ રહે તે માટે સરકાર પૂરતા પગલાં લેશે. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.