જ્ઞાન સહાયક યોજનાનો અતિશય વિરોધ તો પણ સરકાર પૂનર્વિચાર શું કામ ટાળી રહી છે?


  • Published By : Admin
  • Published Date : 2023-10-14 15:46:57

દુખીના દુખની વાતો, સુખી ના સમજી શકે
સુખી જો સમજે પુરૂં, તો દુખ વિશ્વમાં ના ટકે

મહીસાગર જિલ્લાની ગુજરાતી માધ્યમની સરકારી શાળામાં સાંભળેલો વિચાર વિસ્તાર છે આ. ત્યારે આનો અર્ક હું સમજી હતી કે જો તમે બીજાનું દુખ સમજવા લાગો છો તો તમે ધીરે-ધીરે એનું દુખ ઓછું કરવાની દિશામાં આગળ વધી રહ્યા છો. પણ મોટા થતા ગયા, સમય અને દુનિયા બંને બદલાતા ગયા. અને બદલાયેલા સમયનું એ દુષ્પરિણામ સામે છે કે કોઈ પણ ઘટના, ગમે એટલી જીવનને અસર કરનારી અને પીડા દેનારી હોય તો પણ "મારે કેટલા!" કહેનારી સંખ્યા વધી ગઈ છે, અને એટલે જ દુખ પણ વધી ગયા છે.


આજે આખો દિવસ જ્ઞાન સહાયકનો મુદ્દો ચર્ચામાં રહ્યો. કારણ બે હતા, એક આમ આદમી પાર્ટીએ શરૂ કરેલી ઉંધી દાંડી યાત્રા અને બીજી કૉંગ્રેસે પણ સમાંતરે કરેલી વિરોધ યાત્રા. બંને પક્ષ માટે કદાચ જ્ઞાનસહાયક યોજના રદ્દ કરાવવી એ રાજકીય જશ માટેનો વિષય હોઈ શકે, જે 70-80 લોકો આંદોલનમાં સતત દેખાઈ રહ્યા છે. જે ઉમેદવારો એક્ટીવ છે એમનાં માટે આ આંદોલન એમની કાયમી નોકરી માટેનું હોઈ શકે. પણ આ વિષય કોઈની રાજનીતિ અને કોઈની નોકરી કરતાં પણ ઉપર ઉઠીને રાજ્યની શિક્ષણ વ્યવસ્થાનો છે. શું કામ એ આજે વિસ્તારથી સમજાવવું છે.


 જ્ઞાનસહાયક યોજનાને ગુલામી શું કામ કહેવાઈ રહી છે?


1. 11 મહીનાનો કોન્ટ્રાક્ટ પુરો થયા પછી એને નવેસરથી રિન્યુ કરવા માટે તમારે ગામની એ સમિતિની પરવાનગી જોઈશે જે ગામના મહત્વના માણસોની બનેલી હશે. કમનસીબે હવે આપણે ત્યાં ગામનાં મહત્વના માણસો એટલે રાજકીય માણસો જ હોય છે. હવે એ સમિતિમાંથી જ કોઈકનો કાકા-મામાનો છોકરો પરીક્ષા પાસ થઈને આવે છે અને એને નોકરી આપવી છે તો કોઈક કોન્ટ્રાક્ટ રિન્યુ કરશે જ એની શું ગેરંટી?


2. ગ્રાન્ટ-ઈન-એઈડ શાળાઓમાં ભરતી માટે પરીક્ષા પાસ કરીને મેરીટમાં આવ્યા પછી સરકાર હાજર કરે તો પણ સંચાલકો અમુક રૂપિયા શિક્ષકોને હાજર કરવા માટે લે છે, અને જો શિક્ષક રૂપિયા નથી આપતા તો એમનો ફીક્સ પગારનો કોન્ટ્રાક્ટ પુરો કરવા માટે શાળાએ જે સહમતી આપવાની હોય એ નથી અપાતી, તો આવા લોકો ગામે-ગામે નહીં હોય એની શું ગેરંટી? 


3. પોતાના સ્વાર્થ માટે શિક્ષક પાસે રૂપિયાની અથવા સ્ત્રી શિક્ષકો પાસે અનૈતિક માંગણી કરશે તો શિક્ષકો ક્યાં જશે?


બાળકો પર શું અસર થવાની?


1. એક જ શાળામાં કામ કરતા અને મોટાભાગે સમાન આવડત અને ક્ષમતા વાળા લોકોના પગારમાં અસમાનતાના કારણે શિક્ષકોની વચ્ચે થતા ભેદભાવો સ્વાભાવિક રીતે બાળકના માનસને અસર કરશે.


2. ગુલામ માનસથી કામ કરતો શિક્ષક બાળકના ચરિત્રનું કેવું નિર્માણ કરવાનો?


3. સમિતિ પાસે સત્તા છે અને નોકરી જતી રહેશે તો જીવનભરનું કશુંક મોટું નુકસાન થવાનો જેને ડર નથી એ વધારે ક્ષમતાથી કામ કરશે એવું કેવી રીતે માનવાનું?


4. કોઈ પણ બાળકનું પહેલુ સપનું હોય છે શિક્ષક બનવાનું. એ સપનું જોતા બાળકો બંધ થશે તો નુકસાન કોને?


સમાજમાં સૌથી આદરણીય, માના સ્તરના માસ્તર કોન્ટ્રાક્ટ વાળા?

ગામમાં એક શિક્ષક રહેતો હોય તો પણ આખા ગામની અનેક સમસ્યાઓમાં એ આધાર હોય છે. હવે એ શિક્ષક આર્થિક ઉપાર્જન માટે સ્વાભાવિક રીતે જ બીજી બધી પ્રવૃત્તિઓ પર ધ્યાન આપશે. હવે એના ધંધા માટે બાળક અને વાલી સૌથી સરળ ટાર્ગેટ રહેવાનાં છે. શિક્ષક ધંધાર્થી બની જાય તો સમાજની વ્યવસ્થા બગાડી દે છે. હાલ કામ કરતાં સરકારી શિક્ષકો લાખ જેટલો પગાર થવાનો હોય તો પણ ઘણા કિસ્સાઓમાં ટ્યુશન કરતાં કે બીજી કેટલીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા જોવા મળે છે. અને સરકાર પાસે કોઈ એવી ફીડબેક સિસ્ટમ નથી કે આવા કિસ્સાઓમાં કાર્યવાહી થાય તો પછી જેનો પગાર જ આખુ જીવન સિમિત રહેવાનો છે એ જે-તે ગામને ધંધાનું કેન્દ્ર નહીં બનાવી દે એવું માની લેવાને કોઈ અવકાશ નથી.


આ વાત કોઈની નોકરીની નથી, રાજ્યના ભવિષ્યની છે!

આ વાત આખા રાજ્યના બાળકોની છે. એ બાળકો જેમના આધારે આપણે આપણા સોનેરી ભવિષ્યની કલ્પના કરીએ છીએ.  એવી કુંપળો જેમને આપણે શિક્ષકના ભરોસે શાળામાં મોકલીએ છીએ. સરકારનો જે તર્ક છે કે શિક્ષકો દારૂ પીને જાય, અનિયમિત રહે છે, ભણાવતા નથી... તો કલ્પના કરો કે બધું બહાર આવશે તો નોકરી જતી રહેવાની સંભાવના હોવા છતાં અમુક લોકો બેફામ બને છે તો જેને ગુમાવવા માટે કશું ખાસ છે જ નહીં એવા કોન્ટ્રાક્ટ વાળા કર્મચારીઓ પાસેથી બાળક અને શિક્ષણને પ્રામાણીક રહેશે એવી અપેક્ષા કેવી રીતે રાખવાની! 


સરકાર આ કોઈ જ મુદ્દાથી અજાણ નથી, એમની પણ કોઈ મજબૂરી હશે એવુ સમજીએ તો પણ કોઈપણ રાજનીતિક કે વહિવટી મજબૂરી રાજ્યના ભવિષ્ય કરતા મોટી ના હોઈ શકે. અને એટલે જ કાયમી ભરતીના નામે માત્ર આશ્વાસન આપવાની જગ્યાએ જો નિરાકરણ આપે તો રાજ્યના યુવાનનો કિંમતી સમય આંદોલન કરવાની જગ્યાએ બાળકોનું ભવિષ્ય ઘડવામાં વપરાય.
ગુજરાતમાં હાર્ટ એટેકથી થતા મોત મોટી ચિંતાનો વિષય બન્યા છે. જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં સૂકી કચોરીના કારણે જાણીતા જૈન વિજય ફરસાણના વેપારી સુમિત પઢીયાર (24)નું હાર્ટ એટેકથી મોત થયું છે.

ચીનમાં કોરોના બાદ ફેલાઈ રહેલા ‘રહસ્યમય ન્યુમોનિયા’એ ફરી એક વખત ચિંતા વધારી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલનું વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગોતરી તૈયારી શરૂ કરી દીધી છે.

ટાટા ટેક્નોલોજી (Tata Technologies Share) ના શેરોની ફાળવણી થઈ ગઈ છે અને આ સ્ટોક આવતીકાલે 30 નવેમ્બર, 2023ના રોજ NSE અને BSEમાં લિસ્ટ થશે. ટાટા ટેક્નોલોજીના શેરોનું આવતી કાલે ધમાકેદાર લિસ્ટિંગ થાય તેવી શક્યતા છે

રાજસ્થાનથી પાકિસ્તાન ગયેલી અંજુ ભારત પરત ફરી છે. તેની એક તસવીર પણ સામે આવી છે. તે વાઘા બોર્ડર થઈને પરત ફરી છે. તે લગભગ છ મહિના પહેલા ભારતથી પાકિસ્તાન પહોંચી હતી.