અભિનેતા વિક્રમ ઠાકોર શું આમ આદમી પાર્ટીમાં જોડાશે, દિલ્હી મળવા માટે કોણે બોલાવ્યા?


  • Published By : Admin
  • Published Date : 2025-03-29 16:14:55

ગુજરાતી અભિનેતા વિક્રમ ઠાકોર છેલ્લા ઘણા સમયથી ખુબ ચર્ચામાં છે... ગુજરાતી ફિલ્મઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર શું હવે રાજનીતિમાં એન્ટ્રી કરશે. આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કેમ કે નેતાઓની ચાલ પર ચાલી રહ્યાં છે વિક્રમભાઈ. સમાજ કહેશે તેમ કરીશ તેવી વાતો સતત એમના તરફથી કરવામાં આવી. હવે તેમને દિલ્હીથી ફોન પણ આવ્યો છે. અને મળવા બોલાવ્યા છે. 

ઉત્તર ગુજરાત આખામાં કોઈપણ ગલીમાં પુછી લો વિક્રમ ઠાકોર એટલે કોણ . તો સૌ કોઈ ઓળખે એટલી ખ્યાતી અભિનેતા વિક્રમ ઠાકોર ધરાવે છે. વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કર્યા અને વિક્રમભાઈને આમંત્રણ ન મળ્યું એટલે સમાજનું નામ લઈ સમાજના કોઈપણ કલાકારને ન બોલાવ્યો એવી વાત કરી પોતાની નારાજગી વ્યક્તિ કરી. પત્રકારોએ સવાલ કર્યો કે હવે સરકાર બોલાવશે તો જશો. એટલે હા કે ના પાડવાને બદલે વિક્રમભાઈએ રાજનેતાની જેમ જવાબ આપ્યો સમાજ કહેશે તેમ કરીશ. આ અણસાર એટલી ખાતરી તો ચોક્કસથી આપી રહ્યાં હતા કે આજે નહીં તો કાલે વિક્રમભાઈ રાજનીતિમાં જવાના મૂડમાં તો જરુર છે. સરકારે સ્વીકાર કર્યો કે અચાનક કાર્યક્રમ નક્કી થયો તેમા રહી ગયુંહશે. ફરી સરકારે કાર્યક્રમ ગોઠવ્યો વિશ્વ રંગભૂમિ દિવસ પર કલાકારો, ફિલ્મી હસ્તીઓ અને સંગીતવિદોને બોલાવીને સન્માનિત કરવાનો. વિક્રમ ઠાકોરે સામાજિક પ્રસંગમાં હોવાની વાત કહીને ન ગયા. આ બધાની વચ્ચે તેઓ આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીને મળતા પણ દેખાયા, શુભેચ્છા મેળવતા દેખાયા. સરકારમાં જોડાયેલા અભિનેતા હિતુ કનોડિયાએ કહ્યું, સૌથી પહેલું આમંત્રણ સરકારે વિક્રમભાઈને આપ્યું પણ એમનું કન્ફોર્મેશન આવ્યું નથી. 

વિક્રમભાઈએ તો કહ્યું નહીં કે આમંત્રણ આવ્યુ જ નથી પણ નવઘણજી ઠાકોર મેદાને આવ્યા ને બોલ્યા કે વિક્રમભાઈને તો સરકારે આમંત્રણ આપ્યું જ નથી. હવે દિલ્હીથી અરવિંદ કેજરીવાલનો વિક્રમ ઠાકોરને ફોન આવ્યો. અને ચર્ચાઓ શરુ થઈ કે વિક્રમ ઠાકોર રાજનીતિમાં જોડાશે અને એ પણ આમ આદમી પાર્ટીમાં. અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે. કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે. ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ અરવિંદ કેજરીવાલની વાતચીત વિક્રમ ઠાકોર સાથે કરાવી છે. હવે જોવાનું રહેશે કે વિક્રમ ઠાકોર અરવિંદ કેજરીવાલને મળવા માટે દિલ્હી જાય છે કે નહીં એ જોવાનું રહેશે. 

વિક્રમ ઠાકોરની રાજનીતિમાં એન્ટ્રીને લઈને અટકળો શરૂ થઈ છે. ત્યારે આ વચ્ચે અરવિંદ કેજરીવાલ સાથે વિક્રમ ઠાકોરે વાતચીત કરી. ઈસુદાન ગઢવીના મારફતે કેજરીવાલ સાથે વાત થઈ હોવાનું વિક્રમ ઠાકોરે કબૂલ્યુ. તેમણે કહ્યું કે, રાજકારણમાં એન્ટ્રી હાલ નહિ કરું. સમય આવે મારો નિર્ણય કરીશું. દરેક પક્ષમાંથી મને રાજનીતિમાં આવવા માટેની ઓફર આવે છે. કેજરીવાલ સાહેબનો મારા પર ફોન આવ્યો હતો. ઈસુદાનભાઈ પણ મળવા આવ્યા હતા. ઘણીવાર ગાંધીનગર આવે ત્યારે મને મળે છે. તેમણે કેજરીવાલને મારા વિશે વાત કરી હતી. કેજરીવાલ સાહેબે મને આવો ત્યારે મળવા બોલાવ્યા હતા. 

પહેલા પણ મને રાજકારણમાં જોડાવાની ઓફર આવી જ હતી. હાલ તો કંઈ ન કહી શકું. જ્યારે કરીશ ત્યારે મીડિયા સામે જાહેર કરીશ. મોદીસાહેબ હતા ત્યારે ઓફર આવી હતી. દરેક પક્ષમાંથી ઓફર આવી હતી. કેજરીવાલ સાહેબે પણ જોડાવા માટે ફોન નહોતો કર્યો, માત્ર આવો ત્યારે મળવા માટેની વાત કરી હતી. દરેક પાર્ટી સારા લોકોને પોતાના પક્ષમાં જોડાવા ઈચ્છતી હોય છે.

ઉત્તર ગુજરાતમાં વિક્રમ ઠાકોર બહુ જ લોકપ્રિય છે. ઠાકોર સમાજમાં પણ ખુબ મોટુ નામ છે. સવાલ એ છે કે શું વિક્રમ ઠાકોરની નારાજગીનો ફાયદો આમ આદમી પાર્ટી ઉઠાવી ઉત્તર ગુજરાતમાં મજબુત થવા માંગે છે.  વિક્રમ ઠાકોરને ઈસુદાન ગઢવી મળ્યા, આપનું નેતૃત્વ મળ્યુ અને હવે અરવિંદ કેજરીવાલે ફોન પણકર્યો અને મળવા માટે પણ બોલાવ્યા. સામાન્ય સંજોગોમાં આ બહુ જ સ્વાભાવિક બનતી ઘટના છે. પણ નારાજગી હોય અને એમના કહેવાથી જ્યારે આખો ઠાકોર સમાજ ભેગો થતો હોય તેમના માટે ત્યારે આમ આદમી પાર્ટીનું એક્ટિવ થવું બહુ જ મોટી વાત છે. 2022માં સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીના ચાર ધારાસભ્યો જીતી ગયા. ગારિયાધારથી સુધીર વાઘાણી, બોટાદથી ઉમેશ મકવાણા, જામજોધપુરથી હેમંત ખવા અને વિસાવદરથી ભૂપત ભાયાણ જોકે ભાયાણી તો રાજીનામુ આપીને ભાજપમાં જોડાય ગયા..પણ ત્રણ અકબંધ છે. દક્ષિણ ગુજરાતમાં ચૈતર વસાવા દેડીયાપાડાથી ધારાસભ્ય છે. ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાને મજબૂત કરવા માટે પ્રયાસ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.. આ રાજનીતિ છે અને અહીંયા બધુ જ શક્ય છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.