પહેલા વસ્તી ગણતરી, પછી સીમાંકન... ત્યાર બાદ મળશે મહિલા અનામત, આટલા વર્ષો લાગશે


  • Published By :
  • Published Date : 2023-09-19 23:05:29

સંસદના વિશેષ સત્રમાં મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે મંગળવારે લોકસભામાં 'નારી શક્તિ વંદન એક્ટ' નામનું આ બિલ રજૂ કર્યું હતું. સરકારે તેને ઐતિહાસિક ગણાવ્યું છે. બિલની રજૂઆત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે એક પવિત્ર શરૂઆત થઈ રહી છે. જો કાયદો સર્વસંમતિથી બનશે તો તેની તાકાત અનેકગણી વધી જશે. હાલમાં આ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. બાદમાં તેને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. આશા છે કે આ વખતે આ બિલ પાસ થઈ જશે. પરંતુ ખરડો પસાર થયા બાદ તેનો અમલ ક્યારે થશે? આ અંગે મોટી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


વિરોધ પક્ષોએ તેને જુમલો ગણાવ્યો 


કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ દાવો કર્યો હતો કે મહિલા આરક્ષણ બિલમાં સ્પષ્ટ લખેલું છે કે આ બિલ સીમાંકન પૂર્ણ થયા બાદ અમલમાં આવશે. તેથી, આ મહિલા અનામત કોઈ પણ ભોગે 2029 પહેલા લાગુ કરી શકાય નહીં. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે પણ કહ્યું કે 2024ની ચૂંટણી પહેલા વસ્તી ગણતરી અને સીમાંકનની અપેક્ષા નથી. કોંગ્રેસે સોશિયલ મીડિયા સાઇટ X પર પણ લખ્યું છે કે, 'આ બિલ વસ્તી ગણતરી પછી જ લાગુ કરવામાં આવશે. 2021ની વસ્તી ગણતરી હજુ થઈ નથી. વસ્તી ગણતરી 2027 અથવા 2028 માં થશે. તે પછી સીમાંકનની પ્રક્રિયા થશે અને ત્યાર બાદ જ મહિલા અનામત બિલ લાગુ કરવામાં આવશે. હાલમાં આ બિલ પર બુધવારે લોકસભામાં ચર્ચા થશે. અને ત્યાર બાદ તેને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. પરંતુ આ બિલ ક્યારે અમલમાં આવશે? આ અંગે સરકાર તરફથી હજુ સુધી કંઈ કહેવામાં આવ્યું નથી.


શા માટે વિલંબ થશે?


આ સમગ્ર રમત વસ્તી ગણતરી અને સીમાંકન સાથે સંબંધિત છે. રાજ્યમાં લોકસભા અને વિધાનસભા બેઠકોની સંખ્યા કેટલી હશે? આ કામ સીમાંકન પંચ દ્વારા કરવામાં આવે છે. 1952માં સીમાંકન પંચની રચના કરવામાં આવી હતી. કલમ 82માં પંચનું કામ પણ નક્કી કરવામાં આવ્યું છે. પ્રથમ સામાન્ય ચૂંટણી સમયે લોકસભાની બેઠકોની સંખ્યા 489 હતી. છેલ્લી વખત સીમાંકન 1971ની વસ્તી ગણતરીના આધારે કરવામાં આવ્યું હતું, ત્યારબાદ સીટોની સંખ્યા વધીને 543 થઈ ગઈ હતી.


શું 2029ની ચૂંટણીમાં મહિલા અનામતનો અમલ થશે?


હવે સવાલ એ છે કે તો શું શું 2029ની ચૂંટણીમાં અનામતનો અમલ થશે? તો આ મુદ્દે નિષ્ણાતો પણ સ્પષ્ટ જવાબ આપી શકતા નથી. કારણ કે જ્યારે અટલ બિહારી વાજપેઈની સરકારમાં બંધારણમાં સુધારો કરવામાં આવ્યો ત્યારે એવી જોગવાઈ કરવામાં આવી હતી કે લોકસભાની સીટોનું સીમાંકન 2026 પછી જ કરવામાં આવશે જ્યારે પ્રથમ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે અને તેનો ડેટા પ્રકાશિત કરવામાં આવશે.અત્યાર સુધી તો 2021ની વસ્તી ગણતરી જ થઈ નથી અને 2026 પછી તે 2031 માં થશે. ત્યાર બાદ જ લોકસભા સીટોનું સીમાંકનની અપેક્ષા છે. જો આમ થશે તો 2024ની વાત છોડી દો, 2029ની લોકસભાની ચૂંટણી વખતે પણ મહિલા અનામતનો અમલ કરવો મુશ્કેલ બનશે. એ જ રીતે, રાજ્યોની વિધાનસભા બેઠકો માટે જુલાઈ 2002માં સીમાંકન આયોગની રચના કરવામાં આવી હતી. આયોગે જુલાઈ 2007માં તેનો રિપોર્ટ સુપરત કર્યો હતો. તેના આધારે ઘણા રાજ્યોમાં સીમાંકન થયું હતું. રાજ્યોની વિધાનસભા બેઠકોનું સીમાંકન પણ વસ્તી ગણતરી પર આધારિત છે. જો આમ થશે તો રાજ્યોએ પણ આગામી વસ્તી ગણતરી અને પછી સીમાંકન માટે રાહ જોવી પડશે. મતલબ કે મહિલા અનામત ખરડો પસાર થયા પછી પણ તેના અમલમાં વર્ષો લાગશે તે નિશ્ચિત છે.



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.